કેરોલિના રીપર પ્રકરણ-૨૯
સર, આખા મુરુડમાં ભાગ્યે જ કોઈ એનડીને ઓળખે છે!
પ્રફુલ શાહ
બત્રાએ ગોડબોલેને કહ્યું, “બાદશાહે ઈમામને વિનંતી કરી કે મારા સ્વજનની રૂહની શાંતિ માટે દુઆ કરજો
એટીએસનો ‘પ્રોડ્યુસર મનમોહન’ને સતત લાગતું હતું કે પોતે સતત કંઈક મિસ કરી રહ્યો છે. સોલોમન માટેની ખૂબ સાધારણ છતાં અત્યંત મહત્ત્વની માહિતી તરફ કદાચ પોતે ધ્યાન આપી શક્યો નથી. એ દ્રઢપણે માનતા કે નાની અમથી માહિતી જ બહુ મોટા પર્દાફાશના મૂળમાં હોય છે. તેઓ ફરી સોનગિરવાડી પહોંચી ગયા. એનું મન કહેતું હતું કે જે માણસ જ્યાં રહેતો હોય ત્યાં એના વિશે ઘણું-ઘણું મળવું જ જોઈએ. પણ હજી એ બધું ખોદી કાઢવામાં પોતે સફળ થયો નથી તેણે નક્કી કર્યું કે પેપરથી લઈને સોશ્યલ ફુટ પ્રિન્ટમાં ક્યાંક કંઈકને કંઈક હોવું જ જોઈએ.
‘પ્રોડ્યુસર મનમોહન પહોંચી ગયા પીટર આલ્વાકેરીઅને મળવા તેને બારની બહાર બોલાવ્યા. પીટર માલિક સામે જોઈ રહ્યો. ‘પ્રોડ્યુસર મનમોહન બોલ્યા, “એવું હોય તો એનો આજનો પગાર કાપી લે જે. હું ચુકવી દઈશ તેને.’
માલિક એકદમ છોભીલો પડી ગયો. “નો નો પ્રોબ્લેમ સર. લઈ જાવ એનો પગાર કાપવાની ક્યાં જરૂર છે?
“પ્રોડ્યુસર મનમોહન અને પીટર ગામમાં ટહેલવા માંડ્યા. “અચ્છા પીટર તું સોલોમન વિશે જે કંઈ જાણે છે એ બધું મને કહેવા માંડ. એકદમ નાની-નાની વાત પણ…
“સર, હું જે કંઈ જાણતો હતો એ બધું તો તમને કહી દીધું મે.
“એમ નહિ… તને નહિ સમજાય. અચ્છા એ કહે કે સોલોમન દારૂ પીતો હતો?
“ના, અમારા બારમાં તો ક્યારેય નથી આવ્યો.
“અચ્છા, તો એને ચર્ચમાં જોયો છે?
પીટર હસી પડ્યો, “ગામમાં ચર્ચ જ ક્યાં છે કે હું એને જોઉં?
‘ઓહ’ સાથે ‘પ્રોડ્યુસર મનમોહન’ દાઢી ખંજવાળવા માંડ્યો. “એ ક્રિસમસ કેવી રીતે ઉજવતો હતો? ક્યાં ઉજવતો હતો?
“મેં એને ક્યારેય ક્રિસમસ સેલીબ્રેટ કરતા જોયો નથી…
“અને ન્યુ યર
“ના રે ના. ઉલ્ટાનું એકવાર મેં એને ‘હેપ્પી ન્યુ યર’ વીશ કર્યું તો મારા પર ખૂબ ભડકી ગયો હતો.
“એટલે? શું કર્યું ભડકીને?
“મને આવું વીશબીશ કરવાનું નહિ, એમ બોલીને ગુસ્સો કર્યો હતો.
“એને કેક ભાવતી હતી?
“મને ખબર નથી.
“અચ્છા એ ઈસ્ટરની ઉજવણી કરતો હતો?
“ના રે ના.
