વિશેષ : ઉસ્તાદ ઝાકિર હુસૈન માટે જીવલેણ બની આ જિદ્દી બીમારી: આઈપીએફ
- રાજેશ યાજ્ઞિક
પદ્મશ્રી'થી લઈને ક્રમશ:
પદ્મભૂષણ’ અને પછી પદ્મવિભૂષણ' સુધીના પ્રતિષ્ઠત પારિતોષિક-સન્માન અને ચાર વખત પંકાયેલા
ગ્રેમી એવોર્ડ’ વિજેતા ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોમાં 15 ડિસેમ્બર, 2024ના રોજ અવસાન થયું સાથે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં શૂન્યતા છવાઈ ગઈ.
ઉસ્તાદ હુસૈનનો ઈન્તેકાલ આઈ.પી.એફ' અર્થાત્
ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ’ને કારણે થયો તો જાણીએ ઉસ્તાદ ઝાકિર હુસૈન માટે જાનલેવા બની એ બીમારી `આઈ.પી.એફ’ શું છે?
આમ તો ફેફસાંને લગતી આ એક બીમારી છે. સામાન્ય રીતે, લંગ્સ-ફેફસાંને લગતી ઘણી બીમારી છે, જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા વગેરે. આના વિશે આપણે બધા થોડું-ઘણું જાણીએ જ છીએ. ફેફસાંનું કેન્સર પણ એક ગંભીર બીમારી છે, પણ એ બધાથી અલગ તરી આવતી બીમારી છે `ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ’ (આઈપીએફ)
આ પણ વાંચો: જાણ્યું છતાં અજાણ્યું એવું બસ્તરનું રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મંદિર
જ્યારે આપણે શ્વાસ દ્વારા હવા અંદર લઈએ છીએ ત્યારે તે હવા ફેફસાંમાં રહેલી નાની-નાની સૂક્ષ્મ એવી થેલીઓમાંથી પસાર થઈને હવામાંનો ઓક્સિજન આપણા રક્તપ્રવાહમાં પહોંચાડે છે. ત્યાંથી એ પ્રાણવાયુ શરીરના વિવિધ ભાગમાં પહોંચે છે. જયારે પેલી જીણી પેશીઓમાં સોજા આવે અને તે સખ્ત-બરડ થઈ જાય ત્યારે એને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય છે.
`આઈપીએફ’થી ગ્રસ્ત વ્યક્તિનાં ફેફસાં પર આપણી ત્વચા ઉપર થાય એવા ઘા થઈ જાય છે. આને કારણે ફેફસાંથી લોહીમાં જતો ઓક્સિજનનો પ્રવાહ ધીમો પડી જાય છે. ઓક્સિજનની આવી કમી-ઓછપને કારણે આપણું શરીર ઘણાં કાર્ય નથી કરી શકતું.
અહીં ઇડિયોપેથિક' શબ્દનો અર્થ એ થાય છે કે
રોગનું કારણ અજ્ઞાત છે’ વર્ષોથી થઈ રહેલાં વ્યાપક અધ્યયન અને સંશોધન પછી પણ હજી સુધી આ બીમારી-રોગનો કોઈ ચોક્કસ ઈલાજ શોધી નથી શકાયો એ આપણા તબીબી જ્ઞાન-વિજ્ઞાનની ઊણપ ને એક વરવી વાસ્તવિકતા છે.
આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસઃ શિયાળો લાવ્યો વાયરલ બીમારીઓ…
આ બીમારી સામાન્ય રીતે 50 વર્ષ કે તેથી વધુના પુખ્ત વયના લોકોને પહેલી અસર કરે છે અને એમાંય `આઈપીએફ’થી પીડિતોમાં 75 ટકા લોકો પુરુષો હોય છે! એક અંદાજ મુજબ દુનિયાભરમાં દર 1 લાખમાંથી 15થી 20 વ્યક્તિ આ જિદ્દી રોગનો ભોગ બને છે.
હૉલિવૂડના પ્રખ્યાત અદાકાર માર્લોન બ્રાન્ડો પણ આ બીમારીથી પીડાતા હતા. અત્યાર સુધીના અધ્યયનમાં એવું જણાયું છે કે `આઈપીએફ’થી પીડિત લોકોમાંથી 20% લોકોના પરિવારમાં પણ પહેલેથી જ કોઈ ફેફસાંની બીમારી હોય છે. બીજા શબ્દમાં કહીએ તો આ એક પ્રકારની જેનેટિક ડિસિસઝ-અનુવાંશિક રોગ છે.
આ પણ વાંચો: વિશેષ : જે શાંત ન હોય એ સાધુ કેવો?
`આઈપીએફ’નાં લક્ષણ શું ?
શ્વાસ લેવામાં તકલીફ, સતત શુષ્ક ઉધરસ, સાંધા અને સ્નાયુઓમાં એકધારો દુખાવો, થાક અને ક્રમશ: વજન ઘટવાનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં, વ્યક્તિ જ્યારે એ સક્રિય હોય ત્યારે એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, પરંતુ સમય જતાં આરામ કરતી વખતે પણ શ્વાસની તકલીફ વધે છે. શુષ્ક ઉધરસ સારી નથી થતી તે પણ એક નિશાની છે. આમાં વારંવાર આવતી ખાંસીને નિયંત્રિત કરવામાં `આઈપીએફ’ ગ્રસ્ત વ્યક્તિ નિષ્ફળ રહે છે. સમય જતાં શ્વાસની જેમ ઉધરસ પણ વધુ વકરે છે.
આ બીમારીની કોઈ વિશેષ સારવાર?
આમ તો આ બીમારીનો કોઈ જ ઈલાજ ન હોવા છતાં, જો `આઈપીએફ’નું સમયસર નિદાન થઈ જાય તો ઔષધીય ઉપચાર, ઓક્સિજન થેરાપીથી તેને નિયંત્રણમાં રાખી શકાય છે અને કેટલાક ગંભીર કિસ્સામાં નવાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ-આરોપણ પણ કરવું પડે છે. એવું પણ નથી કે આ બીમારીથી પીડિત માટે જીવવાની કોઈ શક્યતા જ નથી.
હા, રોગને અનુરૂપ જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરીને એ સામાન્ય અને લાંબું જીવન જીવી શકે છે. યોગના પ્રયોગ પણ આ બીમારીમાં સહાયક સાબિત થઈ શકે છે. બાકી આ બીમારીને કાબૂમાં લઈ એને સમૂળગી સારી કરી શકાય એવી કોઈ જ દવા કે અકસીર તબીબી સારવાર હાલમાં હાથવગી નથી.
છેલ્લા કેટલાક દિવસો બાદ કરતાં ઝાકિર હુસૈન પણ 73 વર્ષની ઉંમરે સક્રિય રહીને આ બીમારી સામે લડ્યા-ઝઝૂમ્યા ને જીવ્યા.. માર્લોન બ્રાન્ડો પણ 80 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શક્યા.
જોકે અહીં સૌથી આવશ્યક અને અગત્યનું એ છે કે આ બીમારીનું નિદાન વહેલું થઈ જાય અને નિષ્ણાતોના સૂચન મુજબ નિયમિત દવા-સારવાર અને જીવનશૈલી અપનાવવામાં આવે તો પાછલી વયે પણ ઓછી તકલીફ સાથે લાંબું જરૂર જીવી શકાય.