વિદેશી હૂંડિયામણની અનામતમાં બે અબજ ડૉલરનો ઘટાડો: શું છે કારણો?
મુંબઈ: ગત 13મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 1.988 અબજ ડૉલર ઘટીને 652.869 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 3.235 અબજ ડૉલર ઘટીને 654.857 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી અનામતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું કારણ રિવેલ્યુએશન ઉપરાંત હાજર બજારમાં ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલી ભારે ચંચળતાને મર્યાદિત રાખવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરની થતી વેચવાલી જેવાં કારણોસર અનામતમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે, ગત સપ્ટેમ્બર મહિનામાં અનામત 704.885 અબજ ડૉલરની ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 3.047 અબજ ડૉલર ઘટીને 562.576 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર સિવાય યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય ચલણો સામે સપ્તાહ દરમિયાન રૂપિયામાં સામે થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
આ પણ વાંચો…ISRO રચશે ઇતિહાસ, PSLV-C60 રોકેટ લોન્ચ પેડ પર પહોંચ્યું
વધુમાં ગત સપ્તાહે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 3.5 કરોડ ડૉલર ઘટીને 17.997 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 2.7 કરોડ ડૉલર ઘટીને 4.24 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે એકમાત્ર સોનાની અનામત 1.121 અબજ ડૉલર વધીને 68.056 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝવર્ઉ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.