આધારકાર્ડને આધારે નવરાત્રી મંડળોમાં પ્રવેશ આપવાની માગણી
મુંબઈ: આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં મહારાષ્ટ્રમાં ભાગ લેનારાઓને આધાર કાર્ડ તપાસ્યા બાદ જ મંજૂરી આપવામાં આવે અને હિંદુ ધર્મમાં વિશ્ર્વાસ ન ધરાવતા લોકોને આવા કાર્યકમોમાં પ્રવેશ મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવે એવી માગણી વિશ્ર્વ હિંદુ પરિષદે કરી છે. વિશ્ર્વ હિંદુ પરિષદ (મહારાષ્ટ્ર-ગોવા)ના મંત્રી ગોવિંદ શેંડેએ મંગળવારે જાહેર કરેલા એક વીડિયો નિવેદનમાં દાવો કર્યો હતો કે આ કાર્યક્રમોમાં ‘લવ જેહાદ’ની ઘટનાઓ બને છે. ગરબા અને દાંડિયા પૂજાનાં સ્વરૂપો છે, તે માત્ર મનોરંજન નથી, જેમાં છોકરીઓ અને પરિવારો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આવા કાર્યક્રમોના આયોજકોએ નવરાત્રિના આનંદ માણનારાઓનેે કપાળ પર ‘તિલક’ લગાવવું જોઈએ, તેમના કાંડા પર ‘ક્લવ’ (હિંદુઓ દ્વારા પહેરવામાં આવતો લાલ પવિત્ર દોરો) બાંધવો જોઈએ અને તેમને સ્થળની અંદર જવા દેતા પહેલા ‘ગૌ અર્ક’ પીવા માટે આપવું જોઈએ.
વીએચપીના નેતાએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો ભગવત ગીતા અથવા હિંદુ ધર્મમાં વિશ્ર્વાસ રાખતા નથી તેઓ ફક્ત મહિલાઓને હેરાન કરવા માટે ગરબા જેવી ઈવેન્ટમાં આવે છે. (પીટીઆઈ)