સ્થાપત્યનું વાઈ-ફાઈ ઃ નિસર્ગ આર્ટ હબ-કેરળ: છતની મજા…
- હેમંત વાળા
સ્થપતિ વોલમેકર્સ દ્વારા ડિઝાઇન કરાયેલ નિસર્ગ આર્ટ હબના આ મકાનમાં છતનો રસપ્રદ ઉપયોગ કરાયો છે. જ્યાં સૂર્યપ્રકાશ સહેલાઈથી ઓરડામાં પ્રવેશી ન શકે ત્યાં ઓરડામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા માટે છતમાં પ્રકાશ-બારી બનાવાતી હોય છે. આ કોઈ નવીન બાબત નથી. વિશ્વના ઘણાં પરંપરાગત તેમજ આધુનિક મકાનોમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. અહીં
મજા એ છે કે આ પ્રકાશ-બારી સાથે છત ઉપરના ભાગમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. અહીં છત માત્ર છત ન રહેતા એમ્ફિ થિયેટરનું તળ બની રહે છે અને પ્રકાશ-બારી માત્ર પ્રકાશ-બારી ન બની રહેતા એમ્ફિ થિયેટરમાં બેસવાની બેઠક પણ બની રહે છે.
માળખાગત રીતે આ કેરલની પરંપરાગત છતનો પ્રકાર છે. આ વિસ્તારમાં વરસાદની માત્રા વધુ રહેતી હોવાથી ઢળતાં છાપરાં બનાવવાની પ્રથા છે. કેરલનું રહેણાંક માટેનું મકાન હોય કે સંસ્થાકીય, તેના
ઉપરની છત તો ઢળતી જ બનાવાય. આ પ્રકારની છતને કારણે મકાનના ઓરડાઓની આંતરિક ઊંચાઈ વધુ રહે. આવી ઊંચાઈનો ઉપયોગ કરવા અહીં છતની નીચેના કેટલાક વિસ્તારને બે માળનો બનાવી દેવાયો છે; જ્યારે છતના ઓછી ઊંચાઈવાળા વિસ્તારમાં થોડીક વધુ ઊંચાઈની મજા લેવાય છે.
ઢળતાં છાપરાંની ઉપરનો ભાગ સામાન્ય રીતે ઉપયોગમાં ન આવે. અહીં આ ભાગનો પણ ઉપયોગ કરાયો છે. છત ઉપર પહોંચવા અનુકૂળ કહી શકાય તેવી વ્યવસ્થા કર્યા બાદ, અને સલામતીના ધોરણો પાળ્યા બાદ, આ છત ઉપર બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે. અહીં 75 થી 80 લોકો બેસી શકે તે રીતના બેઠકો રખાઈ છે.
આ બેઠકો છતમાં બનાવાયેલ પવન-બારી સાથે એ રીતના સાંકળી લેવાઈ છે કે, પવન-બારી અને બેઠક, બેમાંથી એકની પણ ઉપયોગીતામાં તકલીફ ન આવે. અહીં બેસીને લોકો સામે આ જ સ્તર ઉપર નાનકડા પાણીની ચેનલ ઉપર બનાવાયેલ નાનકડા મંચ પર આયોજાતી સંગીતની મહેફિલ માણી શકે. આ બધા સાથે ઢળતાં છાપરાં થી મકાનની અંદરનું તાપમાન અનુકૂળ સ્તરે જળવાઈ રહેવાની સંભાવના તો વધી જ જાય છે.
અહીં નીચે રહેણાંકની અને અન્ય સવલતો માટેની વ્યવસ્થા છે. આ એક એવી સંસ્થા છે જ્યાં સંગીતના આરાધકો સાથે મળીને આરાધના પણ કરી શકે અને વિચારોનું આદાન પ્રદાન પણ કરી શકે. સાથે સાથે સંગીતમાં પોતે સિદ્ધ કરેલી – આયોજન કરેલી બાબતોને અન્ય સમક્ષ પ્રસ્તુત કરવાની પણ જરૂર હોય. આ જરૂરિયાતના ભાગરૂપે જ છત ઉપર એમ્ફિ થિયેટર જેવી કલ્પના સાકાર કરવામાં આવી.
છતને મજબૂતાઈની જરૂર રહે. છતની ઊંચાઈ પણ જોખમી ન હોવી જોઈએ. છત પર અવરજવર એટલી સગવડતા ભરી ન પણ ગણાય. ત્યાંના નળિયા પણ તૂટી જવાની સંભાવના રહે. નાનાં બાળકોનો પ્રવેશ અહીં શક્ય ન બને. અહીંની આવન-જાવન મંદ રહેવી જોઈએ.
આ બધા સાથે પણ પ્રયોગ પ્રશંસનીય તો છે જ.35 અંશ ખૂણાના છાપરાવાળા, 240 ચોમી જેટલા વિસ્તારવાળા એર્નાકુલમના આ મકાનની ફરસ પણ ઉપયોગિતામાં આવે એ પ્રમાણેના ખાડાઓ રચી રસપ્રદ બનાવાઈ છે. ફરસની આ પ્રકારની રચનાથી રાચરચીલાની જરૂરિયાત ઓછી થઈ ગઈ. વળી ફરસની ઉપર આવતી રચનાઓની સંખ્યા પણ ઓછી થતાં આંખોને એક પ્રકારનું જે ખુલ્લાપણું અનુભવવાની તક મળી, તે એક સરસ ઘટના છે.
અહીંના પ્લાનમાં એમ જણાય છે કે મોકળાશને વધારે મહત્ત્વ અપાયું છે. છતના આવા ઉપયોગથી જાણે મોકળાશની પ્રતીતિ વધુ દ્રઢ બને છે. .
પરંપરાગત શૈલી જળવાઈ રહે છે. નવી જરૂરિયાતોનો સમાવેશ થઈ જાય છે. પર્યાવરણને હાનિ નથી પહોંચતી. સંજોગોનો મહત્તમ ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. સંસ્થાકીય મકાન હોવા છતાં રહેણાક જેવા પ્રમાણમાપ થકી રચના હલકી ફુલકી લાગે છે.
માનવીને કેન્દ્રમાં રાખી પ્રમાણમાપ સ્થાપિત કરાયું છે. લાકડાના અસરકારક ઉપયોગથી સ્થાનિક ભાવના જાગ્રત થતી જણાય છે. બાંધકામને વિગતિકરણથી મુક્ત રાખી બિનજરૂરી બાબતોનો જાણે છેદ ઉડાડી દેવાયો છે.
આ અને આવી બાબતોથી આ મકાનના સ્થપતિ અને માલિક, બંને ગૌરાન્વિતતા અનુભવતા હશે.
આ પ્રકારની સ્થાપત્ય રચનાથી જમીન પરનું બાંધકામ ઓછું રહે – જમીન બાંધકામ મુક્ત રહે. પર્યાવરણ માટે આ બહુ જરૂરી છે. હાલના સમયે શહેરી વિસ્તારમાં જ્યાં જાણે પ્રત્યેક ઈંચ ઉપર બાંધકામ કરી
દેવાની ઘેલછા જણાય છે ત્યાં આ પ્રકારની રચના નવી દિશા સૂચવે છે અને નવી આશા જન્માવે છે.
બીજી સમજવાની વાત એ છે કે, ઘણીવાર એમ માનવામાં આવે છે કે સ્થપતિની ક્ષમતા મોટા પ્રોજેક્ટમાં જ વ્યક્ત થાય. આ રચના આ માન્યતાનો પણ છેદ ઉડાડી દે છે.