પાટણ બાદ હિંમતનગરમાં બાળ તસ્કરીનો મામલોઃ પરિવારે કોર્ટમાં કરવી પડી અપીલ
સાબરકાંઠાઃ ગુજરાતમાં ગુનાખોરીના સતત વધતા જતા કેસ ચિંતા જગાવનારા છે. થોડા જ દિવસો પહેલા પાટણમાં બાળ તસ્કરીના મામલા બહાર આવ્યા હતા ત્યારે હવે આવા એક કેસમાં હિંમતનગરના એક પરિવારે કોર્ટમાં જવું પડ્યું હતું અને કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતા એક માણસ પાસેથી રૂ. 60 હજાર વ્યાજે લીધા હતા. જેમાં નિયમ મુજબ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજ દેનારો તેમના ઘરે આવી તેમને ધમકી આપી ગયો હતો અને મારામારી કરી હતી.
ત્યારબાદ કોરા કાગળમાં અંગૂઠા કરાવી તેમની દિકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને તેનો રૂ. ત્રણ લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હતી.
આ પણ વાંચો…અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં બે ને ઈજાઃ આ કારણ હોવાની શક્યતા
આ અંગે પરિવારે કોર્ટનો આશરો લેતાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા એક બાળ તસ્કરીની ઘટના પાટણ જિલ્લામાં બની હતી જેમાં પાટણમાં નકલી ડોક્ટરે નિં:સંતાન દંપતિને બાળક 1.20 લાખમાં વેંચી દીધુ હતું. પરંતુ બાળક બીમાર પડતા દંપતિએ બાળકને પરત કરી દીધુ હતું. ત્યારબાદ નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે તે બાળકને બિનવારસી હાલતમાં ફેંકી દીધું હતું. આરોપીઓની કડક પૂછપરછ કરતા અન્ય બાળક પણ દાટી દીધું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.