સંસદમાં ધક્કા મુક્કીનો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો; ભાજપ, કોંગ્રેસે કરી એફઆઇઆર દાખલ
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવેલું નિવેદન મોટા વિવાદનું કારણ બની ગયું છે. આ અંગે સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષના વિરોધ દરમિયાન બોલાચાલી બાદ ધક્કા મુક્કી થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. સાંસદોએ રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પણ આવા જ આક્ષેપો કર્યા હતા. બંનેએ દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ટીમ તપાસ કરશે. ભાજપના બે સાંસદોને ઈજા થવા અંગે પક્ષની ફરિયાદના આધારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ FIR કેસ ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવ્યો છે. આટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોંગ્રેસે કરેલી ફરિયાદની પણ તપાસ કરશે. રાહુલ સામેના આરોપો ગંભીર રીતે ઈજા પહોંચાડવાથી લઈને બળનો ઉપયોગ કરવા અને ધમકી આપવા સુધીના છે.
સંસદમાં ધક્કામુક્કીની ઘટના અંગે ભાજપ-કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર દિલ્હી પોલીસના ડીસીપી ક્રાઈમ સંજય કુમાર સૈને કહ્યું હતું કે આ મામલાની તપાસ માટે એસીપી રમેશ લાંબાના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે લગભગ 8 વાગ્યે કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મારામારી સાથે જોડાયેલા મામલામાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ભાજપના સાંસદો સામે એફઆઈઆર પણ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જમીન પર ધક્કો માર્યો, જેના કારણે તેમને ઘૂંટણ અને પગમાં ઈજા થઈ હતી. આ કેસ પણ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવ્યો છે.
ડીસીપી સૈને કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસે નોંધાવેલી ફરિયાદની પણ તપાસ કરશે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં સંસદ સંકુલમાં અપરાધના સ્થળનું નિરીક્ષણ કરવા સંબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી લેવામાં આવશે. તપાસ દરમિયાન દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંસદના CCTV ફૂટેજ ચકાસી શકે છે, જેમાંથી બધી માહિતી મળશે જે કેસ માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે.
Also read: સંસદનું શિયાળુ સત્ર: ગૃહમાં ભલે ધમાલ કરે પણ બહાર સબ સલામત!
ભાજપ અને કોંગ્રેસ એકબીજાના સાંસદોને ધક્કો મારવાના આરોપો લગાવી રહ્યા છે, તો બીજી તરફ આખા સંસદ સંકુલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજને સાર્વજનિક કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઇ જશે. આવી સ્થિતિમાં એવું માની શકાય છે કે સીસીટીવી ફૂટેજ સૌથી મહત્વપૂર્ણ સાબિત થવાના છે, જે સાબિત કરી શકે છે કે વિપક્ષના નેતા પર ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો કે કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરવામાં આવેલા આક્ષેપો સાચા છે.