ઘણા સમય પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે વ્યક્તિ દર દસ મિનિટે ઓછામાં ઓછું બે વાર જૂઠું બોલે છે. મેં તેને નોનસેન્સ સમજી અવગણ્યું. મને લાગ્યું કે આ નિવેદન આપણા બધામાં અપરાધની ભાવના પેદા કરવા માટે કરવામાં આવ્યું છે.
હું આ વાત લગભગ ભૂલી ગઈ હતી કે અચાનક ગયા રવિવારે મને તે ફરી યાદ આવી. થયું એવું કે હું સવારે અખબાર વાંચતી વખતે કૉફી પી રહી હતી ત્યારે મારા ફોનમાં રિંગ વાગી. મારી એક મિત્રનો ફોન હતો. તે કલાક સુધી કંટાળો અપાવશે એમ વિચારીને મેં ફોન ન ઉપાડ્યો અને લગભગ 15 મિનિટ પછી ફરી તેનો ફોન આવ્યો.
મને લાગ્યું કે કદાચ કંઈક અગત્યનું હશે, તેથી આ વખતે મેં ફોન ઉપાડ્યો અને કહ્યું, “સોરી યાર! હું વોશરૂમમાં હતી, તેથી તારો કોલ પહેલાં ઉપાડી ન શકી. હમણાં તને જ કોલ બેક કરવા જઈ રહી હતી અને તારો ફોન આવ્યો.”
ખેર, પછી તેની સાથે શું વાત થઈ તે અલગ વાત છે. પણ, હું વિચારવી લાગી કે મેં આ ખોટું કેમ બોલ્યું? શું આ મારી આદત બની ગઈ છે? કે પછી મેં વર્ષો પહેલાં જે વાંચ્યું હતું તે સાચું છે કે માણસ દર દસ મિનિટે ઓછામાં ઓછું બે વાર જૂઠું બોલે છે? આ પ્રશ્ર્નના જવાબ માટે, હું છેલ્લા ઘણા દિવસોની મારી દિનચર્યા વિશે વિચાર કરવા લાગી.
મેં ઘણી વાર જાણી જોઈને મારા ફોનની રિંગ વાગવા દીધી છે, જેથી કોલરને મેસેજ મળે કે હું વ્યસ્ત છું અથવા ફોન સાયલન્ટ પર છે અથવા હું ફોનની આસપાસ નથી? ઑફિસ મોડી પહોંચી ત્યારે મે ટ્રાફિક જામનું બહાનું કાઢ્યું, જોકે રસ્તાઓ ખાલી જ હતા, પણ હું ઘરેથી મોડી નીકળી હતી. એક મિત્રએ મને એક કામ કરવાનું કહ્યું, જે કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. તેથી જ્યારે તેણે મને કામ માટે પૂછ્યું, તો તેને સીધી ના પાડવાને બદલે કહ્યું, ‘બસ, હું ટૂંક સમયમાં તમારું કામ શરૂ કરવાની છું.’
આવાં જ કંઈક માસૂમ જૂઠાણાં ફિલ્મની રીલ્સની જેમ આંખોની સામે આવતાં રહ્યાં. મેં આ જૂઠાણાં અથવા બહાનાં માટે ‘માસૂમ’ વિશેષણનો ઉપયોગ કર્યો છે કારણ કે તેનાથી કોઈને નુકસાન પહોંચ્યું ન હતું અને તેનો વાસ્તવિક હેતુ શાંતિ જાળવવાનો અથવા અસ્વસ્થ પરિસ્થિતિઓને ટાળવાનો હતો.
યોગાનુયોગ, એ જ રવિવારની સાંજે, હું ટીવી પર ગોવિંદાની ફિલ્મ ‘ક્યૂંકી મૈં જૂઠ નહીં બોલતા’ જોઈ રહી હતી, જે જીમ કેરીની ફિલ્મ ‘લાયર લાયર’ની નકલ છે. આ ફિલ્મોમાં ગોવિંદા અને જીમ બંને વકીલોની ભૂમિકા ભજવી રહ્યા છે જે ખોટું બોલીને કેસ જીતી લે છે, પરંતુ કેટલાક સંજોગો એવા સર્જાય છે કે બંને હંમેશાં સાચું બોલવાનું વચન આપે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે હંમેશાં સત્ય બોલવું કેટલું મુશ્કેલ છે. કદાચ દુનિયાનું સૌથી મોટું જૂઠ એ છે કે – ‘હું જૂઠું બોલતો નથી.’
