વિશેષ : નિંદાનું નિંદામણ કરે એ સાચો સાધુ…
- રાજેશ યાજ્ઞિક
કેરીના રસથી વધુ સ્વાદિષ્ટ શું હોઈ શકે? તેનો જવાબ આપવો ભાગ્યેજ શક્ય બને. તર્કથી તો સાબિત કરી શકાય તેમ છે કે તેના કરતા વધુ સ્વાદિષ્ટ બીજા અનેક રસ હોઈ શકે, પણ સિદ્ધાંત સમજાવવો હોય તો સૌથી નિકટનો જવાબ છે કે લોકોને કેરીના રસ કરતાંય વધારે મજા નિંદાના રસમાં આવે છે! તેમાં પણ જો બુરાઈ પોતાનાઓની કરવાની હોય ત્યારે તો આ રસ ઘણો વધી જાય છે.
નિંદા નામનો આ રોગ પરિવારોમાં પ્રવેશી ગયો છે. પછી તે પરિવારની બહાર જાય છે અને બહારથી ફરી અંદર આવે છે. એકંદરે, નિંદા ખૂબ જોખમી છે. તો પછી તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? રામાયણના લંકા કાંડમાં જ્યારે રાવણે રામજીની નિંદા કરી અને અંગદે તે સાંભળીને જે પ્રતિક્રિયા આપી હતી,
તેના માટે તુલસીદાસજીએ લખ્યું છે, ‘જબ તેહિં કીન્હી રામ કૈ નિંદા, ક્રોધવંત અતિ ભયઉ કપિંદા; હરિ હરિ નિંદા સુનઈ જો કાના, હોઈ પાપ ગોઘાત સમાના’ .
રાવણના મુખમાંથી શ્રીરામની નિંદા સાંભળીને અંગદ ખૂબ ગુસ્સે થયા કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભગવાન (વિષ્ણુ અને શિવ)ની નિંદા સાંભળે છે, તે ગોહત્યા સમાન પાપ કરે છે. અહીં અંગદ એ સંદેશ આપવા માંગે છે કે કોઈની નિંદા સાંભળવી એ પાપ છે, કારણ કે આપણે વિષ્ણુ અને શિવની જેમ દરેક વ્યક્તિ સાથે સંબંધ રાખવો જોઈએ.
નિંદાનો રસ એવો છે કે તે અહંકારની લાગણીથી ભરેલો છે, હું સર્વોપરી છું, આ લાગણી વ્યક્તિને ટીકા કરવા પ્રેરે છે.
ટીકાની ઉત્પત્તિ હીનતા અને નબળાઈમાંથી થાય છે. માણસ પોતાની હીનતાથી દબાઈ જાય છે. બીજાની ટીકા કરીને તેને લાગે છે કે તે બધા નીચા છે અને પોતે તેમના કરતા સારા છે. આનાથી તેનો અહંકાર સંતુષ્ટ થાય છે. નિંદાનું બીજું પાસું ઈર્ષ્યા છે. જે વ્યક્તિ પોતે કંઈ કરી શકતી નથી, અન્યની પ્રગતિ ન જોઈ શકવાને કારણે તેમની ટીકા કરે છે.
પરંતુ નિંદા કરવી એ સજજનતાનું લક્ષણ નથી. શ્રીમદ ભગવદ ગીતામાં ભક્તોના જે લક્ષણો ગણાવ્યા છે તેમાં એક લક્ષણ એ પણ છે કે ભક્ત કોઈની નિંદા નથી કરતો. આ વાતનો પડઘો પાડતા ભક્ત કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવ જનમાં લખ્યું છે, ‘નિંદા ન કરે કેની રે.’ નિંદા આપણા મનને કલૂષિત કરે છે. નિંદા આપણામાં ગુણગ્રાહી દ્રષ્ટિકોણ નષ્ટ કરીને દોષદ્રષ્ટિ સર્જે છે. માટે સાધુ પુરુષે જીવનમાંથી નિંદાનું જ નિંદામણ કરવાની જરૂર છે.
પણ જ્યારે આપણી નિંદા થાય ત્યારે શું કરવું?! ત્યારે પેલી વાત યાદ રાખવી, હાથી રસ્તે ચાલે ત્યારે શ્વાન તો અવાજ કરવાના જ છે. પણ હાથી તેનાથી વિચલિત થતો નથી. આપણે પણ અન્યોની નિંદાને નજરઅંદાજ કરવાની. હા, કોઈ આપણી રચનાત્મક ટીકા કરે તો તેને લક્ષમાં જરૂર લઈએ. કબીર સાહેબે તો અદભુત વાત કરી છે, ‘નિંદક નિયરે રાખીએ, આંગણ કુટી છવાય; બિન પાની, સાબુન બિના, નિર્મલ કરે સુભાય.’ કબીર સાહેબ કહે છે, નિંદા કરનારને પોતાની પાસે રાખવા જોઈએ. જે વ્યક્તિ હંમેશા તમારામાં ખામીઓ શોધે છે તેને હંમેશાં તમારી સાથે રાખવી જોઈએ. કારણ કે એ જ વ્યક્તિ સાબુ કે પાણી વગર તમારા સ્વભાવને શુદ્ધ બનાવી શકે છે.
તકલીફ એ છે કે આજના જમાનામાં રચનાત્મક ટીકા કરનાર ઓછા અને નિંદા કરનારની ભરમાર છે. આપણા રાજકારણ તરફ જ નજર કરો. એવું લાગે, જાણે આપણે નેતાઓને નહીં, નિંદકોને ચૂંટીને સંસદમાં મોકલ્યા છે. ધર્મના ક્ષેત્રમાં નજર કરો, તો સર્વ ધર્મની ભાવના એક જ છે. એ વાત ક્યાંય નથી રહી, એકમેકની નિંદા કરવાંથી ઊંચા નથી આવતા. જાતિ, ભાષા, કે અન્ય કોઈ પણ નામે એકબીજાની નિંદા કરવાની જાણે કે સ્પર્ધા જામી છે. જ્યાં સુધી નિંદાનો ત્યાગ કરીને આપણે ગુણગ્રાહી નહીં બનીએ ત્યાં સુધી સજજનતા માત્ર અંચળો બનીને રહેશે, આપણો આત્મા નહીં.