પારિવારિક લગ્ન સમારોહમાં સામેલ થયા ઉદ્ધવ-રાજ ઠાકરે, વીડિયો થયો વાયરલ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં તો નહીં પણ એક ફેમિલી ફંક્શનમાં પિતરાઇ ઠાકરે બંધુ સાથે જોવા મળ્યા હતા. બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સમારોહમાં સાથે જોવા મળ્યા હતા.
રવિવારે દાદરમાં રાજ ઠાકરેની બહેન, જયવંતી ઠાકરે-દેશપાંડેના પુત્રના લગ્ન હતા, જેમાં ઉદ્ધવ ઠાકરે પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં બંને પરિવારો સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓએ વાતચીત પણ કરી હતી.
રાજ ઠાકરેની બહેનના પુત્રનો લગ્ન સમારોહ મુંબઈમાં દાદરની રાજે શિવાજી વિદ્યાલયમાં યોજાયો હતો. તેમના ભત્રીજાને લગ્ન પર આશીર્વાદ આપવા માટે બંને કાકા, રાજ અને ઉદ્ધવ સાથે આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ તેમના પરિવાર સાથે સમારોહમાં હાજરી આપી હતી અને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. લગ્નના કેટલાક વિડીયો અને ફોટા હવે સામે આવ્યા છે, જેમાં ઉદ્ધવ અને રાજ સાથે ઉભા છે અને દંપતી પર અક્ષત વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જ રહેશે ગૃહ ખાતું…
MNS પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એકસાથે દેખાવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જોકે, રાજકારણમાં તો બંને પિતરાઇ ભાઇ સાથે આવે એવી કોઇ શક્યતા હાલમાં તો દેખાતી નથી.
નોંધનીય છે કે, રાજ ઠાકરેએ તાજેતરમાં જ રશ્મિ ઠાકરેના ભાઈ શ્રીધર પાટણકરના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી. શ્રીધર પાટણકરના પુત્ર શૌનકના લગ્ન ગયા રવિવારે મુંબઈની તાજ લેન્ડ્સ હોટેલમાં થયા હતા. રાજ ઠાકરેએ પાટણકર પરિવારના આમંત્રણને માન આપી સમારોહમાં હાજરી આપી હતી. જો કે, આ કાર્યક્રમમાં બંને ઠાકરે ભાઈઓ વચ્ચે સીધી મુલાકાત થઈ ન હતી, કારણ કે બંને નેતાઓ અલગ-અલગ સમયે સમારોહમાં હાજર રહ્યા હતા.