“એના ગળામાં ક્રોસનું પેન્ડન્ટ જોયું ક્યારેય?
“ના, ના.
“એને ક્યારેય ગૉડ, જિસસ કે મધર મેરી જેવા શબ્દો બોલતા સાંભળ્યો?
“ક્યારેય નહિ.
“એ ગામમાં કામકાજ શું કરતો હતો?
“મેં એને કંઈ બનાવતા કે વેચતા કે નોકરી કરતા જોયો નથી. હા, આડાઅવળે સમયે આવજા કરતો ઘણીવાર જોયો છે. સર, જવા દો ને એની વાતો હું તો કંટાળ્યો હવે હું જાઉં પાછો?
‘પ્રોડ્યુસર મનમોહન’ હસ્યા અને ગજવામાંથી રૂા. ૧૦૦ની નોટ કાઢીને એના હાથમાં મૂકી દીધી. “થેન્ક યુ વેરી મચ પીટર. પીટર આલ્વારીસ બાર તરફ દોડવા માંડ્યો. ‘પ્રોડ્યુસર મનમોહન’ને શાંતિ થઈ કે આજે સોલોમન વિશે થોડીઘણી માહિતી મળી ખરી. વધુ કંઈક મળે તો પૂછવા માટે નવા માણસને શોધવા એ આગળ ચાલવા માંડ્યો. “સોલોમન… ગૉડ પ્રોમિસ હમ સચ બોલા હૈ, હમ કો તુમ સે…
મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલેને એટીએસના પરમવીર બત્રાનું વર્તન કંઈક વિચિત્ર લાગ્યું. એકદમ સ્ટ્રૉંગ, સખત અને આકરા એટીએસ ઑફિસરની વૃંદા સ્વામીની કલ્પના હવામાં ઊડી ગઈ. થોડીકવારમાં બત્રા સહજ થઈ ગયા. “પ્લીઝ કમ ઈન. સીટ… સીટ ડાઉન, પ્લીઝ.
ગોડબોલેને નવાઈ લાગી કે આ ભાષા, આ શબ્દો બત્રા સાહેબના છે પણ કંઈ બોલ્યા વગર તેઓ બેસી ગયા. બાજુની ખુરશીમાં વૃંદા સ્વામી ગોઠવાઈ ગઈ. બત્રા બેસી ગયા પણ ચહેરા પર કંઈક અજબ ભાવ હતા. ગોડબોલેએ ઓળખાણ કરાવી, “સર, આ વૃંદા સ્વામી, અમારા પોલીસ સ્ટેશનની નવી અને તેજસ્વી સબ-ઈન્સ્પેકટર.
“વૃંદા કે ચંદ્રા?
ગોડબોલેના મોઢામાંથી નીકળી ગયું. “વ્હોટ સર? વૃંદા પણ સહેજ આશ્ર્ચર્યચકિત થઈ ગઈ.
“આઈ મીન આનું નામ ચંદ્રા સ્વામી નથી? કે નામ બદલ્યું છે?
ગોડબોલેને સમજાયું નહિ કે શું બોલવું? વૃંદા હળવેકથી બોલી, “ચંદ્રા મારી ટ્વીન સિસ્ટર હતી.
ગોડબોલેને નવાઈ લાગી તો બત્રા તો વૃંદાને જોઈ જ રહ્યા. “રિઅલી? એકદમ સેમ ટુ સેમ..
“હા, સર, મેં કીધું ને કે જોડિયા બહેન હતી એ મારી, વૃંદાએ બિનજરૂરી ખુલાસો કરવો પડ્યો. એ પરમવીર બત્રા કંઈક સ્વસ્થ અને સાવધાન થઈ ગયા. ઓહ આઈ સી, આઈ સી. નાઈસ ટુ સી યુ.
“સર, આપ ચંદ્રાદીદીને કેવી રીતે ઓળખો?
