નેશનલ

સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનને મહારાષ્ટ્ર સરકારનો પણ ટેકો

માત્ર એક જ કલાકમાં મુખ્ય પ્રધાને આપ્યો આદેશ

મુખ્ય પ્રધાને તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો

અખબારે માત્ર સમાચાર જ નહીં, પણ સમાજોપયોગી કાર્યોમાં પણ ફાળો આપવો જોઇએ: એકનાથ શિંદે

મુંબઈ સમાચારના `સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા’ અભિયાનનું આવેદનપત્ર મુખ્ય પ્રધાનને મુંબઈ સમાચાર દ્વારા આપવામાં આવ્યું હતું. ડાબેથી જિતેન્દ્ર મહેતા, તંત્રીશ્રી નીલેશ દવે અને આવેદનપત્રને મંજૂર કરીને જિલ્લાધિકારીઓને નિર્દેશ આપતા મુખ્ય પ્રધાન નજરે પડી રહ્યા હતા.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: `મુંબઈ સમાચાર’ના સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયાને બે દિવસ પહેલાં ગુજરાત સરકારનો પ્રતિસાદ સાંપડ્યા બાદ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ મુલાકાત લીધી હતી. તેમણે પણ માન્યું હતું કે જાહેર ઉત્સવોમાં અનેક વાર અનિચ્છનીય ઘટના બનતી હોવાથી એવા ઠેકાણે તબીબી સેન્ટરો ઊભાં કરવાં ફરજિયાત છે, તેમ જ આવાં સ્થળોએ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખવી જોઇએ. મુંબઈ સમાચારે હાથ ધરેલા અભિયાનને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટેકો જાહેર કર્યો હતો અને એક પણ મિનિટનો
વિલંબ કર્યા વિના રાજ્યના તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ પસાર કર્યો હતો.

ખરેખર મુખ્ય પ્રધાન રાજ્યની જનતાનું ભલું ઈચ્છનારા છે. સૌપ્રથમ એવા મુખ્ય પ્રધાન છે જેમણે ક્વિક નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાને કોઇ પણ વિલંબ કર્યા વિના નિર્ણય લીધો એ કાબિલેતારીફ છે. મહારાષ્ટ્રની જનતાની ફિકર કરનારા મુખ્ય પ્રધાને સવારે મીટિંગ કર્યા બાદ તાબડતોબ રિઝોલ્યુશન પસાર કરીને તમામ કલેક્ટરોને ઉક્ત બાબતનો નિર્દેશ બહાર પાડ્યો હતો. તેમણે આવા કાર્ય પાછળ પોતાને મહત્ત્વ ન આપીને અખબારી યાદીમાં મુંબઈ સમાચાર અને એમના તંત્રી નીલેશ દવેના નામનો ઉલ્લેખ કરીને તેમની પ્રશંસા કરી હતી.

નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓનું સ્વાસ્થ્ય જોખમાય તો એવા સમયે તબીબી સહાય મળી રહે એ માટે તબીબી સેન્ટર હોવું જરૂરી છે એવા મુંબઈ સમાચારે ચલાવેલા અભિયાનની મુખ્ય પ્રધાને પ્રશંસા કરી હતી. આટલું જ નહીં અખબારોએ માત્ર સમાચાર પર જ નહીં સમાજોપયોગી કાર્યોમાં પણ ફાળો આપવો જોઇએ. મુંબઈ સમાચાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલને પ્રોત્સાહન પૂરું પાડીને તેમણે તાબડતોબ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. મુંબઈ સમાચાર સતત આવાં કાર્ય કરતું રહ્યું છે અને 200 વર્ષનો ઈતિહાસ તેમની પડખે છે, એવું તેમણે આ સમયે જણાવ્યું હતું અને એ જ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

મુંબઈ સમાચારને આવા અભિયાન ચલાવવા બદલ અભિનંદ આપતાં શિંદેએ ખેલૈયાઓને અપીલ કરી હતી કે તેઓ નવરાત્રિ દરમિયાન સ્વસ્થ રહે, મસ્ત રહે. ઉત્સવ એવી રીતે ઊજવે કે એમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને. મુંબઈ સમાચારના તંત્રી આવેદનપત્રને લઇને મુખ્ય પ્રધાનને મળ્યા ત્યારે સૌપ્રથમ મુંબઈ સમાચારના અભિયાનને ટેકો જાહેર કરનારા થાણે રાસરંગ આયોજક જિતેન્દ્ર મહેતા પણ હાજર હતા.

એક સમાજ, સ્વચ્છ સમાજ અને સુરક્ષિત
સમાજ એ જ ધ્યેય: શ્રીકાંત શિંદે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડોંબિવલી ગરબારાસના આયોજક અને સાંસદ શ્રીકાંત શિંદેએ મુંબઈ સમાચારના અભિયાનને વધાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મુંબઈ સમાચાર માત્ર સમાચાર જ નહીં, પણ આ દિશામાં કામ કરી રહ્યું છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. એક સમાજ, સ્વચ્છ સમાજ અને સુરક્ષિત સમાજ એ જ આપણું ધ્યેય હોવું જોઇએ અને આ નવરાત્રિ દરમિયાન આપણે સિદ્ધ કરીશું જ એવું જણાવીને આયોજક તરીકે તેઓ પણ `મુંબઈ સમાચાર’ના આ અભિયાનમાં જોડાયા હતા.

ખેલૈયાઓને ટીપ આપશે ડૉ. સમ્રાટ શાહ
દેશઆખામાં જ્યારે મહામારી પ્રસરી રહી હતી એ કોવિડ રોગચાળા દરમિયાન કેવી રીતે તમે સ્વસ્થ રહી શકો છો એવી ટીપ આપનારા અને અનેક મેડલો જીતનારા મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યપાલના અધિકૃત ડોક્ટરોની ટીમમાંના એક ડો. સમ્રાટ શાહ રોજેરોજ `મુંબઈ સમાચાર’ ખેલૈયાઓને સ્વસ્થ અને મસ્ત કેવી રીતે રહેવું અને કેમ રમવું એની ટીપ આપશે. ડો. સમ્રાટ શાહની ટીપને તમે મુંબઈ સમાચારની વેબસાઈટ ચેનલ અને મુંબઈ સમાચાર અખબારમાં જોઇ શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button