બીએમસી ચૂંટણીમાં શિવસેના (યુબીટી) એમવીએથી અલગ: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે એવો સંકેત આપ્યો હતો કે તેમનો પક્ષ મહા વિકાસ આઘાડીમાંથી બહાર નીકળ્યા વિના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં એકલા લડી શકે છે.
પત્રકારો સાથે વાત કરતા, રાઉતે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એકલા ઉતરવાનો આગ્રહ રાખી રહ્યા છે, કારણ કે લોકસભા કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી કરતાં વધુ ઈચ્છુક ઉમેદવારો છે.
બીએમસી ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને અન્ય પાર્ટીના નેતાઓ વચ્ચે (એકલા ઉતરવું કે નહીં તે અંગે) વાતચીત ચાલી રહી છે. કાર્યકરો ઇચ્છે છે કે પાર્ટીએ સ્વબળે ચૂંટણી લડવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
અવિભાજિત શિવસેનાએ 1997થી 2022 સુધી સતત પચ્ચીસ વર્ષ સુધી સૌથી શ્રીમંત મનપા પર નિયંત્રણ રાખ્યું હતું.
બીએમસીના અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ માર્ચ 2022ની શરૂઆતમાં સમાપ્ત થયો હતો, અને હવે લગભગ ત્રણ વર્ષ બાદ નવી ચૂંટણીઓ થવાની છે.
આ પણ વાંચો: સંજય રાઉતના બંગલોની બે મોટરસાઇકલ સવારોએ રૅકી કરી: પોલીસે તપાસ આદરી…
રાઉતે એવો દાવો કર્યો હતો કે, મુંબઈમાં પાર્ટીની સત્તા નિર્વિવાદ છે.
‘જો અમને મુંબઈમાં (વિધાનસભા ચૂંટણી દરમિયાન) લડવા માટે વધુ બેઠકો મળી હોત, તો અમે જીતી શક્યા હોત,’ એમ તેમણે કહ્યું હતું અને દાવો કર્યો હતો કે મુંબઈ જીતવું જરૂરી છે, નહીંતર શહેર મહારાષ્ટ્રથી અલગ થઈ ગયું હોત.
શિવસેનાએ મુંબઈમાં 24 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 10 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 10 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ચાર બેઠકો જીતી હતી, અને એનસીપી (એસપી) એ બે બેઠકો પર ચૂંટણી લડી પણ બેઠકો જીતવામાં અસફળ રહી હતી.
‘જ્યારે (અવિભાજિત) શિવસેના ભાજપ સાથે (યુતિમાં) હતી, ત્યારે પણ અમે બીએમસી અને અન્ય પાલિકાની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડી હતી. અમે આવું જ કરવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમવીએ પુણે, પિંપરી-ચિંચવડ અને નાસિક મનપામાં અસ્તિત્વમાં રહેશે, એમ તેમણે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના મહાયુતિમાં સામેલ જૂથના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે શિવસેના શાસક મહાયુતિના ભાગ રૂપે, આવતા વર્ષે યોજાનારી બીએમસીની ચૂંટણીઓ લડશે.
‘બીએમસી ચૂંટણીઓ તમામ 227 વોર્ડમાં મહાયુતિ (ગઠબંધન) તરીકે લડવામાં આવશે,’ એમ શિવસેનાના વડા શિંદેએ કહ્યું હતું.
ભાજપ, શિવસેના અને એનસીપી મહાયુતિ ગઠબંધનનો ભાગ છે.