“ઓળખાણ તો ખાસ નહોતી. અમે એક જ કોલેજમાં હતા. હું લાસ્ટ યરમાં હતો ત્યારે ચંદ્રા ફર્સ્ટ યરમાં હતી. અલપજલપ જોઈ હશે. બાય ધે, ચંદ્રા એટલે કે તમારી બહેન કેમ છે?
” એકદમ મજામાં, અમેરિકા ભણવા ગઈ અને ત્યાં જ પરણી ગઈ. ફોન આવશે તો આપની યાદી આપીશ.
“ઓહ. હળવો નિસાસો નીકળી ગયો બત્રાના મોઢામાંથી એકદમ સ્વસ્થ થઈને બોલ્યો, “તમે શું લેશો વૃંદા?
“નથીંગ, થેન્ક યુ સર.
“અરે, એમ કંઈ ચાલે? બત્રાએ બેલ મારીને પ્યુનને બોલાવ્યો, “એક ચા, એક લસ્સી, એક મીઠી કૉફી ઔર એકદમ તીખ્ખી સેવપૂરી લાઓ.
ગોડબોલે જોતો જ રહ્યો. વૃંદા કંઈક બોલવા ગઈ પણ પછી ચૂપ રહી. પ્રશાંત ગોડબોલેએ કામની વાત શરૂ કરી. “સર, આખા મુરુડમાં ભાગ્યે જ કોઈક એનડીને ઓળખે છે. નથી એનો કોઈ દોસ્ત કે નથી કોઈ ફેવરિટ જોઈન્ટ, હોટેલ કે પાનનો ગલ્લાવાળો કે ચાનો સ્ટૉલ…
ગોડબોલેએ ગુજરાત એટીએસ તરફથી આવેલો એનડીનો જૂનો ફોટો બતાવ્યો. “થોડા વર્ષ પહેલા એ ગુજરાતના હિમ્મતનગરમાં દેખાયો હતો. વધુ માહિતી મંગાવી છે.
‘સર, આસિફ શેઠ કે બાદશાહ વિશે કઈ વધુ બહાર આવ્યું?
“આસિફ શેઠનો દેશ-વિદેશમાં ધંધાનો પથારો ખૂબ મોટો છે. મોટાભાગના કામકાજ ગલ્ફ દેશોમાં છે. વચ્ચે બાદશાહ ભેદી રીતે હોટેલમાંથી ગાયબ થઈ ગયો હતો. આસિફ શેઠને પણ કંઈ કહ્યાં વગર. ખૂબ તપાસમાં ખબર પડી કે એ દૂરના ગામની કોઈ મસ્જિદના ઈમામને મળ્યો હતો.
“પણ એમાં કીધા વગર જવાની શું જરૂર? સરપ્રાઈઝિંગ.
“એનાથી આશ્ર્ચર્યજનક એ છે કે તેણે ઈમામને વિનંતી કરી કે મારા સ્વજનના મૃત્યુ બાદ તેની રૂહને શાંતિ મળે એમ દુઆ કરજો.
“વ્હોટ? એનું કોણ ગુજરી ગયું છે?
“કદાચ ફોન આવ્યો હોય અને જાણકારી મળી હોય… આપણને કંઈ ખબર નથી. તેણે ઈમામને પણ મરનારનું નામ આપ્યું નહોતું.
“સર, એને કસ્ટડીમાં લઈને આકરી પૂછપરછ કરવાનો સમય થઈ ગયો લાગે છે.
“એ તો અબઘડી કરી શકાય. પરંતુ તેનો બ્લાસ્ટ સાથે સંબંધ હોય તો મુશ્કેલી ઊભી થઈ જાય પછી એની હિલચાલ પર નજર ન રાખી શકાય. એ સાવધાન થઈ જાય. એના સાથીદારો ચેતી જાય. આ તો બધુ ઈફ ઍન્ડ બટ છે પણ જો હવે સતત અમારા રડાર હેઠળ જ રહેવાનો.
