ચિંતન: હજુ તો શરૂઆત પણ નથી થઈ…
- હેમુ ભીખુ
જો એમ માની લેવામાં આવે કે આધ્યાત્મના માર્ગમાં સારી પ્રગતિ થઈ ચૂકી છે, તો એ માન્યતાથી એમ તો સાબિત થઈ જ જાય કે હજુ તો શરૂઆત પણ નથી થઈ.
આજકાલ સોશિયલ મીડિયામાં કુંડલિની જાગ્રત થવાના, શાંભવી મુદ્રા સિદ્ધ કરવાના, 300 વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવનાર સિદ્ધપુરુષને મળવાના દાવા વારંવાર થતાં જોવા મળે છે. તે સાચા પણ હોઈ શકે, પરંતુ સામાન્ય સ્થાપિત સમજ એમ કહેવા માગે છે કે જે વ્યક્તિ ને જે તે સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તે સિદ્ધિ બાબતે વ્યક્તિ ભાગ્યે જ વાત કરે. સાધનાનો આ એક નિયમ મહત્ત્વનો છે.
દેહ વાસનાનો ત્યાગ થયો હોય પરંતુ હજુ લોક વાસના બાકી હોય. એમ બની શકે કે હજુ પણ લોકોમાં પ્રસિદ્ધિ મેળવવાની ખેવના હોય, પોતાની જાતને સ્થાપિત કરવાની ઈચ્છા હોય, ચોક્કસ પ્રકારનું માન-સન્માન મેળવવાની અપેક્ષા હોય, સમાજના ચોક્કસ વર્ગમાં મહત્ત્વ સ્થાપિત કરવાની ચાહના હોય કે સૂક્ષ્મ અહંકાર હજુ પણ કાર્યરત હોય.
આવા સંજોગોમાં આ પ્રકારના દાવા થવાની સંભાવના વધુ રહે. છતાં પણ અહીં એ વાત ફરીથી કહી દેવી જરૂરી છે કે, આ પ્રકારના દાવા કરનાર દરેક વ્યક્તિ અધૂરાશ-યુક્ત ન હોય, અને હોઈ પણ શકે.
ઊંડાણમાં જોતાં જણાશે કે હજુ તો શરૂઆત પણ નથી થઈ. કામ-ક્રોધ હજુ પણ પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. જે તે શ્રેણીની વસ્તુઓ માટે હજુ પણ રાગ-દ્વેષ છે, હજુ પણ મોહનું વર્ચસ્વ છે. માયા અને પ્રપંચ હજુ પણ મનને ભ્રમિત કરે છે. હું અને મારુંમાંથી છૂટાતું નથી. ઇન્દ્રિયોના વિષયોમાં હજુ પણ મન ભ્રમણ કરે છે. મન હજુ પણ ખેંચાણ અનુભવે છે, તે શાંત નથી થતું. બુદ્ધિ ક્યારેક વિવેક અને સંયમની બહારના ક્ષેત્રની અસર હેઠળ રહે છે. ચિત્ત અપાર અશાંતિ અનુભવે છે. હરખ અને શોકની હેડકી ચાલુ જ છે. અજ્ઞાન અને અવિદ્યાથી જીવન નિયંત્રિત થઈ રહ્યું છે. વાસ્તવમાં હજુ શરૂઆત પણ નથી થઈ.
ક્યારેક મન એમ માની બેસે કે ઈશ્વરની કૃપા થવા માંડી છે.
પણ સ્વયંની સ્થિતિ જોતાં એમ જણાય છે કે આ તો માત્ર માન્યતા છે. હજુ તો નિયતિ પોતાના કાર્યક્ષેત્રમાં જ કાર્યરત છે. જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયનો તફાવત દૂર નથી થયો. શાસ્ત્રો સાથે ભાવનાત્મક સંબંધ નથી બંધાયો. ઈશ્વરના અસ્તિત્વ વિશે શ્રદ્ધા છે, ગુરુદેવ દ્વારા ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પણ પ્રશસ્ત કરાયો છે, તો પણ તે તરફ હજી સુધી ડગલાં નથી મંડાતાં. ખબર નથી કોને જઈને કહેવું કે હજુ તો શરૂઆત પણ નથી થઈ.
ગુરુદેવે આપેલા દીક્ષા-મંત્રનો અભ્યાસ ચાલુ નથી થયો. ગુરુદેવના સૂચન પ્રમાણે જીવનનાં સિદ્ધાંતો સ્થાપિત નથી થયા. ગુરુદેવના જીવનને એક આદર્શ ઉદાહરણ તરીકે અનુસરવાની ઈચ્છા શક્તિ જાગ્રત નથી થઈ. ગુરુદેવની કૃપા માટે હજુ લાયકાત નથી કેળવાઈ. ગુરુ પરંપરામાં હજુ તેટલો વિશ્વાસ નથી બેઠો.
