ક્રેડિટ કાર્ડ યુઝર્સને SCનો ઝટકો, જો સમયસર બિલ નહીં ચૂકવે તો હવે વધુ બિલ ચૂકવવું પડશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)ના 2008ના નિર્ણય પર રોક લગાવી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે જે ગ્રાહકો સમયસર તેમના ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરતા નથી તેમને વધુ વ્યાજ ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા મોટી બેંકોની અરજી સ્વીકારી લીધી હતી. જસ્ટિસ બેલા ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, સિટી બેંક, એચએસબીસી જેવી બેંકોની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો અને NCDRCના નિર્ણય પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે 2008માં NCDRCએ મહત્વનો નિર્ણય લીધો હતો. આ મુજબ, જો ક્રેડિટ કાર્ડ ગ્રાહકોએ છેલ્લી તારીખ સુધીમાં તેમનું સંપૂર્ણ બિલ ચૂકવ્યું ન હોય, તો પણ બેંકોને 30 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ વસૂલવાની મંજૂરી નહોતી. કમિશને એમ પણ કહ્યું હતું કે ભારતમાં ડીરેગ્યુલેશન હોવા છતાં, ઘણી બેંકોનો ધિરાણ દર 10-15.50 ટકાની વચ્ચે રહે છે, તેથી 36-49 ટકા વ્યાજ વસૂલવું ખોટું છે.
Also read: RBIએ ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં કર્યો ફેરફાર,જાણો વિગતો
એનસીડીઆરસીએ ચુકાદો આપ્યો હતો કે આવા ઊંચા વ્યાજ દરો વસૂલવા એ “અન્યાયી વેપારી પ્રેક્ટિસ” છે કારણ કે, ગ્રાહક પાસે ક્રેડિટ કાર્ડની સુવિધા નહી સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. પોતાનો નિર્ણય આપતી વખતે NCDRCએ કહ્યું હતું કે તેમણે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ક્રેડિટ કાર્ડ પરના વ્યાજ દરોનો પણ અભ્યાસ કર્યો છે. તેમને જાણવા મળ્યું હતું કે આ દેશોમાં વ્યાજ દર 9.99 ટકાથી 17.99 ટકાની વચ્ચે છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયામાં આ દર 18 થી 24 ટકા વચ્ચે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે જે યુઝર્સ સમયસર તેમના ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી નથી કરતા તેમને 30 ટકાથી વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે.