ભારત-પાક મેચ જોવા તેંડુલકર, બચ્ચન સહિતની નામાંકિત હસ્તીઓ આવશે અમદાવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂરદૂરથી અમદાવાદ આવતા પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. આગામી 14મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો રમાશે. અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર જેવો માહોલ છે. આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં કોમેન્ટેટર, ક્રિકેટ એક્સપર્ટ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને રવિ શાસ્ત્રી સહિતના અનેક મહાન ક્રિકેટર પણ સ્ટેડિયમમાં દેખાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા.14મી ઓક્ટોબરે વર્લ્ડ કપનો સૌથી રોમાંચક મુકાબલો એટલે કે, ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચને લાઈવ નિહાળવા માટે બોલીવુડ અને ખેલ જગત, ઉદ્યોગ જગતની ઘણી નામાંકિત હસ્તીઓ હાજરી આપશે. જેમાં સૂત્રોનું માનીએ તો ભારત-પાકિસ્તાનની મેચ જોવા નીતા અંબાણી, ફિલ્મ અભિનેતા રણવીર સિંહ, ગાયક અરિજીત સિંહ, ક્રિતિ સેનન સહિતની હસ્તીઓ અમદાવાદ આવી શકે છે. તેમજ સચિન તેંડુલકર પણ આ મેચ જોવા પોતાના પરિવાર સાથે આવી શકે છે. તેમનો પુત્ર અર્જુન તેંડુલકર જે ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યો છે, તેની પુત્રી સારા અને પત્ની અંજલિ સાથે સચિન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપશે.
સચિન તેંડુલકર આ વર્લ્ડ કપનો આઈસીસીનો બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી પણ આ હાઈવોલ્ટેજ મુકાબલામાં વિશેષ અતિથિ તરીકે સચિનનું સ્થાન રહેશે.
આ ઉપરાંત સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત પણ અમદાવાદના મહેમાન બનશે. આ સાથે જ ભારત પાકિસ્તાનની આ મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ અમદાવાદ આવી શકે છે.