ગુરુ વિશે પણ અમુક પ્રશ્નો ઉદ્ભવ્યા કરે છે. ગુરુની ઈચ્છા પ્રમાણે ઠરીને કશે બેસાતું નથી – મન પણ કૂદકા મારે છે અને શરીર પણ ચંચળતા જાળવી રાખે છે. ઘણીવાર તો એમ લાગે છે કે, શરૂઆત થવાની વાત તો દૂર રહી, આ તો પછીત-પગલાં ભરવાં જેવી સ્થિતિ છે.
આમ જોવા જઈએ તો બધી બાબતો સ્પષ્ટ છે. અસંખ્ય ઋષિમુનિઓએ પ્રત્યેક માર્ગનું વ્યવસ્થિત રીતે નિર્દેશન કર્યું છે. શાસ્ત્રો દ્વારા દરેક માર્ગ વિશે વ્યવસ્થિત વિગતીકરણ કરાયું છે. જુદા જુદા માર્ગના જુદા જુદા ગુરુઓએ સચોટ વિવરણ કરેલું છે. ગુરુદેવ અને ઈશ્વર ક્યાંકથી પ્રેરણા થાય તેવી વ્યવસ્થા પણ કરે છે. ક્યારેક ગૂઢ સંકેત આપીને પ્રોત્સાહન માટે પ્રયત્ન પણ થતો રહે છે તો ક્યારેક શિક્ષાત્મક ભાવથી ઘડતર કરવા માટેની ચેષ્ટા કરાય છે.
કુદરત અને તેનાં સ્થાપિત સમીકરણો પણ અમુક બાબતોનું સૂચન કરે છે. કર્મના સિદ્ધાંતને આધારે ઊભરતું પરિણામ પણ આધ્યાત્મને લગતી ઘણી બાબતો સ્પષ્ટ કરી દે છે. એકંદરે એમ કહી શકાય કે વ્યવસ્થા સંપૂર્ણતામાં અનુકૂળ છે, પણ ક્યાંક અસ્તિત્વ નાશવંત બાબતોના આકર્ષણમાં ખેંચાઈ જાય છે.
જિંદગીમાં બધાને ખબર છે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. બધાં જાણે છે કે સત્ય અને ધર્મનું પાલન સમગ્રતામાં આવકારદાયક છે. બધાં જાણે છે કે કોઈપણ સ્વરૂપે પાપનો દંડ તો મળશે જ અને સત્કાર્યનું શુભ પરિણામ પણ પ્રાપ્ત થશે જ, તો પણ તત્કાલીન લાભ તથા સગવડતા માટે અયોગ્ય નિર્ણય લેવાતાં રહે છે. અંત સમયે થનારી વ્યથા પણ લગભગ બધાં જ જાણે છે, તો પણ તે સમય માટે કોઈ ગંભીર નથી.
જે નશ્વર છે તેના પ્રત્યે ધ્યાન નથી અને જે નાશ પામે છે તેના પ્રત્યેનો મોહ વધતો જ જાય છે. એમ જણાય છે કે જ્યાં હતા ત્યાં જ છીએ, એક ડગલું પણ આગળ વધાયું નથી.
છતાં પણ જાત વિશે જાતજાતની કલ્પના સ્થાપિત કરવામાં આવે છે. જે વાસ્તવિકતા નથી તેને વ્યક્ત કરવામાં આવે છે. જે મનની સૃષ્ટિ સમાન માત્ર છે તેને સત્ય ગણવામાં આવે છે. અધર્મથી પ્રાપ્ત થતી પરિસ્થિતિને સફળતા માનવામાં આવે છે. મનના સંકુચિત વલણને વ્યાપક તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. ધર્મ અને આધ્યાત્મની પરિભાષા પોતાની રીતે ગોઠવવામાં આવે છે.
સૌથી મજાની વાત તો એ છે કે, આમાંનું કશું જ યોગ્ય નથી તેની જાણ હોવા છતાં આ જ પ્રમાણેનો વ્યવહાર ચાલુ રહે છે. જિંદગીનું આ કડવું સત્ય છે. હજુ તો શરૂઆત પણ નથી થઈ અને અંતિમ મુકામ સુધી પહોંચવાના – અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાના દાવા થાય છે. આમાં અપવાદ પણ છે, તે જ આશા છે.