કવર સ્ટોરી : મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે કે સિરિયલ?!
વિજય વ્યાસ
રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામને આજે એક મહિનો થયો. મુખ્ય પ્રધાન માંડ માંડ નક્કી થયા. પ્રધાનોની વરણીમાંય ડખા થયા ને એ કામ માંડ પૂરું થયું તો હવે એમને કયાં ખાતાં આપવાં એનું કમઠાણ એવું શરૂ થયું કે વિધાનસભાનું એક આખું સત્ર પ્રધાનોને ખાતાંની ફાળવણી વિના પૂરું થઈ ગયા પછી પ્રધાનોને મંત્રાલયો અપાયાં …આ કદાચ ભારતીય રાજકારણનો એક આગવો વિક્રમ છે!
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બર, 2024ના દિવસે આવ્યું હતું ને ગઈ કાલે શનિવારે લગભગ એક મહિનો પૂરો થઈ ગયો, ત્યારે છેક પ્રધાનોને ખાતાંની ફાળવણી થઈ.
ભાજપે જે રીતે મુખ્ય પ્રધાનની પસંદગીથી માંડીને પ્રધાનોને ખાતાંની ફાળવણી સુધીનાં કામ કટકે કટકે કર્યાં એ જોતાં સત્તા પર આવેલો પક્ષસમૂહ સરકાર ચલાવી રહ્યો છે કે ધારાવાહિક સિરિયલ ચલાવી રહ્યો છે એ જ ખબર પડતી નથી!
પહેલાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી વચ્ચે મુખ્ય પ્રધાનપદને મામલે બરાબરની ખેંચતાણ દિવસો સુધી ચાલી ને માંડ માંડ એ કોકડું ઉકેલાયું. ભારે રિસામણાં-મનામણાં પછી બરાબર 12 દિવસના અંતે દેવેન્દ્ર ફડણવીસની મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ થઈ ને તેમાં પણ છેક છેલ્લી ઘડી સુધી એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે કે નહીં તેનું જબરું સસ્પેન્સ ચાલ્યું.
શિંદેને માંડ માંડ સમજાવ્યા – મનાવ્યા – પટાવ્યા પછી મંત્રીમંડળમાં કોને લેવા તેની માથાકૂટ શરૂ થઈ. આ માથાકૂટમાં બીજા 11 દિવસ નીકળી ગયા ને 16 ડિસેમ્બરે ભાજપના 19, શિવસેનાના 11 ને એનસીપીના 9 ધારાસભ્યે શપથ લીધા. એ વખતે લાગતું હતું કે, હવે ભાજપની આ ‘ભવાઈ’ પૂરી થશે, પણ એ ભવાઈ હજુ પતી નથી.
ફડણવીસ સરકારના પ્રધાનોએ શપથ લીધાને સાત દિવસ થઈ ગયા પછી પ્રધાનોને ખાતાંની ફાળવણી થઈ. ભાજપ-શિવસેના ને એનસીપીના અમુક વિધાનસભ્યો પ્રધાન તો બની ગયા, પણ કોઈને પોતે શું કામ કરવાનું છે તેની છેક ગઈ કાલ રાત સુધી ખબર નહોતી. ખાતાં વિનાના પ્રધાન તરીકે બધા મંત્રાલયના આંટાફેરા કરી રહ્યા હતા.
આ બધાની વચ્ચે, આઘાતની વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસની સરકારે વિધાનસભાનું એક આખું સત્ર પ્રધાનોને ખાતાંની ફાળવણી વિના કાઢી નાખ્યું. વિધાનસભાનું શિયાળુ સત્ર પણ સમાપ્ત થઈ ગયું છે, પછી ખાતાંની ફાળવણી થઈ. આ પણ ભારતના રાજકારણમાં એક જાતનો વિક્રમ જ ગણાય!
પ્રધાનોએ વિધાનસભામાં પોતપોતાનાં ખાતાંને લગતા સવાલોના જવાબ આપવાના હોય છે, પણ ખાતાંની ફાળવણી જ નહોતી થઈ તેથી કોઈ જ પ્રકારના સવાલ-જવાબ વિના જ શિયાળુ સત્ર પતી ગયું.
આ ભાંજગડમાં વધારે આઘાતની વાત પાછી એ છે કે, ખાતાંની ફાળવણી મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ કે બે નાયબ મુખ્ય પ્રધાન તેનો જવાબ પણ આપતા નથી. પ્રજાએ ધારાસભ્યોને ચૂંટણી વહીવટ કરવા મોકલ્યા છે તેથી મતદારો -પ્રજાને સરકારમાં કોણ શું ભૂમિકા ભજવશે, કોની પાસે ક્યું મંત્રાલય હશે એ જાણવાનો પૂરો અધિકાર છે, પણ સામે બાજુએ ભાજપ-શિવસેના-એનસીપીના નેતા લોકોને જવાબ આપવાની એમની ફરજ જ ના હોય એ રીતે વર્તી રહ્યા છે. મહારાષ્ટ્રની પ્રજા સાવ નગણ્ય હોય ને દિલ્હીમાં બેઠેલા તેમના માઈ-બાપ જ સર્વસ્વ હોય એમ આ ત્રિપુટી વર્તી રહી છે. આ લોકોએ લોકશાહીને સાવ ફારસરૂપ બનાવી દીધી છે.