ફિલ્મ જોયા પછી, મેં નક્કી કર્યું કે હું એક અઠવાડિયા સુધી જૂઠું બોલ્યા વિના જીવવાનો પ્રયત્ન કરીશ – કોઈ માસૂમ જૂઠું કે બહાનું નહી, ફક્ત સત્ય અને પ્રામાણિકતા.
હું મારા નવા સંકલ્પ સાથે ઑફિસ પહોંચી. મારી એક સાથીદાર નવા ડ્રેસમાં આવી હતી. મને જોતાંની સાથે જ તેણે મને પૂછ્યું કે, ‘મને આ ડ્રેસ કેવો લાગે છે? સામાન્ય દિવસોમાં, મારો જવાબ હોય છે, ‘ખૂબ જ સરસ, તું સુંદર લાગે છે, તે ખૂબ મોંઘો દેખાય છે, બ્રાંડેડ. પણ મેં સાચું બોલવાની સોગંદ લીધી હતી, એટલે મારા મોઢામાંથી નીકળ્યું ‘બુઢ્ઢી ઘોડી પર લાલ લગામ કેવી રીતે સારી લાગે?’
પછી વાતને સંભાળવાના ઉદ્દેશ્યથી હું બોલી ‘તારી હિંમતની દાદ દેવી પડશે’ શું આ બીજી ભૂલ હતી? શું આમાં પ્રામાણિકતા હતી? મને હજી સુધી નથી ખબર, પરંતુ હું એટલું જાણું છું કે મેં સંબંધોનો એક હિસ્સો તોડી નાખ્યો હતો.’
Also Read – કવર સ્ટોરી : મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે કે સિરિયલ?!
મારા તરફથી સત્યનાં તીર આ રીતે જ વહેતાં રહ્યાં. મારા શપથના ત્રીજા દિવસે, મને સમજાયું કે સત્યની પણ મર્યાદા હોય છે. ટાલવાળી વ્યક્તિને તેના ચહેરા પર ટકલો ન કહેવાય, અંધ વ્યક્તિને સૂરદાસ અથવા લંગડા વ્યક્તિને તૈમૂર કહેવું એ અપમાનજનક છે.
છેલ્લા એક વર્ષમાં બિહારમાં જેટલા કોંક્રિટના પુલ તૂટી ગયા છે તેટલા સંબંધોના પુલ મારા સત્યએ તોડી નાખ્યા છે. આ બધાથી હું જે તણાવ અનુભવી રહી હતી તેણે મને ભાવનાત્મક રીતે થકાવી દીધી હતી. હરિશ્ર્ચંદ્રની જેમ સત્યવાદી બનવું એ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના તમામ પાટાઓ એક જ ઝાટકે દૂર કરવા સમાન છે. વાસ્તવમાં લોકોને હંમેશાં સત્ય નથી જોઈતું.
તેઓ ઇચ્છે છે કે તેમની તરફ કોઈ નજર કરે, તેમને અનુભવે, સમજે અને ક્યારેક ખોટાં વખાણ પણ કરે. હવે હું વિચારવા મજબૂર હતી કે શું મેં સાચું બોલવાનું વચન લઈને ભૂલ તો નથી કરીને? શું સંપૂર્ણ સત્યનું અમૂર્ત મૂલ્ય મારી તંગ અસ્વસ્થતાને વળતર આપવા યોગ્ય છે? જ્યારે હું આ પ્રશ્ર્ન પર વિચાર કરી રહી હતી, ત્યારે મને આ જૂની કહેવત યાદ આવી ગઈ – એક મૌન સો સુખ સમાન છે એટલે કે મૌન હજાર આશીર્વાદ સમાન છે.
આધુનિક ભાષામાં તેને પરફેક્ટ પોઝ કહેવામાં આવે છે. આ યુક્તિ ખૂબ જ સરળ છે, પરંતુ ખૂબ જ ઊંડી પણ છે. જ્યાં સત્ય બોલવાથી સંબંધો તૂટવાથી અને જૂઠું બોલવાથી દૂર રહેવું હોય, ત્યાં મૌન સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી.