ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સ્મૃતિ વિશેષ : ઝાકિર હુસૈન: એક ઉસ્તાદની કેટલીક અજાણી વાત…

રિન્કુ હીના શાહ

તબલાંના તાલ-થપાટના પર્યાય બની રહેલા આ વિશ્ર્વવિખ્યાત તબલાંવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈને ગયા સપ્તાહે કરોડો સંગીતરસિકોને આંચકો આપતાં કાયમી અલવિદા કહી દીધી.

બહુ ઓછા રસિકોને ખ્યાલ હશે કે ઝાકિરને જગવિખ્યાત બનાવવામાં એનાં કલા-કૌશલ્ય ઉપરાંત એક હિન્દુ સાધુના આશીર્વાદ નિમિત્ત બન્યા હતા. 1951માં ઝાકિર જન્મ્યો ત્યારે એનાં અબ્બા-અમ્મીજાન મુંબઈના માહિમ વિસ્તારમાં આવેલી સૂફી સંત મખદૂમ બાબાની દરગાહ પાસે એક ઓરડીમાં રહેતાં હતાં.

ઉસ્તાદ અલ્લારખ્ખા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સંગીતકાર તરીકેનું સ્થાન બનાવવા સંઘર્ષ કરતા હતા. ઝાકિર જન્મ્યો ત્યારે વારંવાર બીમાર પડી જતો.

એક વાર એના ઘર પાસેથી એક ભગવાધારી સાધુ નીકળ્યો. એણે ઉસ્તાદના ઘર પાસે જઈને ઝાકિરની માતાનું નામ લઈને બૂમ પાડી. કોઈ હિન્દુ સાધુને પોતાનું નામ લેતાં જોઈને પહેલાં તો બાવી બેગમ થોડાં અકળાયાં. ઘરના ઊંબરે આવ્યાં ત્યારે પેલા સાધુએ કહ્યું: ‘જો, તારો દીકરો વારેવારે માંદો પડી જાય છે ને, પહેલાં ચાર વરસ એને સાચવી લે.

પછી એ દુનિયામાં તમારું નામ રોશન કરશે અને જો, એના નામ સાથે હજરત ઇમામ હુસૈનનું નામ જોડી દેજે….’ બસ, આટલું કહીને એ સાધુ ચાલતા થયા. ઇમામ હુસૈન હજરત મુહમ્મદ પયંગબર સાહેબ (સ.અ.વ.)ના દોહિત્ર થાય.

મજા જુઓ. ઉસ્તાદ અલ્લારખ્ખાની અટક કુરૈશી છે. ઝાકિરના બીજા બંને ભાઈ કુરૈશી અટક વાપરે છે- તૌફિક કુરૈશી અને ફઝલ કુરૈશી. એકમાત્ર ઝાકિરના નામ સાથે હુસૈન લાગેલું છે. ઝાકિર મુંબઈમાં હતા ત્યારે દર વરસે એમની માતા એમને એક ઝોળી આપતી અને ઘરે ઘરે જઈને ભિક્ષા માગવા મોકલતી. ઝોળીમાં જે કંઈ મળે એ મખદૂમ બાબાની દરગાહ પાસે બેઠેલા ગરીબોમાં વહેંચી દેવાનું.

હજુ એક અજાણી, છતાં આ રસપ્રદ વાત પણ જાણો, જે ઝાકિરે પોતે એક વિદેશી ટીવી ચેનલને કહી છે:

‘મારી માતા કહેતી કે તું આઠ-નવ માસનો હતો ત્યારથી ઘોડિયામાં તારી ટચૂકડી આંગળીઓ થીરક્યા કરતી, જાણે તું મારી કૂખમાં રહીને તારા અબ્બાની કલા સાંભળીને આત્મસાત ન કરી આવ્યો હોય. અમ્મીના આવા શબ્દો સાંભળીને અબ્બાજી મીઠ્ઠું મલકતા.

છ-સાત વર્ષની વયે અન્ય બાળકો રમતાં હોય ત્યારે ઝાકિર ફિલ્મ સંગીતકારોનાં ગીતોમાં તબલાં વગાડતો થઈ ગયેલો. ઉપરાંત પિતાની સાથે પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાન સાથે સંગત કરવા જતો થઈ ગયેલો.

આમ સાવ કુમળી વયથી આમ ઝાકિર પરફોર્મિંગ આર્ટિસ્ટ થઈ ગયેલો.

ઝાકિર વિશે સંતુર સમ્રાટ પંડિત શિવકુમાર શર્માના શબ્દો વિચારવા જેવા છે. એક મુલાકાતમાં શિવજીએ કહેલું: વો અંતર્યામી જૈસા હૈ, યા ફિર ટેલિપથી ઉસ કી રગોં મેં હૈ. કૌન સા કલાકાર કબ ક્યા બજાયેગા વો ઝાકિર પહચાન જાતા હૈ ઔર સામનેવાલે કો ભી સરપ્રાઇઝ દેતા હૈ…’

એ વિશે ખુદ ઝાકિરને પૂછવામાં આવ્યું ત્યારે એણે રહસ્યસ્ફોટ કરી દીધો: એમાં વાત એવી છે કે મારે જે કલાકાર સાથે વગાડવાનું હોય એની સીડી કે કેસેટ જે મળે તે હું આગલી સાંજે હેડફોન લગાડીને એકાગ્રતાથી સાંભળી લઉં છું એટલે મને એ કલાકારનાં રસરુચિ, એની શૈલી અને તબલાંવાદકને હંફાવવા એ કેવી ટ્રીક વાપરે છે એનો અણસાર આવી જાય છે. આ રીતે હું માનસિક રીતે તૈયાર હોઉં છું. સોલો હોય કે સંગત, સહકલાકારને આનંદ આપે અને ઑડિયન્સને પણ રીઝવે એ રીતે હું સાથ આપું છું!’

યસ, આ વાત પણ મહત્ત્વની છે. દેશમાં હજારો તબલાંવાદકો છે, પણ ઝાકિરની લોકપ્રિયતા અજોડ હતી. એનું કારણ એ કે ઝાકિર શાસ્ત્રીય સંગીતના રસિકો ઉપરાંત સંગીત ન જાણતા હોય એવા આમ આદમીને પણ તબલાંવાદન સાંભળવાનો આનંદ આપે એ રીતે તબલાં વગાડતો. એણે ધુરંધર કલાકાર ઉપરાંત કૉમનમેનને મઝા પડે એ રીતે પોતાનાં તબલાંનો ઉપયોગ કરેલો.

દૂરથી આવી રહેલી ટ્રેનનો ધ્વનિ, નજીક આવી ગયેલી ટ્રેનનો ધડધડાટ, પસાર થઈ જતી ટ્રેનનો ખડખડાટ ઉપરાંત ભગવાન શંકરનું ડમરુ કે ચોમાસામાં થતો વીજળીનો ગડગડાટ, વગેરે ધ્વનિ એ હસતા મોઢે રજૂ કરીને શ્રોતાઓને ચકિત કે ખુશ કરી દેતો. ઘણા યુવાન તબલાંવાદકો ઝાકિર જેવી હેરસ્ટાઇલ રાખીને ઝાકિરની અદાથી ગરદનને ઝટકો આપતા થઈ ગયેલા.

Also Read – આકાશ મારી પાંખમાં : દિવ્યાંગોની દુનિયા

એક વ્યક્તિ તરીકે એ અત્યંત નમ્ર હતો. પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ એક ઘટના કહેલી:

અમે એક વિદેશના ઍરપૉર્ટ પરથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક ચાહકે ઝાકિરના નામની બૂમ પાડી અને રિક્વેસ્ટ કરી કે મારે તમારી સાથે ફોટો પડાવવો છે. ઝાકિરે જરાય અહં વચ્ચે લાવ્યા વિના મારી સામે જોયું, જાણે મારી પરવાનગી લેતો હોય. પછી પેલાને એના મોબાઈલ પર જેવો ફોટો લેવો હોય તેવો લેવા દીધો. આ એની નમ્રતાનો જીવંત પુરાવો હતો.

છેલ્લાં ચાળીસ પિસ્તાળીસ વરસથી વિદેશમાં રહ્યો હોવા છતાં એનામાં ગર્વનો છાંટોય નહોતો. દુનિયાભરના લય વાદ્યવાદકોના વહાલા ઝાકિર હુસૈનની વિદાયથી બેશક, એક અદ્ભુત યુગનો અંત આવ્યો છે. એ જરૂર જન્નત અને દેવલોકમાં પણ પોતાની કલા દ્વારા દેવલોકોને રીઝવતો હશે.

ઉસ્તાદની મોજ-મસ્તી

ઝાકિર હુસૈનનો એક દુર્લભ ફોટો… આમાં એ રિક્ષા ચલાવી રહ્યાં છે અને એમની પાછળ બેઠેલાં બિરજુ મહારાજ ઉસ્તાદની પીઠ પર તબલાં વગાડી રહ્યાં છે. રિક્ષામાં એક પેસેન્જર સંજુક્તા પાણીગ્રહી પણ છે તો સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા રિક્ષાને ધક્કો મારી રહ્યાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button