કચ્છમાં વિવિધ બનાવોમાં છ બની ગયા કાળનો કોળિયો…
ભુજ: મોત ક્યારે અને કેવી રીતે આવે તે કોઈ જાણતું નથી. એક તરફ મુંબઈમાં મધદરિયે બોટ ઊંધી પડી તો બીજી બાજુ જયપુરમાં રસ્તા પર ટેન્કર અથડાયું અને લોકોના મોત થયા. આવી જ છૂટક ઘટનાઓમાં કચ્છમાં પણ છ જણ અચાનક કાળનો કોળિયો બની ગયા.
આ પણ વાંચો : પાટણ બાદ હિંમતનગરમાં બાળ તસ્કરીનો મામલોઃ પરિવારે કોર્ટમાં કરવી પડી અપીલ
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના ચરાખડા ગામમાં રમજાન ચરાખડા સીમ વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ ખાતે ખાટલામાં નિંદ્રાધીન હતો ત્યારે કાળ બનીને આવેલા તોતિંગ કોંક્રીટ મિક્સર વાહને તેને ટક્કર મારી દેતાં ગંભીર રીતે ઘાયલ થયેલા રમજાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થતાં નખત્રાણા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જયારે સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ પર આવેલા ટાટા મોટર્સના શો-રૂમના પાર્કિંગમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો જેમાં અહીં રાજસ્થાનનો માયારામ રબારી પોતાની કેરિયર ટ્રક પાર્ક કરી રહ્યો હતો ત્યારે ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઇનને ટ્રક અડી જતાં વાહનમાં અંદર બેઠેલા માયારામને જોરદાર શોક લાગતાં તેનું તત્કાળ મોત નીપજ્યું હતું.
વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામના ચુડવાની શંકર વૂડલેન્ડ કંપનીમાં બન્યો હતો જેમાં ખાડામાં લોડર પડી જતાં તેના ચાલક અમિત નિંગારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
દરમ્યાન, આદિપુરના જૂની પંદરવાળી એસ.બી.એક્સ.મકાન નં.૪૮માં રહેનાર મોહનસિંઘ નામના યુવાને અગમ્ય કારણોસર રસોડાની બારીમાં મફલર બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં બે ને ઈજાઃ આ કારણ હોવાની શક્યતા
વધુ એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામના કિડાણામાં બન્યો હતો જેમાં અહીંની એલ.એસ.સોસાયટીમાં રહેનારો રવિશંકર નામનો યુવાન ગત ૨૫મી નવેમ્બરના રોજ કોઈ કારણોસર પગપાળા જતી વેળાએ તે અચાનક પડી જતાં તેને પ્રથમ આદિપુર અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.