શરદ જોશી સ્પીકિંગ : દિલ્હી એટલે ભારત, ભારત એટલે દિલ્હી
- સંજય છેલ
મોટા ભાગની દિલ્હીની કેન્દ્ર સરકારો, લગભગ રાજ્ય સરકારો જેવું જ વર્તતી હોય છે. દિલ્હી બધાને દૂર લાગે છે, પણ દિલ્હીવાળાને માત્ર દિલ્હી જ પોતાની નજીક લાગે છે, બાકીનું બધું ખૂબ દૂર લાગે છે. કેન્દ્ર સરકારનો મોટા ભાગનો સમય દિલ્હી અને એની આસપાસની સમસ્યાઓ વિશે વિચારવામાં વેડફાય છે. ત્યાં દિલ્હીમાંય સમસ્યાઓ હોય છે એમાં કોઈ શંકા નથી, પણ એવું લાગે છે કે આખા દેશમાં સમસ્યાઓ માત્ર ત્યાં જ પેદા થતી હોય છે અને એ સમસ્યાઓ જ જાણે સમગ્ર દેશની સમસ્યાઓ છે.
બાકીના ભારતમાં જે કંઈ થઈ રહ્યું છે એ રાજ્ય લેવલની નાની નાની બાબત છે, જેમ કે-પંજાબ કે ગુડગાંવનો મામલો હોય તો એ દિલ્હીની સમસ્યા છે, પરંતુ અમદાવાદ કે ચેન્નાઈમાં કંઇ થઈ રહ્યું હોય એ જે-તે રાજ્યની માથાકૂટ છે.
ખરેખર તો દેશની સમસ્યાઓએ પોતે જ વિચારવું જોઈએ કે એ દિલ્હીની નજીક રહીને સમસ્યા બની રહે. દિલ્હીથી દૂર રહીને સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી.
એ દિવસો ગયા જ્યારે નોઆખલીમાં રમખાણોનો ઉકેલ લાવવા ગુજરાતના ગાંધીજી ત્યાં બંગાળ સુધી દોડતા હતા. ત્યારે રમખાણો કોઈ પણ શહેરમાં થયા હોય, એ અખિલ ભારતીય સમસ્યા અને ચિંતાનો વિષય રહેતાં. આજકાલ તો હવે એ રોજની ને લોકલ સમસ્યા છે.
આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: છાપરા પર વાગતું વાયોલિન…
દિલ્હી રાજધાની છે. એ સુંદર દેખાવું જોઈએ. પણ એમ તો કોલકતા પણ આ દેશનું એક મહાનગર છે, પણ એને એના હાલ પર છોડી દેવાનું. કોલકતા તો મરણપથારીએ પડેલું શહેર છે. મુંબઈના પ્રશ્નોનું નિરાકરણ મુંબઈ પોતે જ આપોઆપ કરી લેશે. દિલ્હી, દિલ્હીને સાચવવા કે શણગારવામાં જ બિઝી છે
દિલ્હીના લોકો પંજાબની સમસ્યાઓ ઉકેલવામાં વધુ તૈયાર છે, કારણ કે ત્યાંના અધિકારીઓ પંજાબી છે, એમના પર દબાણ પંજાબી છે. પંજાબ 24 કલાક દિલ્હીના દરવાજા ખખડાવતો ને બૂમો પાડતો રહે છે.
ખાલિસ્તાન કેટલાક લોકોનું સપનું છે. આપણી દિલ્હી સરકાર એ વાહિયાત સપનાની સામે પૂરી તાકાતથી લડી રહી છે, જે વખાણવા જેવી વાત છે, પણ બીજા મોંઘવારી, બેકારી જે સમસ્યાઓ પણ એક વાસ્તવિકતા છે, પણ એ દિલ્હીવાળાઓ માટે દૂરની ઘટના છે. દિલ્હીથી દૂર અમદાવાદની, ગુજરાતની, ચેન્નાઇની, તામિલનાડુની…
પંજાબની સમસ્યા સર્જવા અને વધારવાના પ્રશ્ન પર આપણે પાકિસ્તાનથી ખૂબ નારાજ છીએ, પરંતુ શ્રીલંકામાં તમિલોની સમસ્યાને લઈને કેન્દ્રના પી.મ. સાથે આવા ખરાબ સંબંધો નથી. તમિલની સમસ્યાને લઈને કે પછી આસામ, મણિપુર-નાગાલૅન્ડની સમસ્યાને માટે કોઈ ઉતાવળ નથી, કારણ કે આસામ પણ દિલ્હીથી દૂર છે.
આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : કૉમ્પ્રોમાઇઝની કળા: લગ્નથી લડાઈઓ સુધી….
યુ.પી.માં ઈજાગ્રસ્ત લોકો વલખાં મારતા રહેશે. દરરોજ ત્યાંની મારામારીથી લોકો મૃત્યુ પામશે, પણ એ લોકોને મરવા દો. આપણે ચિંતા એ લોકોની કરવી જોઈએ જે ટ્રાન્ઝિસ્ટર બૉમ્બથી મરી રહ્યા છે. દિલ્હીની આસપાસનો વિસ્તાર કેન્દ્રીય ચિંતાનો વિસ્તાર છે. બાકીનું ભારત બચેલું-કૂચેલું ભારત છે. એ તો છે લાચાર મતદારોનું ભારત.
નતમસ્તક કહ્યાગરા સંસદસભ્યોને મોકલનારું ભારત. દિલ્હી સરકારની ચમચગીરી કરવાવાળા મુખ્ય મંત્રીઓ અને ગવર્નરોનું ભારત. દિલ્હીથી દૂર રાજ્ય સરકાર એટલે જે પોતાની લડાઈનો ઉકેલ પોતે જ લાવશે અને સજા પણ પોતે જ ભોગવનાર દૂરનું ભારત…
આસામ કે યુ.પી.નું આંદોલન, તોફાનો, આગ લગાડવી, અનેકોનાં મોત એ બધું ત્યાંના મુખ્ય મંત્રીને હટાવવા કે ન હટાવવાનું લોકલ રાજકારણ છે. ખાલિસ્તાનીઓની ઉશ્કેરણી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે ગંભીર પડકાર છે. આસામમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે, પણ દિલ્હીના પાડોશી પંજાબમાં મામલો તો હંમેશા ગરમ અને ઊકળતો જ માનવામાં આવે છે. આમાં દિલ્હીનો પાડોશી પ્રેમ છે.
વાહ રે દિલ્હીની કેન્દ્ર સરકાર તમે ખરા અર્થમાં ધન્ય છો!