મેટિની

રમત શૂન ચોકડીની શું વાત કરો છો? તમે એ ફ્લૉપ નાટક પર જુગાર રમવા માગો છો?

તખ્તાની પેલે પાર -વિપુલ વિઠ્ઠલાણી

ડાબેથી: રાજેન્દ્ર બુટાલા, શીલા બુટાલા, ટીના મુનીમ (અંબાણી), શૈલેષ દવે, સરિતા જોશી, રાજેશ ખન્ના, હોમી વાડિયા. (ફોટો સૌજન્ય: રાજેન્દ્ર બુટાલા)

ગયાં અઠવાડિયે વાત થઈ નાટક ‘૨૩ કલાક ૫૨ મિનિટ’ની તો યાદ આવ્યું ૧૯૮૦ની સાલમાં શૈલેષ દવે જ લિખિત-દિગ્દર્શિત-અભિનીત અને રાજેન્દ્ર બુટાલા નિર્મિત એક યાદગાર નાટક ‘રમત શૂન ચોકડીની’. શૈલેષ દવે અને રાજેન્દ્ર બુટાલાએ આ નાટક પહેલા પણ ગુજરાતી રંગભૂમિનું એ જમાનાનું ‘શોલે’ કહી શકાય એવું એક મલ્ટી-સ્ટારર નાટક બનાવ્યું હતું, ‘ચિતરેલા સૂરજ’. જેમાં કલાકારો હતાં શૈલેષ દવે, દીપક ઘીવાલા, અરવિંદ રાઠોડ, તારક મહેતા, દિના પાઠક, પદ્મારાણી, રાગિણી શાહ. રાગિણીબેનનું એ પહેલું નાટક, પણ આજે વાત કરીએ ‘રમત શૂન ચોકડીની’.

ગિરગામ ચોપાટી નજીક સુખસાગર હોટલની સામેના મકાનમાં પાંચમા માળે બુટાલાસાહેબ વર્ષોથી આજે પણ એ જ આલીશાન ઘરમાં રહે છે. એ જમાનામાં લિફ્ટ હતી નહીં છતાં એક દિવસ શૈલેષભાઈ પાંચ માળ ચઢીને પહોંચી ગયા એમનાં ઘરે. બુટાલાસાહેબની આગતાસ્વાગતા માણ્યા બાદ શૈલેષભાઈએ કહ્યું, આપણે એક નવું નાટક બનાવીએ? મારી પાસે એક વાર્તા… તેઓ આગળ હજુ કશું બોલે એ પહેલા બુટાલાસાહેબે કહ્યું, નવું શું કામ? થોડાક મહિનાઓ પહેલા તમારાં જ બનાવેલા નાટક ‘સંઘર્ષ’ને આપણે ફરી બનાવીએ. શૈલેષભાઈ શૂન્યમનસ્ક થઈ એમને જોતા જ રહ્યા. થોડી ક્ષણો બાદ દવેસાહેબે કહ્યું, એ નાટક તો લોકોએ સ્વીકાર્યું નહોતું અને માત્ર ત્રણ જ શોમાં બંધ થઈ ગયેલું, તેમ છતાં તમે… બુટાલાસાહેબે એમની વાત વચ્ચેથી જ કાપતાં કહ્યું, હા… કારણ કે મેં નાટક જોયું હતું અને એની વાર્તા ખૂબ જ સરસ છે. પણ બીજા અંકમાં (એ જમાનામાં ત્રિઅંકી નાટકો ભજવાતાં) નીલા પંડ્યા કાખઘોડી લઈને પ્રવેશે છે એ પછી નાટકની પકડ ઢીલી પડી જાય છે. જોકે એમાં નીલા પંડ્યાનો વાંક નથી, એની જગ્યાએ બીજી કોઈ અભિનેત્રી હોત તો પણ એવું જ થાત. હું તો એનાં પાત્રની વાત કરું છું. ત્યાંથી જો તમે નાટક નવેસરથી લખો અને બનાવો તો નાટકમાં કોઈ વાંધો નહીં આવે. અને હા… નાટકમાં તમારી સાથે બે નોકરોનું સુંદર પાત્ર ભજવતા બે કિરણો, કિરણ પુરોહિત (જે વર્ષોથી ઇંગ્લેન્ડ સ્થાયી છે) અને કિરણ ભટ્ટ કાયમ રહેશે, બાકીની આખી ટીમ હું નવી બનાવી આપીશ. દવેસાહેબને થયું નાટકમાં તોતિંગ ફેરફારો તો સમજાયું પણ ટીમ પણ નવી? અને લોકોએ એ પણ ના સ્વીકાર્યું તો? એમણે ના પાડવા માટે બુટાલાસાહેબ તરફ જોયું અને હા પાડતા ‘સંઘર્ષ’ને નવો ઓપ આપવાની તૈયારી દાખવી. ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાનો નિર્ણય બદલવાનું કારણ હતું બુટાલાસાહેબની આંખોમાં એમને દેખાયેલો વિશ્ર્વાસ. એમને વિચાર આવ્યો કે મહામહેનતે બનાવેલું નાટક નિષ્ફળ ગયું હોય અને આ ભડનો દીકરો એને નવું રૂપ આપીને ફરી ઊભું કરવા તૈયાર હોય તો પ્રયત્ન કરવો જ જોઈએ.

