સ્પોટ લાઈટ : ‘કોરી આંખો અને ભીના હૈયાં’થી નવી રંગભૂમિ પર એન્ટ્રી
મહેશ્વરી
ફૂલોથી મઘમઘતા બાગમાં આપણે ગયા હોઈએ અને ત્યાં લટાર મારી પાછા બહાર નીકળ્યા પછી કેટલોક સમય એ ફૂલોના રંગ અને ગંધથી આપણે એવા તરબતર થઈ ગયા હોઈએ કે દિલ અને દિમાગ બાગ બાગ થઈ જાય. એ વાતાવરણ, એ મઘમઘાટ આપણને પ્રસન્નચિત્ત કરી દે, તરબતર થઈ જવાય.
કાંતિ મડિયા સાથે ફોન કર્યા પછી હું એવી જ મનોદશામાં મુકાઈ ગઈ હતી. મડિયાને મળવાના સ્થળ, તારીખ અને સમય જાણી લીધા પછી મેં રિસીવર ક્રેડલ પર એવી રીતે મૂક્યું જાણે કોઈ સ્ત્રી પોતાનું આભૂષણ શરીર પરથી ઉતારી પાછું જ્વેલરી બોક્સમાં મૂકતી હોય. સરસ મજાનું ફૂલ મહોર્યું હોય એવો ખીલેલો મારો ચહેરો જોઈ રૂપકમલ બહેનની પુત્રવધૂ પન્નાની બહેન બોલી, ‘શું વાત છે? તમારો ચહેરો તો મલક મલક થાય છે.’ હું હસી પડી.
ખડખડાટ હસી. એનો હાથ હાથમાં લઈ કહ્યું કે ‘કાંતિ મડિયાએ મળવા બોલાવી છે.’ પ્રવીણ જોશી, કાંતિ મડિયા, શૈલેષ દવે જેવા દિગ્ગજ નાટ્યકાર મળવા બોલાવે એ કોઈ પણ કલાકાર માટે આનંદનો જ નહીં ગર્વનો પણ અવસર ગણાતો. એવો હતો રંગભૂમિનો દબદબો.
કાંતિ ભાઈની અનેક લાક્ષણિકતાઓ હતી અને તેમનાં નાટકોના નામ મને બહુ ગમતા. ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘નોખી માટી ને નોખાં માનવી’, ‘હવે પાંપણોમાં અદાલત ભરાશે’, ‘મૂઠી ઊંચેરો માનવી’, ‘અમે બરફનાં પંખી’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’, ‘ચીતરેલા મોરનો ટહુકો’, ‘કાચી નીંદર, કાચાં સપનાં’, ‘ઝાકળભીનાં પારિજાત’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’ – કેવાં કાવ્યાત્મક નામ રહેતાં. નાટકનું નામ આપવા માટે પણ ગજબની ચીવટ રાખતા એ મેં સાંભળ્યું હતું અને કામ બાબતે એકદમ સ્ટ્રિક્ટ છે એ પણ હું જાણતી હતી.
નાટકોના નામ નક્કી કરવામાં એમની ગજબની કલ્પના શક્તિ જોવા મળી. નક્કી કરેલા દિવસે અને નક્કી કરેલા સ્થળે કાંતિ મડિયાને મળવા ગઈ. ઔપચારિક વાતચીત પછી હું કેટલી વ્યસ્ત છું અને કયા નાટકો કરી રહી છું એ તેમણે જાણી લીધું. કાંતિભાઈ એ સમયે ‘કોરી આંખો અને ભીના હૈયાં’ નામનું નાટક તૈયાર કરી રહ્યા હતા. નાટકમાં મારે લીડ રોલ કરવાનો હતો. એ સમયે રંગભૂમિની હું પ્રસ્થાપિત અભિનેત્રી હતી.
આ પણ વાંચો : ટ્રાવેલ પ્લસ ઃ ભારતનાં નૈસર્ગિક વિશ્ર્વમાં સર્જાતાં અદ્ભુત દૃશ્ય સ્મૃતિપટ
એટલે સાઈડ રોલ માટે તો મારો કોઈ સંપર્ક કરે જ નહીં. મડિયા જેમ પોતાના આગ્રહો માટે જાણીતા હતા એમ સામી વ્યક્તિનો મરતબો પણ જાળવી રાખતા. મને કહ્યું કે ‘મહેશ્વરી, તારે મારા નાટકમાં મેઈન રોલ કરવાનો છે.’ જોકે, ‘કોરી આંખો અને ભીના હૈયાં’ કાંતિભાઈનું નિર્માણ નહોતું. ‘નાટ્યસંપદા’ના નેજા હેઠળ તૈયાર નહોતું કરવાનું. કાંતિભાઈ ડિરેક્ટર હતા. આ નાટક મૌલિક નહોતું. મરાઠી ભાષાના દિગ્ગજ સાહિત્યકાર અને નાટ્યકાર રત્નાકર મતકરી લિખિત નાટક ‘માઝં કાય ચૂકલં’ (મારી શું ભૂલ થઈ) પર આધારિત હતું.
