ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

આકાશ મારી પાંખમાં : દિવ્યાંગોની દુનિયા

કલ્પના દવે

દીકરી જો હોય વહાલનો દરિયો, તો દીકરો મારા વહાલનું આકાશ! જગતનો સૌથી શ્રેષ્ઠ સંબંધ એટલે માતા અને તેનું સંતાન, પણ આ જ શ્રેષ્ઠ સંબંધમાં જ્યારે અગનપરીક્ષા આપવી પડે ત્યારે?

અગિયાર મહિનાના દીકરા આકાશને લઈને મનિષા શાહ ડૉકટર અનુજ દેશપાંડેની ઓર્થોપેડિક હૉસ્પિટલમાં ત્રસ્ત મનોદશામાં બેઠી હતી. એક અઠવાડિયાથી આકાશ તાવમાં તપતો હતો. તે દિવસે સવારે એ ઊઠ્યો ત્યારે તેની ઊંડી ઊતરી ગયેલી આંખો અને અચાનક ઘૂંટણ પાસેથી અકડાઈ ગયેલા તથા સૂજી ગયેલા પગને જોઈ મનિષા ખૂબ ગભરાઈ ગઈ હતી.

આજે ડૉકટર અનુજે ચીલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ ડૉ. રામ સિંઘાનિયા સાથે મનિષા અને તેના પતિ ભાવેશની ખાસ મિટિંગ રાખી હતી. ડૉ. સિંઘાનિયા અને ડૉ. અનુજે આકાશને તપાસ્યો અને મનિષાને તેની ગર્ભાવસ્થા અને પ્રસૂતિ અંગે કેટલાક પ્રશ્ર્નો પૂછ્યા. બૅન્કમાં જૉબ કરતાં મનિષા અને ભાવેશે ચિંતિત થતાં હકીકત જણાવી.

ફાઈલ પર નજર નાખતા ડૉ. સિંઘાનિયાએ કહ્યું:- તમારું બાળક સીરેબ્રલ પાલ્સીથી પીડાય છે, તેનો વિકાસ નોર્મલ બાળકની જેમ નહીં થઈ શકે. આઈ એમ સોરી ટુ સે બટ તમારે લાંબા ગાળા સુધી એની વિશેષ ટ્રીટમેન્ટ કરાવવી પડશે.

પણ મારું બાળક બરાબર ચાલી શકશે ને? અચાનક એના પગમાં આ સોજા કેમ થઈ ગયા? મનિષાએ ચિંતિત સ્વરે પૂછયું.

જુઓ, એક તો આ બાળકનો જન્મ પ્રીમેચ્યોર થયો, એના જાંઘ તથા ઘૂંટણનો પૂરો વિકાસ થયો નથી. એક અઠવાડિયાના સખત તાવને લીધે પગમાં પંગુતા જણાય છે. ડૉ. સિંઘાનિયાએ કહ્યું.
ડૉકટર, તમે જે કહેશો તે બધું જ કરીશું, પણ મારા દીકરાને – આટલું કહેતા ભાવેશનો અવાજ રૂંધાઈ ગયો.

ઑર્થોપેડિક ટ્રીટમેન્ટ અને ફીઝીયોથેરેપીથી ઘણું સારું થઈ શકે, પણ તમારે આ બાળકને સ્પેશિયલી ચેલેન્જ સમજીને વિશેષ ઉછેર કરવો પડે. તમારું બાળક બીજાં બાળકો જેવું નૉર્મલ જીવન નહીં જીવી શકે. એટલે તમારે જ એને મૉરલ, ઈમોશનલ દરેક રીતે સપોર્ટ આપવો પડે. જેથી તે આ સમાજમાં સ્વમાનપૂર્વક રહી શકે. ડૉ. અનુજે કહ્યું.

મનિષા અને ભાવેશ દિ:ગ્મૂઢ બની ડૉ. અનુજ અને ડો.સિંઘાનિયા સામું જોઈ રહ્યા. સિંઘાનિયાએ મનિષાના ખોળામાં તાવમાં તપ્ત આકાશના માથે હાથ મૂકતાં કહ્યું – ગોડ ઈઝ ગ્રેટ, હી કેન ડુ મિરેકલ. બટ લેટ અસ ડુ અવર બેસ્ટ. ડૉકટરે ટ્રીટમેન્ટ અંગે સૂચના આપી.

