આમચી મુંબઈ

શાહપુરમાં ગોળી મારી જ્વેલરી સ્ટોરના સેલ્સમૅનની હત્યા: શૂટરો બૅગ લૂંટી ફરાર…

થાણે: શાહપુરમાં બાઈક પર આવેલા બે શૂટરે જ્વેલરી સ્ટોરના સેલ્સમૅન અને તેના માલિક પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી સેલ્સમૅનનું મૃત્યુ થયું હતું, જ્યારે શૂટરો સેલ્સમૅનના હાથમાંની બૅગ લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : દેવેન્દ્ર સરકારમાં ખાતાની ફાળવણી; કોણે રાખ્યું ગૃહ ખાતુ? જાણો અજિત પવાર અને એકનાથ શિંદેને શું મળ્યું…

શાહપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની રાતે 10.30 વાગ્યાની આસપાસ ગોઠેઘર વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ દિનેશકુમાર મેશ્રામ ચૌધરી (25) તરીકે થઈ હતી.

દુકાન બંધ કરીને ચૌધરી તેના માલિક અને અન્ય એક વ્યક્તિ સાથે મહાલક્ષ્મી જ્વેલર્સ બહાર ઊભા હતા. તે સમયે બાઈકસવાર બે શૂટર તેમની નજીક આવ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાને કારણે ચૌધરી જમીન પર ફસડાઈ પડ્યો હતો. તક ઝડપી શૂટરો ચૌધરીના હાથમાંની બૅગ લૂંટી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

ગંભીર હાલતમાં ચૌધરીને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન રવિવારની વહેલી સવારે તેનું મૃત્યુ થયું હતું. ચૌધરી મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમૅન તરીકે કામ કરતો હતો. હુમલાખોરોનો હેતુ સ્પષ્ટ થયો ન હોવાનું સિનિયર ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું.

આ પ્રકરણે પોલીસે બે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ મિલિંદ શિંદેની દેખરેખ હેઠળ કેસની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે ગૃહ ખાતું…

હુમલાખોરોને પકડી પાડવા માટે જિલ્લામાં ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી. ઘટનાસ્થળ અને મુંબઈ-નાશિક હાઈવે પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button