શ્રી મતકરીની એક નવલકથા પરથી લખાયેલું નાટક મરાઠીમાં ભજવાયું ત્યારે ખાસ્સું ગાજ્યું હતું. આ બધું હું જાણતી હતી એટલે હું તો બહુ ઉત્સાહમાં આવી ગઈ. ડિરેક્ટર મડિયા અને નાટક મૂળ મતકરીનું એ તો મારા માટે સોનામાં સુગંધ ભળવા જેવી વાત હતી. નાટકમાં મારા ઉપરાંત મુકેશ રાવલ, ભૈરવી વૈદ્ય (ગયા વર્ષે જ કેન્સરથી એમનું મૃત્યુ થયું હતું)ની મહત્ત્વની ભૂમિકા હતી અને હા, ગુજરાતી તખ્તા અને ચિત્રપટના મહારથી હની છાયા પણ હતા. એક સરસ નાટક તૈયાર થશે એવી આશા હૈયે બંધાઈ હતી.
કાંતિભાઈએ રિહર્સલ ક્યારથી શરૂ થવાના છે અને એનો ટાઈમ વગેરે વિગતો સમજાવી દીધી. મડિયા સમય પાલનના કડક આગ્રહી હતા. બધી વાત પાકે પાયે થઈ અને હું અમારા નવા બોરીવલીના યોગી નગરના ઘરે જવા ટ્રેનમાં બેઠી ત્યારે મારું મન ચકરાવે ચડી ગયું. મને એટલો તો ખ્યાલ આવી રહ્યો હતો કે હું અંગત જીવનના તેમજ મારી નાટ્ય સફરના એક મહત્ત્વના વળાંક પર આવીને ઊભી છું. એક બદલાવ આવી રહ્યો હોવાનું હું મહેસૂસ કરી રહી હતી.
વિચારોમાં એવી ખોવાઈ ગઈ કે બોરીવલી ક્યારે આવી ગયું એનું ધ્યાન જ ન રહ્યું. બાજુમાં બેઠેલા એક બહેન બોલ્યાં કે ‘તમારે ક્યાં ઊતરવું છે? બોરીવલી તો આવી ગયું. હવે આ ટ્રેન પાછી ચર્ચગેટ જશે.’ હું ઝબકીને જાગી અને એમની સામે સ્મિત કરી બોરીવલી સ્ટેશન પર ઊતરી ગઈ.
ઘરે પહોંચી મારા માટે ફોનની વ્યવસ્થા કરનારા બહેનને સારા સમાચાર આપ્યા. એમને પણ આનંદ થયો અને મને અભિનંદન આપ્યા. ઘરે છોકરીઓને પણ વાત કરી અને એ પણ રાજી રાજી થઈ ગઈ એ સ્વાભાવિક હતું. સવારે બધી રસોઈ કરી બંને દીકરીઓના ટિફિન ભરી દેતી. દીકરીઓ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી અને એમના ચહેરા કહી રહ્યા હતા કે એમને પોતાના કામમાં આનંદ આવી રહ્યો છે.
દીકરો પણ મોટો થઈ ગયો હતો અને બોરીવલીથી એકલો અંધેરીની એ સમયની ખ્યાતનામ પબ્લિક સ્કૂલ ‘હંસરાજ મોરારજી’માં ભણવા જતો હતો. એકંદરે લાઈફ એકદમ સેટ થઈ રહી હતી. નાટકના રિહર્સલમાં હું બરાબર ગૂંથાઈ ગઈ હતી. પ્રવીણ જોશી સાથે કામ કરવાના મારા અરમાન અધૂરા રહી ગયા હતા, પણ કાંતિ મડિયાના નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત હતી. સૌથી મહત્ત્વની વાત એ હતી કે મડિયાના આ નાટક ‘કોરી આંખો અને ભીના હૈયાં’થી નવી રંગભૂમિ પર મારી એન્ટ્રી થઈ.