મનિષાનું મગજ ચકરાવે ચઢ્યું, તે મા હતી ને! આકાશને લઈને તે રિક્ષામાં બેઠી ત્યારે એના મનમાં તુમુલ યુદ્ધ શરૂ થયું. ભાવેશ પણ ગંભીર હતો. આંખો બંધ રાખીને બેઠેલી મનિષાનું મન બળવો પોકારતાં બોલી ઊઠ્યું- હે, પ્રભુ – શું મેં આવું બાળક માગ્યું હતું? આ બાળકને મેં ગર્ભમાં પોષ્યું, માતૃત્વનાં મીઠાં સ્વપ્નાં જોયાં તેનું આવું ફળ? આ અમારી કેવી કસોટી, આ શિશુ તો માત્ર અગિયાર મહિનાનું જ છે, તેને આવી વેદના કેમ?

આ બધી હકીકતથી અજાણ એ હાડકાના માળા જેવો નાનો અશક્ત આકાશ તેની માતાના ખોળામાં પડ્યો પડ્યો દયાદ્ર ભાવે માતાને જોઈ રહ્યો હતો. એને માથે હાથ ફેરવતાં મનિષાના નિર્ણાયક મનમાંથી અવાજ આવ્યો:- ના, ના, આ સમય ખોટાં આંસુ સારવાનો કે પડી ભાંગવાનો નથી. ડૉકટરે કહ્યું ને કે ગોડ ઈઝ ગ્રેટ, હી કેન ડુ મિરેકલ.

રસ્તો ભલે ને કઠિન હોય હું હિંમત હારીશ નહીં. મારા દીકરાને હું જીવની જેમ સાચવીશ. તેને કોઈની દયા પર ન જીવવું પડે એવો હોંશિયાર બનાવીશ. હું એની મા છું, મારે તો એને સક્ષમ બનાવવાનો છે. (ત્યાં જ એના મનમાં બીજો અવાજ પડઘાયો) પણ, ડૉકટરે કહ્યું કે એ બીજાં બાળકો જેવો નોર્મલ તો નહીં જ થાય. તરત મનિષાનું સશક્ત મન બોલી ઊઠ્યું – તો મારે પણ કયાં એને બીજાં બાળકો જેવો નૉર્મલ રાખવો છે, એ તો થશે વેરી સ્પેશિયલ વિથ વેરી ચેલેન્જ્ડ સ્પેશિયલ એબિલિટી.
મનિષા, આ આંખો બંધ રાખીને શો બબડાટ કરે છે, જો આપણો આકાશ કેવું મંદ સ્મિત કરતો સૂઈ ગયો છે. ભાવેશે મનિષાને તંદ્રામાંથી જગાડતાં કહ્યું. ભાવેશ, આપણે દીકરાને બેસ્ટ ટ્રીટમેન્ટ આપીશું. બધાને હું ખોટા પાડી દઈશ. મારો આકાશ, લૂલો કે પાંગળો નથી. આ બધાને હું ખોટા પાડીશ.

મનિષા, આકાશના ઉછેર માટે આપણે જીવનનું ગણિત નવેસરથી માંડીશું, પણ એની ટ્રીટમેન્ટમાં કે ઉછેરમાં કોઈ કસર નહીં રાખીએ.

હું બૅન્કની જૉબ છોડીને આપણા આકાશની જ ટ્રીટમેન્ટ પર ધ્યાન આપીશ. આગળ જતાં એને શિક્ષણ આપીને આપણે એને પગભર બનાવીશું. ભાવેશ, આવા સંઘર્ષો સામે તો બાથ ભીડવાની હોય!