પછી બ્લાસ્ટસ વિશેની ઘણી વાતો થઈ. મોટાભાગની માહિતી બન્નેએ ટેલી કરી. દશેક મિનિટમાં કોન્સ્ટેબલ અને હોટેલનો છોકરો ચા-નાસ્તાની ડિશ લઈને આવ્યો. બત્રાએ ચા પોતે લીધી, લસ્સી ગોડબોલેને આપી અને કૉફી-સેવપૂરી હસીને વૃંદા સ્વામીને આપ્યા.
વૃંદાને આશ્ર્ચર્ય થયું, “સર, સૉરી પણ હું ક્યારેય કૉફી પીતી નથી, ને સેવપૂરી જરાય ભાવતી નથી. બાય ધ વે, આ બન્ને ચંદ્રાની ફેવરિટ આઈટમ હો… એમાંય સેવપૂરીમાં તીખીતમતમતી ચટણી નાખતી જાય, ખાતી જાય અને ઉપર પાણી પીતી જ જાય…
વૃંદા સતત ચંદ્રા વિશે બોલતી રહી બત્રા એને રસપૂર્વક સાંભળતા રહ્યા અને ગોડબોલે વારાફરતી બન્નેને જોતા રહ્યા. બીજું કરી પણ શું શકે બિચારા?
ગુજરાત એટીએસના દિવ્યકુમાર રાજપૂત જાણતા હતા કે એમનો જૂનો અને પ્રિય દોસ્ત પરમવીર બત્રા તાજેતરના મુરુડ બ્લાસ્ટસ કેસની તપાસમાં ગળાડૂબ હતો. એ માટે જ તેણે એનડીની વધુમાં વધુ માહિતી જોઈતી હતી. બત્રાને મોકલેલા એનડીના જૂના ફોટા પરથી સાબિત થતું હતું કે ભૂતકાળમાં એ ગુજરાત આવ્યો હતો અને હિમ્મતનગરમાં રહ્યો હતો કાં ત્યાંથી અવરજવર કરી હતી.
પણ એ ફોટો એનડીએ ટેલિગ્રામ પરના એક ગ્રુપમાં શા માટે મૂક્યો? કોના માટે મૂક્યો? બત્રાને ભલે એનડીની માહિતી જ જોઈતી હતી પણ એ ગુજરાત આવ્યો શા માટે હશે? જો આતંકવાદીઓની કોઈ સ્લીપર સેલનો સભ્ય હશે કે કોઈ સ્લીપર સેલને એક્ટિવેટ કરવા આવ્યો હશે? અત્યારે એનડીનું નામ સિરિયલ બ્લાસ્ટ્સ કેસમાં ઉછળ્યું જ છે તો હવે એની વધુ ને વધુ ખણખોદ કરવી જ રહી.
રાજપૂતે પોતાના સાયબર સેલના ફ્રેન્ડ કમ અધિકારીને ઓર્ડર કર્યો કે આ એનડીનો ફોટો આપણને ક્યારે અને ક્યા ગ્રૂપમાંથી આવ્યો? એ ગ્રૂપમાં બીજું કોણ-કોણ હતું? વધુ કંઈ ફોટા કે માહિતી મળી છે ખરી? એ ગ્રૂપની પ્રવૃત્તિ એના સભ્યોની હિલચાલ, એમના પરની શંકા, એમના સાથીઓ, કોન્ટેક્ટ, ચકાસાયેલી માહિતી અને અફવાઓ જે મળે એ બધાનો એકદમ સવિસ્તાર રિપોર્ટ મને જોઈએ છે એક કલાકમાં.
સામેથી એકદમ લાગણીહિન અવાજમાં જવાબ મળ્યો: એક દિવસ લાગશે આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. રાજપૂત વિચારે ચડી ગયા કે રિપોર્ટ ત્રણ કલાકમાં મળી જશે, ત્યાં સુધી એટીએસના માહિતી ભંડારમાં જ ખાંખાખોળા કરવામાં ખોટું શું છે?… (ક્રમશ:)