‘મહેશ્વરી તો જૂની રંગભૂમિની હિરોઈન’ છે એ લેબલમાંથી મને મુક્તિ મળી. નવી રંગભૂમિ પર મારું પદાર્પણ મડિયાના કારણે થયું એટલે હું તેમને મારા ગુરુ માનું છું. આવા સિદ્ધહસ્ત નાટ્યકાર સાથે શરૂઆત થઈ એ બદલ મેં ઈશ્વરનો અને રંગદેવતાનો આભાર માન્યો.
ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે એકેય એવું શાસ્ત્ર નથી, એવું શિલ્પ નથી, એવી વિદ્યા નથી, એવી કળા નથી જે નાટકમાં ન દેખાય. જૂની રંગભૂમિના દિવસો દરમિયાન પ્રાગજી ડોસાએ મને આ વાત સમજાવેલી. બીજી તરફ વિલિયમ શેક્સપિયર કહી ગયા છે કે સમગ્ર વિશ્ર્વ જ એક રંગમંચ છે અને વિશ્ર્વ પર વસતા પ્રત્યેક સ્ત્રી અને પુરુષ ખેલૈયા છે.
તેમની એન્ટ્રી અને એક્ઝિટ નિશ્ર્ચિત હોય છે. એક જ વ્યક્તિ જીવનકાળમાં અનેક પાઠ ભજવતી હોય છે. મને મારું જીવન ભરત મુનિ અને શેક્સપિયરે કરેલી વ્યાખ્યાઓના સરવાળા જેવું લાગી રહ્યું હતું.
પ્રવીણ જોશી – સંજીવ કુમાર
ગુજરાતી રંગભૂમિ નાટ્ય ભજવણી પ્રત્યે ખાસ્સી પ્રયોગશીલ રહી છે. જૂની રંગભૂમિ પર શેક્સપિયર, ઈબ્સન, પ્રિસ્ટલી કે ચેખોનાં નાટકો રૂપાંતર કરી ભજવાયાં છે. આ બધા વિદેશી નાટ્યકારોમાં એક મૂઠી ઊંચેરું નામ છે અમેરિકન નાટ્ય લેખક આર્થર મિલરનું. રસપ્રદ વાત એ છે કે જે ચાર નાટકો (‘ઓલ માય સન્સ’, ‘ડેથ ઓફ અ સેલ્સમેન’, ‘ધ ક્રુસિબલ’ અને ‘અ વ્યૂ ફ્રોમ ધ બ્રિજ’)એ મિલરના દુનિયામાં ડંકા વગાડ્યા એમાંનાં બે નાટકની ભજવણી આપણી રંગભૂમિ પર થઈ હતી જે આપણું સદભાગ્ય ગણાય.
એ બે નાટક હતાં ‘ઓલ માય સન્સ’ અને ‘ડેથ ઓફ અ સેલ્સમેન’. મિલરના પ્રથમ નાટક ‘ધ મેન હુ હેડ ઓલ ધ લક’નો માત્ર ચાર શો પછી વીંટો વળી ગયા બાદ ‘ઓલ માય સન્સ’ ભજવાયું અને લોકપ્રિયતાને વર્યું. ઈન્ડિયન નેશનલ થિયેટર – આઈ.એન.ટી.ના નેજા હેઠળ પ્રવીણ જોશીના કુશળ દિગ્દર્શનના કસબથી આ નાટક ‘કોઈનો લાડકવાયો’ નામથી ભજવાયું હતું. એમાં અરવિંદ જોશી અને તરલા મહેતા સાથે સંજીવ કુમારે કામ કર્યું હતું.
ફિલ્મ દુનિયામાં એન્ટ્રી લીધી એ પહેલા સંજીવ કુમારે જે કેટલાંક નાટક કર્યા એમાંનું એક આ હતું. આર્થર મિલરના સૌથી પ્રખ્યાત નાટક ‘ડેથ ઓફ અ સેલ્સમેન’ (બ્રોડવે પર 700થી વધુ શો થયા હતા)પરથી કાંતિ મડિયાએ ‘નાટ્યસંપદા’ના નેજા હેઠળ ‘કાચી નીંદર, કાચાં સપનાં’ નામનું નાટક ભજવ્યું હતું. દિગ્દર્શક હતા કાંતિ મડિયા અને મુખ્ય ભૂમિકા ગિરેશ દેસાઈએ કરી હતી. (સંકલિત)