મૅન્ચેસ્ટર સિટી ફરી હાર્યું, છેક છઠ્ઠા સ્થાને ઊતર્યું
ઇંગ્લિશ પ્રીમિયર લીગની ડિફેન્ડિંગ ચૅમ્પિયનની પાંચમા નંબરની ઍસ્ટન વિલા સામે 1-2થી હાર
લંડનઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ફૂટબૉલ સ્પર્ધામાં કુલ આઠ ટાઇટલ અને છેલ્લા લાગલગાટ ચારેય ટાઇટલ જીતનાર મૅન્ચેસ્ટર સિટીની ટીમ આ વખતની સીઝનમાં ખૂબ ખરાબ પર્ફોર્મ કરી રહી છે અને શનિવારે ઍસ્ટન વિલા સામે 1-2થી પરાજય થતાં આ ટીમ છેક છઠ્ઠા સ્થાને ઊતરી ગઈ હતી.
મૅન્ચેસ્ટર સિટીની ટીમ 2011-’12ની સીઝનમાં પહેલી વાર ઇપીએલનું ટાઇટલ જીતી હતી. ત્યાર બાદ બીજા ત્રણ ટાઇટલ જીત્યા બાદ 2020થી 2023 સુધીની સતત ચાર સીઝનમાં આ ટીમે ટાઇટલ જીતીને નવો ઇતિહાસ સર્જ્યો હતો. જોકે 2023-’24નું ટાઇટલ જીતનાર મૅન્ચેસ્ટર સિટીની ટીમે આ વખતે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટીની સતત ચોથી હાર: શાસનનો અંત નજીક?
કાઇલ વૉકરના નેતૃત્વ હેઠળની મૅન્ચેસ્ટર સિટીની ટીમ છેલ્લી 12માંથી નવ મૅચ હારી છે અને માત્ર એક મૅચ જીતી છે. બીજી બે મૅચ ડ્રૉમાં ગઈ છે.
મૅન્ચેસ્ટર સિટી વતી શનિવારની મૅચમાં ફિલ ફૉડેને અંતિમ પળોમાં એક ગોલ કર્યો હતો, પરંતુ એ પહેલાં જૉન ડુરૅન અને મૉર્ગન રૉજર્સે ઍસ્ટન વિલા વતી મૅચની અનુક્રમે 16મી અને 65મી મિનિટમાં જે ગોલ કર્યો એ ઍસ્ટન વિલાની જીત માટે પૂરતો પર્ફોર્મન્સ હતો.
પૉઇન્ટ્સ-ટેબલમાં મૅન્ચેસ્ટર સિટી અને લિવરપૂલ વચ્ચે હવે બહુ મોટું અંતર થઈ ગયું છે. લિવરપૂલ મોખરે છે, જ્યારે મૅન્ચેસ્ટર સિટીના એનાથી નવ પૉઇન્ટ ઓછા છે અને છઠ્ઠા નંબરે છે.