Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી

નવી દિલ્હી : ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ સીપલા કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી ભારતમાં અફ્રેઝા ઈન્હેલેશન પાવડરનું વિતરણ અને માર્કેટિંગ કરવા માટે મંજૂરી મળી છે. યુ.એસ માં મેનકાઇન્ડ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવેલ અફ્રેઝા બ્રાન્ડની દવા ડાયાબિટીસના પુખ્ત વયના દર્દીઓ માટે અતિ મહત્વનું ઇન્જેકશન વિનાનું ઇન્સ્યુલિન(Insulin)છે.
શરીરના કુદરતી ઇન્સ્યુલિન સાથે કાર્ય કરે છે
અફ્રેઝા એ ઇન્હેલર દ્વારા ઝડપી અસર કરતું ઇન્સ્યુલિન છે. જે પરંપરાગત ઇન્જેક્શન વાળા ઇન્સ્યુલિનના બદલે માત્ર નાકથી શ્વાસથી લઈ શકશે. જે ભોજનની શરૂઆતમાં લેવામાં આવે છે. જે શ્વાસમાં લેવાથી ઝડપથી ઓગળી જાય છે અને 12 મિનિટની અંદર લોહીમાં પ્રવેશ કરે છે. તેમજ શરીરના કુદરતી ઇન્સ્યુલિન સાથે કાર્ય કરે છે. આ દવાની અસર 2-3 કલાક રહે છે અને તેને ભોજન પછી સુગરના વધારાને નિયંત્રિત કરવા માટે અસરકારક રહે છે.
પ્રથમ બિન-ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન
આ નવી પ્રકારની સારવાર ટાઇપ 1 અને ટાઇપ- 2 ડાયાબિટીસ બંનેની સારવાર માટે ઉપલબ્ધ પ્રથમ બિન-ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન છે. જે અનેક વખત દૈનિક ઇન્જેક્શનની જરૂરિયાતને દૂર કરીને દવા અફ્રેઝા વધુ આરામદાયક અને અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે. ખાસ કરીને એવા દર્દીઓ માટે છે જેઓ ઇન્જેકશનથી મુશ્કેલી અનુભવે છે.