ફડણવીસ સરકારમાં ખાતાંની ફાળવણીમાં વિલંબ માટે મીડિયામાં જુદાં જુદાં કારણો અપાયાં. એકનાથ શિંદે ફરી આડા ફાટ્યા હોવાની પણ એક વાત હતી. પહેલાં પણ એકનાથ શિંદે પોતાને જ મુખ્ય પ્રધાન બનાવવાની વાત પર અડી જતાં ભાજપ ભીંસમાં આવી ગયેલો ને નાયબ મુખ્ય પ્રધાનપદને મુદ્દે પણ શિંદેભાઉએ ત્રાગડો કરેલો.
એવું કહેવાય છે કે અત્યારે પણ એમને ગૃહ મંત્રાલય જોઈતું હતું તેમાં બધું લટક્યું હતું. કોઈ વળી એમ કહેતું હતું કે, ભાજપમાં જ મંત્રી બનાવવામાં ન આવ્યા હોય એવા અનેક ‘અતૃપ્ત આત્મા’ઓ (ધારાસભ્યો) ધૂંધવાયેલા છે. એમનો ધૂંધવાટ બહાર ના આવી જાય એટલે બધાને શાંત પાડવાની ક્વાયત ચાલી રહી હતી તેમાં પ્રધાનોનાં ખાતાંનાં વિતરણમાં મોડું થયું.
સો વાતનીએ એક વાત, મહારાષ્ટ્રમાં સરકાર ભલે રચાઈ ગઈ, પણ અંદરખાને બધું હજુ સખળડખળ જ છે. એકનાથ શિંદે ભલે ભાજપના મનાવવાથી નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારીને બેસી ગયા હોય, પણ મનમાં હજુય કચવાટ છે. મુખ્ય પ્રધાનપદે રહ્યા પછી નાયબ મુખ્ય પ્રધાનપદે બેસવું પડે એ સ્થિતિ બહુ સારી ના કહેવાય ને શિંદે માટે એ રાજકીય પછડાટ જ છે.
શિંદે આ પછડાટનું સાટુ વાળવા માટે ગૃહ મંત્રાલય જેવું મહત્ત્વનું ખાતું લેવા માગતા હતા. ભાજપ એકનાથ શિંદેને સાવ કોરાણે મૂકી શકે તેમ નથી, કેમ કે કેન્દ્રમાં ભાજપ સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી તેથી સાથી પક્ષોને સાચવવા જરૂરી છે. શિંદે આડા ફાટે ને સાવ અલગ થાય તો ભાજપને નુકસાન કરી શકે એ ડર પણ છે.
આ પણ વાંચો : સિંધુ નદી જેના કિનારે ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો હતો
આ ઘટનાક્રમે ભાજપમાં રાજ્ય કક્ષાના નેતાઓની કોઈ કિંમત જ નથી અને મુખ્ય પ્રધાન સુધ્ધાં શોભાના ગાંઠિયાથી વધારે કંઈ નથી એ સાબિત કર્યું છે. કોર્પોરેટ લેંગ્વેજમાં કહીઓ તો આ બધા મોડીફાઈડ ક્લાર્ક છે, જેમનું કામ દિલ્હીથી આવતા ઑર્ડરોનો અમલ કરવાનું છે અને દેવેન્દ્ર ફડણવીસ અત્યારે ‘મોડિફાઈડ ક્લાર્ક’ તરીકે જ વર્તી રહ્યા છે, જે એક રાજ્યના મુખ્ય પ્રધાન માટે આ શોભાસ્પદ ના કહેવાય, પણ ફડણવીસ પોતે જ પોતાનું ગૌરવ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેની ગરિમા ગુમાવીને વર્તી રહ્યા છે એમાં બીજા શું કહે ?
ફડણવીસ દેશના બીજા નંબરના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન છે, પણ પહેલાં એમને પોતાના પ્રધાનમંડળમાં કેટલા પ્રધાનોનો સમાવેશ કરવો ને કોને કોને સમાવવા એ નક્કી કરવાની છૂટ નહોતી ને હવે પ્રધાનમંડળ બની ગયું તો પોતાના પ્રધાનોને જ ખાતાંની ફાળવણીનો અધિકાર નહોતો.
મુખ્ય પ્રધાન રાજ્યમાં સર્વોપરિ ગણાય ને રાજ્યની પ્રજાનો પ્રતિનિધિ કહેવાય. પોતાનું પ્રધાનમંડળ નક્કી કરવાનો અને પ્રધાનોને ખાતાંની ફાળવણી કરવાનો અધિકાર આ દેશના બંધારણે એમને આપ્યો છે, પણ ફડણવીસનો એ અધિકાર દિલ્હીમાં બેઠેલા ભાજપના કહેવાતા હાઈકમાન્ડે છીનવી લીધો છે ને ફડણવીસ બે હાથ જોડીને બેસી રહ્યા છે.
ભાજપના નેતાઓ કૉંગ્રેસ પર એક પરિવારના શાસનની ટીકા કરે છે, એક પરિવારના લોકો કહે તેમ જ કૉંગ્રેસીઓએ વર્તવું પડે છે એવું કહે છે, પણ મહારાષ્ટ્રનો ભવાડો જોયા પછી ફરી એક વાર કહેવું પડે કે, ભાજપ અને કૉંગ્રેસમાં કોઈ ફરક નથી. ભાજપનું પણ સંપૂર્ણપણે કૉંગ્રેસીકરણ થઈ જ ગયું છે. કૉંગ્રેસમાં એક પરિવાર છે તો ભાજપમાં કર્તાહર્તા બે વ્યક્તિ છે!