Ahmedabad વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક અકસ્માત, એકનું મોત એક ઘાયલ…
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad)પર ખેડાના નડિયાદ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એસિડ ભરેલા ટેન્કર અને ઓઇલ ભરીને જતી ટ્રક વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાયવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકનો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabadના જુહાપુરામાં મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ
ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક આ અકસ્માત થયો હતો. જેમાં એસિડ ભરેલા ટેન્કર પાછળ ઓઈલ લઈ જતી ટ્રક અથડાઇ હતી. જેના કારણે ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ક્લીનર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લિનરને બહાર કાઢ્યા હતા
ફાયર ફાયટરોની ટીમ ફાયર રેસ્ક્યુ ટેન્ડર વાન સાથે ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ ફાયર વિભાગની ટીમે હાઇડ્રોલિક સ્પીડર કટર મશીનની મદદથી ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લિનરને બહાર કાઢ્યા હતા. જોકે ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકનો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો : Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
એક કલાકની મહેનત બાદ ટેન્કરમાંથી એસિડ લીકેજ બંધ થયું
આ દરમિયાન એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ જતા વાહનો અટકી ગયા હતા. એસિડ ટેન્કરની પાછળ ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે એસિડ ભરેલા ટેન્કરમાંથી એસિડ લીકેજ થયું હતું. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ટેન્કરમાંથી એસિડ ડાયલ્યુટ કરવાનું શરૂ કરી તેનું લીકેજ અટકાવ્યું હતું. લગભગ એક કલાકની મહેનત બાદ ટેન્કરમાંથી એસિડ લીકેજ બંધ થયું હતું.