ગુજરાતી V/S મરાઠી મુલુંડ, ઘાટકોપર બાદ હવે મલાડમાં ગુજરાતી દ્વેષ
ગુજરાતી ભાષાનાં પાટિયાં પર કાળો રંગ ચોપડવામાં આવ્યો
મુંબઈ: ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી પુલ પરના સર્કલ પર લખવામાં આવેલા ગુજરાતી શબ્દોને ઉદ્ધવ ઠાકરેના કાર્યકરો દ્વારા તોડી પાડવામાં આવતાં એક બાજુ ગુજરાતીઓમાં રોષ જોવા મળે છે ત્યારે બીજી બાજુ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અને મલાડના અમુક રસ્તાઓ પર ગુજરાતી ભાષામાં લખેલાં પાટિયાં પર મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરો દ્વારા કાળો રંગ ચોપડવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. અચાનક આ રીતે ગુજરાતીઓ સામે શું કામ આક્રોશ જોવા મળી રહ્યો છે એવા પ્રશ્ર્નો ગુજરાતીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરો દ્વારા મલાડ જાગૃતિ કેન્દ્ર પર અને રાણી સતી માર્ગ પર ગુજરાતી ભાષામાં લખેલાં બોર્ડ પર કાળું સ્પ્રે મારીને એના પર ફક્ત મરાઠી ભાષા જ રાખવામાં આવી છે. આ વિશે મરાઠી એકીકરણ સમિતિના ગોવર્ધન દેશમુખે જણાવ્યું હતું કે ઘણાં વર્ષોના સંઘર્ષ બાદ મહારાષ્ટ્ર રાજ્યને એની ઓળખ મળી છે અને એક રાજ્ય, એક ભાષા મળી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા થયા બાદ મરાઠી આપણી એક ભાષા છે, પરંતુ રાજકીય પક્ષો તેમની વોટબૅન્ક મેળવવા માટે અન્ય ભાષાઓનો ઉપયોગ કરે છે. વિદેશમાં જઈએ તો તેમની ભાષા બોલાય છે તો મહારાષ્ટ્રમાં આવ્યા બાદ મરાઠીને મહત્ત્વ અપાતું નથી. એથી અમે મલાડના વિવિધ રસ્તાઓ પર જઈને ગુજરાતી ભાષામાં લખેલાં એ પાટિયાંને તોડ્યા વગર એના પર કાળું સ્પ્રે કર્યું હતું. અમારે તોડફોડ નથી કરવી, મરાઠી ભાષાનું જતન કરવું છે.
જોકે મલાડમાં જ્યાં કાળો રંગ લગાડવામાં આવ્યો છે ત્યાં મરાઠી ભાષામાં પણ એ જ શબ્દો લખેલા છે. એથી સ્થાનિક ગુજરાતીઓ દ્વારા એના પર રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે.