સ્પોર્ટસ

Ind Women vs WI Women: વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વન-ડેમાં 211 રને ભારતની ભવ્ય જીત

વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 91 રનની શાનદાર ઇનિંગ, રેણુકા સિંહે ઝડપી 5 વિકેટ

વડોદરાઃ અહીંયા રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ મહિલા સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય થયો હતો. ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે 211 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી રેણુકા સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય પ્રિયા મિશ્રાએ બે વિકેટ અને દીપ્તી શર્માએ એક વિકેટ ઝડપી હતી.

વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 91 રનની શાનદાર ઇનિંગની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 314 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ લાંબો સમય ટકી શકી ન હતી અને 26.2 ઓવરમાં માત્ર 103 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ પણ વાંચો: ભારતીય મહિલાઓનો જયજયકાર…અન્ડર-19 ટીમ બની એશિયન ચેમ્પિયન

વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને શૂન્ય રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના ઓપનર હેલી મૈથ્યૂ અને ક્વિના જોસેફ શૂન્ય રન પર આઉટ થયા હતા. વેસ્ટ ઇન્ડિઝે ત્રણ રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં રેણુકા સિંહ સમક્ષ એક પણ બેટ્સમેન ટકી શક્યો ન હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી અફી ફ્લેચરે સૌથી વધુ 24 રન કર્યા હતા.
અગાઉ પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતે પ્રથમ મહિલા વન-ડેમાં નવ વિકેટે 314 રનનો મોટો સ્કોર કર્યો હતો. મંધાનાએ સતત પાંચમી અડધી સદી ફટકારી (ટી-20 અને વન-ડે) હતી. તેણીએ પ્રતિકા રાવલ સાથે 110 રનની ભાગીદારી કરી હતી. બંન્નેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રતિકા રાવલ તેની ડેબ્યૂ વન-ડે મેચ રમી હતી.

મંધાનાની શાનદાર ઇનિંગ્સ બાદ હરલીન દેઓલ (50 બોલમાં 44 રન), હરમનપ્રીત કૌર (23 બોલમાં 34 રન), રિચા ઘોષ (12 બોલમાં 26 રન) અને જેમિમાહ રોડ્રિગ્સ (19 બોલમાં 31 રન) એ રન કર્યા હતા.

આ પણ વાંચો: સૌથી મોંઘી ખેલાડી સિમરન શેખે કોહલી માટે કરી મોટી વાત, મારું સપનું છે કે…

કેપ્ટન હરમનપ્રીત કૌરના ક્રિઝ પર આવ્યા બાદ ભારતીય ટીમનો સ્કોર ઝડપથી બનવા લાગ્યો હતો. તે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને ઝડપથી રન કરી રહી હતી પરંતુ રિચાની ભૂલના કારણે તે 34 રન પર રન આઉટ થઇ હતી. જેમિમાહે 34 રનની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી.

ભારતીય ટીમે છેલ્લી ત્રણ ઓવરમાં માત્ર 20 રન કર્યા હતા અને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઝૈદા જેમ્સ શ્રેષ્ઠ બોલર રહી હતી. આ ડાબોડી સ્પિનરે આઠ ઓવરમાં 45 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button