વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ
હૈદરાબાદઃ ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિજય હઝારે વન-ડે ટ્રોફી દરમિયાન એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વૈભવ લિસ્ટ-એ ક્રિકેટમાં રમનાર સૌથી યુવા ભારતીય બન્યો છે. 13 વર્ષીય બેટ્સમેને બિહાર અને મધ્યપ્રદેશ વચ્ચે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ-ઇ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. વૈભવે 13 વર્ષ અને 269 દિવસની ઉંમરે લિસ્ટ-એ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને અલી અકબરને પાછળ છોડી દીધો હતો.
અલી અકબરે 1999-2000 સીઝનમાં વિદર્ભ માટે 14 વર્ષ અને 51 દિવસની ઉંમરે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. વૈભવ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર અને અંડર-19 સ્તરે રમનાર સૌથી યુવા ભારતીય છે.
આ પણ વાંચો: સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો ઊગતો સૂરજઃ અન્ડર-19 ટીમને ફાઇનલમાં પહોંચાડ્યું
જો કે, વૈભવનું લિસ્ટ-એ ડેબ્યૂ યાદગાર રહ્યું ન હતું કારણ કે તે તેની ઇનિંગ્સના બીજા જ બોલ પર આઉટ થયો હતો. તેણે પહેલા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી પરંતુ પછીના બોલ પર આર્યન પાંડેએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
નોંધનીય છે કે પ્રથમ બેટિંગ કરતા બિહારની ટીમ 46.4 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મધ્યપ્રદેશે માત્ર 25.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
મધ્યપ્રદેશ માટે હર્ષ ગવલીએ 63 બોલમાં 83 રનની ઇનિંગ રમી અને ટીમને છ વિકેટે જીત અપાવી હતી. નોંધનીય છે કે વૈભવ સૂર્યવંશીને આઇપીએલ 2025 માટે ગયા મહિને યોજાયેલી મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.