ઉપરની ઘટનાને ત્રણ વર્ષ થયાં હશે ફીઝીયોથેરેપી પછી ઓક્યુપેશનલ થેરેપીને લીધે હવે આકાશના પગના સ્નાયુ મજબૂત થયા છે. હવે તે બેસી શકે છે, ઘૂંટણિયા તાણી મમ્મી પાસે ખસે છે. જોકે એમ કરતાં એ શ્રમિત થઈ જાય ત્યારે કોઈ સાથે વાત જ ન કરે. આકાશના શરીરના દરેક સાંધાઓ નબળા હોવાને કારણે આવું થાય છે એ જાણતી હોવા છતાં મનિષાથી ડૂસકું ભરાઈ જતું.

જોકે હવે સ્પીચ થેરેપીને કારણે પણ એ સ્પષ્ટ બોલવા લાગ્યો હતો. એક રાતે ભાવેશ અને મનિષાએ એકમેકને વચન આપ્યું કે આકાશના શ્રેષ્ઠ ઉછેર માટે આપણે બીજું બાળક નહીં થવા દઈએ. દીકરાના સુખ ખાતર માતાપિતા કેટકેટલું જતું કરે છે.

આકાશની શારીરિક અક્ષમતા અને મર્યાદિત શક્તિઓને કારણે સંતાકૂકડીની રમત, પકડાપકડી કે આંધળાપાટા જેવી શિશુલીલાઓથી વંચિત મનિષાએ ઘરમાં જ પ્લેગ્રુપ શરૂ કર્યું, હવે આકાશ ખુશ રહેવા લાગ્યો. કૃત્રિમ પગ પહેરીને પણ મા અને પપ્પાને ખુશ કરવા નાચતો, પણ પાંચેક મિનિટમાં થાકી જતો. હવે પ્લેગ્રુપના છોકરાઓ સાથે નર્સરી રાઈમ્સ ગાતો, બ્લોકગેમ રમતો. એક વખત સાંભળેલી વાર્તા એ પોતે કહેતો. ટી.વીમાં આવતા પ્રોગ્રામ જોતો.

Also Read – વિશેષ : શા માટે દર 10 મિનિટે બે વાર જૂઠું બોલે છે માણસ?

મનિષાને બરાબર યાદ છે, તે કહે છે:- એક વાર પહેલા માળની અમારી રૂમમાં અમે રમતા હતા, ત્યાં રસ્તા પરથી ગણેશોત્સવના ઉત્સવમાં નાચતું એક ટોળું પસાર થતું હતું, આકાશ સાથે રમતાં છ-સાત બાળકો તો અવાજ સંભળાતાં જ ગેલેરીમાં દોડી ગયાં, હું પણ ગેલેરીમાંજ ઊભી હતી. આકાશ અંદરથી મને બૂમ પાડતો હતો, પણ, મને સંભળાયુ નહીં. અચાનક મને આકાશ યાદ આવ્યો હું તરત દોડી. આકાશે રડતાં રડતાં કહ્યું – મમ્મી, તું પણ મને ભૂલી ગઈ? સૉરી બેટા, પણ બહારની દુનિયા તારા માટે ઘરમાં લાવીશ, તને દુનિયાનું બધું સુખ હું આપીશ.

મનિષાના આ મહાસંગ્રામનું બીજું ફળ એ છે કે કાખ ઘોડી લઈને ચાલતા આ નવ વર્ષના આકાશે દિવ્યાંગોની શાળામાં હવે પ્રવેશ લીધો છે. શાળામાં મૂકેલા મહાત્મા ગાંધીજીનો ફોટો જોઈને આકાશ કહે છે કે હું તો ગાંધીબાપુ જેવાં મહાન કામ કરીશ. દિવ્યાંગોની એ જ શાળામાં મનિષાએ શિક્ષિકા તરીકે કામ કરવાનું સ્વીકાર્યું છે. એ ખુશ થતાં કહે છે, મેં જેમ મારા દીકરા આકાશને સક્ષમ બનાવ્યો તેમ બીજાં દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવીશ. ભગવાને મને દિવ્યાંગ બાળકોની સેવા કરવા જ તો જન્મ આપ્યો છે.

કેટલી અદ્ભુત છે, આ સંતાનભક્તિ!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button