અશ્વિનની 106 માંથી એકેય ટેસ્ટ પાકિસ્તાન સામે નહીં, અનોખો વર્લ્ડ રેકૉર્ડ બની ગયો!
નવી દિલ્હીઃ રવિચન્દ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટના દાયકાઓ જૂના ઇતિહાસનો એવો પહેલો ખેલાડી છે જે 100 ટેસ્ટ રમ્યો છે, પરંતુ એમાંથી તે એક પણ ટેસ્ટ પાકિસ્તાન સામે રમ્યા વગર નિવૃત્ત થઈ ગયો છે. ટેસ્ટ જગતમાં કુલ મળીને 78 ખેલાડી 100 કે વધુ મૅચ રમ્યા છે. અત્યાર સુધીમાં (પાકિસ્તાનના પાંચ ખેલાડીને બાદ કરતા) વિશ્વના એવા 70 ખેલાડી છે જેઓ પાકિસ્તાન સામે એક કે વધુ ટેસ્ટ રમી ચૂક્યા છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા પણ 100 ટેસ્ટ રમી ચૂક્યા છે અને તેઓ બન્ને પણ પાકિસ્તાન સામે ન રમ્યા હોવાથી તેઓ નિવૃત્તિ લેવા સુધીમાં પાકિસ્તાન સામે ટેસ્ટ નહીં રમ્યા હોય તો અશ્વિનની `ક્લબ’માં જોડાઈ જશે.
આ પણ વાંચો : IND VS AUS Test: શાસ્ત્રીએ રોહિત શર્માને રણનીતિ બદલીને બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની આપી સલાહ, શા માટે?
વિશ્વમાં 78 ટેસ્ટ ખેલાડીઓ 100 કે વધુ ટેસ્ટ રમ્યા છે. એમાં પાકિસ્તાનના પાંચ પ્લેયર પણ સામેલ છે. તેમને બાદ કરીએ તો બાકીના 73માંથી અશ્વિન એકમાત્ર એવો છે જેણે 100 ટેસ્ટ રમવા છતાં પાકિસ્તાન સામે રમ્યા વિના નિવૃત્તિ લઈ લીધી છે. કોહલી-પુજારા પણ તેને અનુસરશે એવી શક્યતા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ વણસી ગયા છે અને 2027ની સાલ સુધીમાં તેઓ એકમેકને ત્યાં પોતાની ટીમને નથી મોકલવાના. એ જોતાં નજીકના ભવિષ્યમાં બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષી ટેસ્ટ શ્રેણી રમાવાની કોઈ સંભાવના નથી. કોહલી અને પુજારા જો રિટાયરમેન્ટ સુધીમાં પાકિસ્તાન સામે ટેસ્ટ નહીં રમ્યા હોય તો તેમની ગણના પણ અશ્વિનની જેમ પાકિસ્તાન સામે રમ્યા વિનાના નિવૃત્ત ખેલાડી તરીકે થશે.
અત્યાર સુધીમાં કોહલી 121 અને પુજારા 103 ટેસ્ટ રમ્યો છે.
ટેસ્ટ-ક્રિકેટનો ઇતિહાસ 147 વર્ષ જૂનો છે, પરંતુ પાકિસ્તાન 1952ની સાલથી (72 વર્ષથી) ટેસ્ટ-ક્રિકેટ રમે છે. ભારત સહિત વિશ્વભરના અનેક દેશોના (100 કે વધુ ટેસ્ટ રમી ચૂકેલા) કુલ 70 ક્રિકેટર પાકિસ્તાન સામે એક કે વધુ ટેસ્ટ રમ્યા છે. એમાં કરીઅરમાં કુલ 100 કે વધુ ટેસ્ટ રમી ચૂકેલા અન્ય ભારતીય ખેલાડીઓમાં સચિન (200 ટેસ્ટ), રાહુલ દ્રવિડ (164), વીવીએસ લક્ષ્મણ (134), અનિલ કુંબલે (132), કપિલ દેવ (131), સુનીલ ગાવસકર (125), દિલીપ વેન્ગસરકર (116), સૌરવ ગાંગુલી (113), ઇશાંત શર્મા (105), સેહવાગ (104), હરભજન (103)નો સમાવેશ છે.
જોકે અશ્વિન, કોહલી અને પુજારા પાકિસ્તાન સામે નથી રમ્યા. એમાં પણ કુંબલેની પાકિસ્તાન સામેની સિદ્ધિ અપ્રતિમ છે. ફેબ્રુઆરી, 1999માં તેણે દિલ્હીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટના બીજા દાવમાં તમામ 10 વિકેટ (26.3-9-74-10) લીધી હતી.
આ પણ વાંચો : Champions Trophy: આ સ્થળે યોજાશે ભારતીય ટીમની મેચ, શેડ્યુલ અંગે ICC ની જાહેરાત…
ઉલ્લેખનીય છે કે 2007 પછી (17 વર્ષથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ-મૅચ નથી રમાઈ. અશ્વિને 2011માં ટેસ્ટ-કારકિર્દી શરૂ કરી એ પહેલાં જ ભારત-પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ-સંબંધો બગડવાના શરૂ થઈ ગયા હતા જે હજી નથી સુધર્યા અને પાકિસ્તાન લશ્કર તેમ જ પાકિસ્તાન સરકારની અવળચંડાઈને કારણે આવનારા ઘણા વર્ષોમાં સુધરે એવી કોઈ સંભાવના પણ નથી. છેલ્લા દોઢ દાયકામાં બન્ને વચ્ચે માત્ર આઇસીસીની ઇવેન્ટમાં જ (મર્યાદિત ઓવરોની મૅચોમાં જ) મુકાબલા થાય છે.