સુરત-થાણે ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન, મહારાષ્ટ્રમાંથી 5 કરોડના દાગીનાની ચોરી કરનારી ટોળકીને સુરતમાંથી દબોચી
સુરત: મહારાષ્ટ્રના થાણેના જવેલર્સમાં પાંચ કરોડથી વધુના રૂપિયાના સોના-ચાંદીની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો હતો. આ ચોરી કરનારા પાંચ આરોપીઓને સુરતથી ઝડપી લેવાયા હતાં. સુરત ક્રાઈમ બ્રાંચ અને થાણે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના પાંચ રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
શું છે મામલો
મહારાષ્ટ્રના થાણે શહેરમાં આવેલા વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાં 17 ડિસેમ્બર, 2024ના રોજ અજાણ્યા શખ્સોએ શટર તોડી કુલ 5.79 કરોડની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. નૌપાડા પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ થાણે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. થાણે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.સુરતના ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓના સ્થાનિક ઠેકાણાઓની માહિતી મેળવી હતી.
આ પણ વાંચો : Viral Video: સુરત-બેંગકોકની પહેલી ફ્લાઈટમાં પ્રવાસીઓએ એટલો દારુ પીધો કે સ્ટોક ખૂટ્યો…
આ સંયુક્ત ઓપરેશનમાં સુરતના સગ્રામપુરા અને વરાછા વિસ્તારમાંથી રાજસ્થાનના પાંચ ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. નાગજીરામ પ્રતાપજી મેઘવાલ, લીલારામ ઉર્ફે નિલેશ મેઘવાલ,જેસારામ કલબી, ચુનીલાલ ઉર્ફે સુમત પ્રજાપતી, દોનારામ ઉર્ફે દિલીપ મેઘવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ રાજસ્થાન તેમજ ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે.
આરોપીઓ પાસેથી શું મળ્યું
આરોપીઓ પાસેથી 484 ગ્રામ સોનાના દાગીના, 5.5 કિલોગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા, 7 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 29,15,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.