એક તરફ નાટક નવેસરથી લખાવાનું શરૂ થયું અને બીજી તરફ કલાકારો શોધવાનું. નવી ટીમમાં પહેલવહેલો પ્રવેશ થયો સદાબહાર અને લોકલાડીલા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા ઉર્ફે ગુજ્જુભાઈનો. ત્યારબાદ વિલનનાં પાત્ર માટે બુટાલાસાહેબનાં મગજમાં એક ચહેરો ફરી રહ્યો હતો પણ એ કલાકારનું નામ તેઓ જાણતા નહોતા. એમણે દવેસાહેબને કહ્યું, હું જ્યારે પૃથ્વી થિયેટરમાં નાટક જોવા જાઉં છું ત્યારે બહાર કૅફેટેરિયામાં એક માણસ બેઠો હોય છે. જેનું નાક હિન્દી ફિલ્મોના જાણીતા ખલનાયક પ્રાણસાહેબ જેવું છે અને હાથમાં સિગારેટ પણ એમની જેમ જ રાખીને ફૂંકે છે. તે આપણાં નાટકમાં વિલનનાં પાત્ર માટે યોગ્ય રહેશે.

દવેસાહેબ મુંઝાયા. આવા વર્ણન પરથી એ માણસને શોધવો કેવી રીતે? એમની મૂંઝવણ દૂર કરવા એક દિવસ બુટાલાસાહેબે શૈલેષભાઈને ચોપાટીની બરાબર સામે આવેલી ક્રિસ્ટલ હોટલ (જે આજે પણ ત્યાં અસ્તિત્વ ધરાવે છે) પાસે બોલાવ્યા. એ જમાનામાં એમની પાસે ગાડી હતી નહીં એટલે બન્ને જણ ટેક્સીમાં બેસી ઊપડી ગયા જુહુ, પૃથ્વી થિયેટર. ત્યાં જઈ કૅફેટેરિયામાં હજુ તો પ્રવેશ્યા ત્યાં જ એમના કાને એક અવાજ પડ્યો, હાય દવે… બન્નેએ એ તરફ જોયું અને બુટાલાસાહેબના મોઢામાંથી નીકળી ગયું, આ જ… આ જ… છે એ… આપણાં નાટકનો વિલન. અને એ વ્યક્તિ, એ વિલન એટલે હોમી વાડિયા! બન્નેએ હોમીભાઈ સામે વિલનનાં પાત્ર માટે પ્રસ્તાવ મૂક્યો. હોમીભાઈ એના પછીના જ દિવસે અરુંધતી રાવ સાથે એક પ્રોજેક્ટ માટે બૅંગલોર જવાના હતા અને પછી ત્યાં જ કાયમી વસવાટ કરવાનું વિચારતા હતા, પણ આ પ્રસ્તાવ પછી તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. હોમીભાઈ આજની તારીખમાં પણ કહે છે કે જો આ નાટક એમને ઑફર ના થયું હોત તો આજે તેઓ મુંબઈમાં ન હોત. ટૂંકમાં બુટાલાસાહેબ અને દવેસાહેબ જો ચોવીસ કલાક મોડા ગયા હોત તો ત્યારબાદ અને આજ સુધી ગુજરાતી રંગભૂમિને એકથી એક સુપરહિટ અને યાદગાર નાટકો આપનાર સ્ટાઇલિશ અભિનેતા હોમી વાડિયાના કસબથી આપણે વંચિત રહી ગયા હોત.

આમ એક પછી એક ધરખમ કાસ્ટિંગ થયા બાદ એક મોટો પ્રશ્ર્ન સામે આવીને ઊભો રહ્યો કે હીરોઈન કોણ? બન્નેના મગજમાં ત્રણ-ચાર નામ આવ્યાં, પણ ખાસ કઈં ગળે ના ઊતર્યા. એવામાં એક રવિવારે સવારે બુટાલાસાહેબે છાપું ખોલ્યું અને જાહેરખબર વાંચી, આઈ.એન.ટી.નું નવું નાટક-કુરુક્ષેત્ર. કલાકારો રક્ષા દેસાઇ, ટીકુ તલસાણિયા, જતીન કાણકિયા અને બીજાં અમુક નામો. એ વખતમાં આઈ.એન.ટી.નું નામ ખૂબ મોટું. અને એમાંય જો આઈ.એન.ટી.નું નાટક બહારગામ જાય તો દોઢ-બે મહિનાની ટૂર તો સહેજે કરે જ. બુટાલાસાહેબનાં મગજમાં ચમકારો થયો કે, કુરુક્ષેત્ર નાટકમાં હીરોઈન જો રક્ષા દેસાઇ હોય તો એનો મતલબ એ થયો કે બેન ફ્રી છે. બેન એટલે બીજું કોઈ નહીં પણ વર્ષોથી ગુજરાતી તખ્તા પર અને લોકોના દિલમાં એકચક્રી શાસન કરતાં અભિનયનાં મહારાણી સરિતા જોશી. બુટાલાસાહેબે કશું પણ વિચાર્યા વગર સીધો ફોન જોડ્યો બેનને અને મળવાનું નક્કી કરી પહોંચી ગયા એમનાં ઘરે.

એ વખતે બેન નેપીએન્સી રોડ પર પાલ્મ-બીચ સ્કૂલની સામેનાં મકાનમાં રહેતાં. આવ-ભગત કરતાં બેને ચ્હાનું પૂછ્યું તો બુટાલાસાહેબે સ્મિત આપતાં કહ્યું, એ પછી, પહેલા જે કામ માટે આવ્યો છું એ કહું. આટલું બોલી એમણે બેનની સામે નાટકનો પ્રસ્તાવ મૂક્યો. બેને કહ્યું, પણ હું ક્યાં આઈ.એન.ટી.ની બહાર નાટક કરું છું. બુટાલાસાહેબે કહ્યું, બેન, આઈ.એન.ટી.નાં નવાં નાટકમાં તમે છો નહીં, એટલે લગભગ છ મહીના તો તમે ફ્રી જ છો. અને પ્રવીણભાઈ ક્યાં તમને કહીને ગયા છે કે તમારે આઈ.એન.ટી.ની બહાર નાટકો નહીં કરવાના! બેને નાટક વિશે પૂછ્યું તો નાટકનું નામ સાંભળીને તેઓ હબક ખાઈ ગયાં. બેને કહ્યું, શું વાત કરો છો? ‘સંઘર્ષ’ નાટક તો ત્રણ જ શોમાં બંધ થઈ ગયેલું. તમે એ ફ્લૉપ નાટક પર જુગાર રમવા માગો છો? બુટાલાસાહેબે કહ્યું, મને દવે અને વિષય, બન્ને પર વિશ્ર્વાસ છે. બધું નવેસરથી બની રહ્યું છે. બસ, તમે હા પાડો એટલી જ વાર. કરીએ શ્રીગણેશ.

બેન હજુ પણ વિચારી રહ્યાં હતાં. બુટાલાસાહેબને પરિસ્થિતિની ભાળ જાણે કે પહેલેથી જ હોય એમ તેઓ માનસિક તૈયારી સાથે જ ગયા હતા. બેન વિચારવાનો સમય માગે એવું જોખમ તેઓ લેવા નહોતા માગતા. એટલે તેમણે તુરંત જ બાજુમાં પડેલી બૅગ બેનની સામે મૂકતાં કહ્યું, આ બૅગમાં તમારા પચાસ શોના કવર છે. એડવાન્સ! અને એ પણ તમને હમણાં મળે છે એનાં કરતાં ડબલ. જો નાટક એક જ શો ચાલ્યું તો બાકીનાં બધાં જ કવર તમારાં. તમારે મને એક પણ રૂપિયો પાછો નહીં આપવાનો. અને જો નાટક ચાલી પડ્યું તો મારે તમને એકાવનમાં શોથી કવર આપવાનું. હવે જો આપની હા હોય તો બૅગ લઈને અંદર મુકી દો અને મને ચ્હા પીવડાવો. ઘરમાં સોંપો પડી ગયો. બેનને થયું, બુટાલા આટલું મોટું રિસ્ક લેવા તૈયાર છે તો વાતમાં કઇંક તો હશે જ. ત્રણ-સતત પોણા બે મહિના સુધી દર રવિવારે બપોરે સૉફિયા ઑડિટોરિયમમાં ભજવાયું હતું. અને નાટકની તાકાત તો જુઓ, એ તમામેતમામ ૧૧ શો હાઉસફુલ ગયા હતા. વાંચકોમાંથી પોણા ભાગનાને તો ખબર પણ નહીં હોય કે બ્રીચ કેન્ડી ખાતે સૉફિયા કોલેજના ઑડિટોરિયમમાં નાટકો ભજવાતા.

ઉપરોક્ત માહિતીઓ ગુજરાતી રંગભૂમિના જાણીતા અને વરિષ્ઠ નિર્માતા રાજેન્દ્ર બુટાલા સાથે વાતો કરતાં જાણવા મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button