ગુજરાતમાં રમતગમતના કાયમી કોચની 80 જગ્યાઓ ખાલી, એક દાયકાથી નથી થઈ કોઈ ભરતી
અમદાવાદઃ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત પણ થઇ ગઇ છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ રમતો માટેના કોચની ભરતી કરવામાં આવી નથી. વડોદરામાં 14 કોચ સહિત સમગ્ર ગુજરાતમાં 132 કાયમી કોચ અને 140 કોચ કોન્ટ્રાક્ટ હેઠળ છે. ખેલમહાકુંભની શરૂઆત પહેલાં જ રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક માટે કેવી રીતે તૈયાર થશે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
1000 કોચની ભરતીનો ઠરાવ કર્યો હતો પણ…
ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓની શરૂઆત કર્યા બાદ વર્ષ 2016-17માં એક હજાર કોચની ભરતી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ, સરકાર દ્વારા આજદિન સુધી આ ઠરાવનો અમલ કરવામાં આવ્યો નથી. 132 માંથી 45 કોચના પ્રમોશન જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકેના ડ્યુ છે, એટલે 132 માંથી એ 45ની જગ્યા પણ આવનાર સમયમાં ખાલી પડશે.
ગુજરાતના ખેલાડીઓ વિવિધ રમતોમાં કરી રહ્યા છે શાનદાર દેખાવ
રાજ્યમાં વિવિધ રમતોના મળી 132 કોચ છે, જે પૈકી 19 કોચને ભરતી થવા માટે હાઇકોર્ટમાં લાંબી લડત આપવી પડી હતી. હાલના કોચને સરકાર દ્વારા મળવાપાત્ર લાભો જેવા કે પી.એફ, મેડિકલ, એલટીસી, ઉચ્ચતર પગાર, સાતમુ પગાર પંચ તેમજ વીમા જેવા લાભોથી વંચિત છે. આ કોચ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગુજરાતના ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. પાછલા 10 વર્ષમાં 473 ખેલાડીઓએ નેશનલમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામાએ એક મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં 132 કાયમી કોચ છે અને આઉટ સોર્સીગ દ્વારા લેવામાં આવેલા 140 કોચ છે. દરેક જિલ્લા સ્કૂલમાં 1 કોચ અને 1 ટ્રેનર મુકવામાં આવેલા છે. હાલમાં 80 કોચની જગ્યા ખાલી છે. જે આગામી દિવસોમાં સીધી ભરતી કરાશે અને બાકીના કોચ અને ટ્રેનરની આઉટ સોર્સીગથી ભરતી કરાશે.