વલો કચ્છ : કચ્છની અટલ સ્મૃતિ
ડૉ. પૂર્વી ગોસ્વામી
25 ડિસેમ્બર આવે એટલે નાતાલ સાથે યાદ આવે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી.
ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહિ
યે તો જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ
ઈસકે કંકર કંકર મેં શંકર હૈ
ઈસકી બુંદ બુંદ મેં ગંગા હૈ
યે વંદન કી ભૂમિ હૈ
યે અભિનંદન કી ભૂમિ હૈ.
‘અટલ’ યુગપુરુષનું પુણ્ય સ્મરણ કરતાં કચ્છ પ્રદેશની વાત કરવાનું મન થાય. આ ભૂમિની અલૌકિક સુંદરતા અને અહીંના ખુમારીથી જીવન વ્યતીત કરતા લોકોની સફળ કહાણી છે જેની ચાહક અનેક વિચક્ષણ બુદ્ધિપ્રતિભાઓ રહી ચૂકી છે. તેનો ઈતિહાસ, રાજકારણ, સમાજ અને અર્થકારણ તેની જીવનશૈલી અને વિનાશમાંથી નિર્માણની આગવી પરંપરાને જે કોઈ પણ માણે તે કહે છે; – ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.’
સ્વપ્નદ્રષ્ટા અને આપણા વડા પ્રધાન મોદીસાહેબને પણ તો સૌથી પ્રિય છે આ કચ્છ! ‘નયા ભારત બનાયેંગે’નું સપનું જેમણે સેવ્યું એવા અટલજીએ ઉપરોક્ત શબ્દો; કચ્છની પાવન ભૂમિ પરથી ઉચ્ચાર્યા હતા. જે ભારતનો ટુકડો (કચ્છનો ભૂભાગ) પાકિસ્તાને પચાવી પાડ્યો હતો તેના વિરોધમાં થયેલ સત્યાગ્રહ (કચ્છ સત્યાગ્રહ: 1968) સમયે અટલજીએ ભાવના સેવી હતી કે કચ્છ એ ભારતનો અજોડ-અદ્ભુત ભૂપ્રદેશ છે, રતિભર ભૂભાગ કોઈ છીનવી જાય તે સાંખી શકાય નહિ.
બચપણથી જ ઘરમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર મળ્યા. કિશોરવયમાં પહેલાં આર્યસમાજના સંપર્કમાં આવ્યા અને પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાણ. એ બધું ભળીને પરિણામ બની પ્રખર રાષ્ટ્રભક્તિનો સ્વર ઉચ્ચારતી તેમની રચનાઓ. જેમ કે ભારત-વિભાજનથી પીડિત થઈને ‘સ્વાતંત્ર્ય-દિવસ કી પુકાર’ લખ્યું. ‘ઉનકી યાદ કરે’માં સ્વાતંત્ર્યજંગના હુતાત્માઓની પુણ્યસ્મૃતિ તો ‘અમર આગ’ અને ‘હિન્દુ-પરિચય’ દેશગૌરવની લાગણી પ્રસ્તુત કરે છે.
આ પણ વાંચો : અજબ ગજબની દુનિયા: જાણો દુનિયાભરની અવનવી વાતો
આમ તો અટલજીનો કચ્છ સાથે પ્રથમ સંબંધ તે આ સત્યાગ્રહ, પણ 2001ના મહાવિનાશક ભૂકંપ વખતે એ સહાનુભૂતિની અપાર લાગણીમાં પલટાઈ ગયો હતો. કેન્દ્રમાં ભાજપની મોરચા સરકાર અને ગુજરાતમાં પણ ભાજપ. રાજ્યે માગી તે મદદ કેન્દ્રએ આપી.
મુખ્ય તે ટૅકસ હોલીડે અને ભુજની સિવિલ હૉસ્પિટલ. ટૅક્સ હોર્લીડેથી કચ્છે ઉદ્યોગોને આકર્ષ્યા અને ભૂકંપપ્રૂફ ડિઝાઇન સાથેની નવી અદ્યતન ઇમારતે કચ્છને આરોગ્ય સુવિધાની નોંધપાત્ર ભેટ અર્પી, પરંતુ તોય કચ્છ ક્ષેત્રે આ બાબતે અન્યાય થયો છે એવું આદરણીય શ્રી કીર્તિ ખત્રીની વ્યક્ત વેદનાથી આપણને સમજાય, કારણ કે ભૂકંપગ્રસ્ત કચ્છની સીમાચિહ્ન સમી આરોગ્ય સેવા પૂરી પાડવાના કેન્દ્ર સરકારના ઇરાદાની મજબૂતાઇની પ્રતીતિ અટલજી સાથે થયેલી વાતોમાં એમણે અનુભવેલી કે નવી બંધાયેલી સિવિલ હૉસ્પિટલ અને એની સાથે મૅડિકલ કૉલેજની ભેટ, કદાચ કૉલેજનું સંચાલન દિલ્હીસ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅડિકલ સાયન્સ (એઇમ્સ)ને સોંપાયું હોત, પરંતુ રાજકીય દાવપેચ અને નિરુત્સાહને પગલે અટલજીએ મોં સુધી પહોંચાડેલો કોળિયો છીનવાઇ ગયો. કેન્દ્રમાં સત્તાપલટો થયો અને દેશનાં બધાં રાજ્યોમાં ‘એઈમ્સ’ની સેવાઓ શરૂ કરવાનો પ્રોજેકટ બીજી સરકારે સાઈડ પર જ મૂકી દીધો. અટલજીની લાગણી અને દૃષ્ટિનો પૂરેપૂરો લાભ કચ્છને ન મળ્યો.