આમચી મુંબઈ

માતાજીની મૂર્તિ બનાવતા વર્કશૉપમાં કાર ઘૂસી: અનેક મૂર્તિઓ ખંડિત

મુંબઈ: નવરાત્રોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરપાટ દોડતી કાર માતાજીની મૂર્તિ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગઈ હોવાની ઘટના બોરીવલીમાં બની હતી. આ ઘટનામાં એક શ્ર્વાને જીવ ગુમાવ્યો હતો, જ્યારે અનેક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી.

એમએચબી કોલોની પોલીસે મૂર્તિકાર પ્રવીણ દેસાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી કાર ચલાવનારા દક્ષય સંઘવી સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર ઘટના સોમવારની મધરાત બાદ એક વાગ્યાની આસપાસ બની હતી. દહિસરમાં રહેતા દેસાઈએ માતાજીની મૂર્તિઓ બનાવવા માટે બોરીવલી પશ્ર્ચિમમાં ન્યૂ લિંક રોડ પર દત્ત મંદિર નજીક કામચલાઉ વર્કશૉપ શરૂ કરી હતી.

નવરાત્રોત્સવ નિમિત્તે વર્કશૉપમાં માતાજીની મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે લિંક રોડથી ડી માર્ટ તરફ પૂરપાટ વેગે કાર આવી હતી. સંઘવીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વર્કશૉપમાં ઘૂસી ગઈ હતી, જેને કારણે માતાજીની નાની-મોટી અનેક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી. વર્કશૉપમાં હાજર એક શ્ર્વાન પર કાર ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button