અશ્વિને જ્યારે ચોખ્ખું કહી દીધું, હું સ્ટીવ સ્મિથ સામે બોલિંગ નહીં જ કરું…
સ્પિન-લેજન્ડનું કારણ ખૂબ ગંભીર અને એકદમ વ્યાજબી હતું
નવી દિલ્હી: જયારે કોઈ દિગ્ગજ ક્રિકેટર નિવૃત્તિ લઈ લે ત્યાર પછી તેના ભૂતકાળના કેટલાક યાદગાર અને અજાણ કિસ્સાઓ બહાર આવી જતા હોય છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફે કંઈક આવું જ કર્યું. તેણે રવિચંદ્રન અશ્વિન વિશેનો ત્રણ વર્ષ જૂનો રસપ્રદ કિસ્સો જાહેર કર્યો છે.
આ ઘટના 2021ની આઈપીએલની છે, જ્યારે અશ્વિને દિલ્હી કેપિટલ્સ (ડીસી) માટેની નેટ પ્રેક્ટિસમાં સ્ટીવ સ્મિથ સામે બોલિંગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
મોહમ્મદ કૈફ ત્યારે ડીસીનો સહાયક કોચ હતો અને તેને અશ્વિનનું કારણ વ્યાજબી અને ગળે ઉતરે એવું લાગ્યું હતું.
ભારતના એક સમયના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર મોહમ્મદ કૈફે ‘એક્સ’ પર પોતાના અકાઉન્ટ પર લખ્યું છે કે “એક દિવસ મેં જ્યારે અશ્વિનને નેટ પ્રેક્ટિસમાં સ્ટીવ સ્મિથ સામે બોલિંગ કરવા કહ્યું ત્યારે તેણે મને ચોખ્ખી ના કહી દીધી, કારણકે સ્ટીવ સ્મિથે પોતાની હેલ્મેટ પર કૅમેરા લગાડેલો હતો.
કૈફે વિગતમાં કહ્યું, “ સ્ટીવ સ્મિથ દિલ્હી કેપિટલ્સની ટીમમાં અમારી સાથે હતો. એક દિવસ તે નેટમાં બેટિંગ માટે મેદાન પર આવ્યો ત્યારે મેં અશ્વિનને કહ્યું કે સ્મિથ સામે તારે બોલિંગ કરવાની છે… તૈયાર થઈ જા. ત્યારે મને અશ્વિનની સતર્કતા અને ક્રિકેટના તેના બારીકાઈભર્યા અવલોકનની જાણ થઈ હતી. અશ્વિને મને સ્પષ્ટ કહી દીધું કે સ્ટીવ સ્મિથે પોતાની હેલ્મેટ પર કૅમેરા લગાડ્યો છે જેની મદદથી તે મારી બોલિંગ રેકોર્ડ કરી લેશે અને પછી એનો ઉપયોગ વર્લ્ડ કપ વખતે કરશે. સ્મિથની હેલ્મેટ પરનો કૅમેરા મને નહોતો દેખાયો, પણ અશ્વિનને દેખાઈ ગયો હતો. તે આઇપીએલના સાથી ખેલાડી તરીકે સ્મિથને મદદ કરવા તૈયાર હતો, પરંતુ વર્લ્ડ કપ માટે નહીં. “
આ પણ વાંચો : બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલાં જ ભારતને ત્રણ ઝટકા, આ ત્રણ ખેલાડીને થઈ ઈજા…
2021ની આઈપીએલ પછી થોડા જ દિવસ બાદ ટી-20 વર્લ્ડ કપ રમાવાનો હતો અને અશ્વિન તથા સ્મિથ સ્મિથને પોતપોતાના દેશની ટીમમાં સમાવવામાં આવ્યા હતા. અશ્વિને જો ત્યારે નેટમાં બોલિંગ કરી હોત તો સ્ટીવ સ્મિથે એનો ફાયદો ઉઠાવીને વર્લ્ડ કપમાં અશ્વિનનો સારી રીતે સામનો કર્યો હોત.
ઑસ્ટ્રેલિયાએ એ વર્લ્ડ કપ ન્યૂ ઝીલૅન્ડને ફાઇનલમાં આઠ વિકેટે હરાવીને જીતી લીધો હતો.