Gujarat Weather: પરેશ ગોસ્વામીએ ઠંડી વચ્ચે કરી માવઠાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી પડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે, ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી માવઠું થઈ શકે છે. જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે. 25 થી 27 ડિસેમ્બર વચ્ચે માવઠું થઈ શકે છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ આ માવઠાનું કારણ બનશે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે. તો અન્ય જિલ્લાઓને પણ તેની અસર થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી, જુઓ વીડિયો…
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે, તેમાં રાજ્યના અનેક વિસ્તારોના હવામાનમાં પલટો આવશે, અને અનેક જગ્યાઓએ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને 25 થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા વધારે છે. આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદભવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ ઉપરાંત એક મજબૂત વરસાદી સિસ્ટમ ઉદભવી છે. આ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat માં ઠંડીને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી, જૂઓ Video
25, 26 અને 27 ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું થશે. માવઠાના વરસાદની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાના વરસાદની શક્યતા છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરાસદ આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા નથી. પરંતુ છુટાછવાયો વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે.