જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં ગઈકાલે થયેલા ભીષણ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 14 થઈ છે. હજુ 30 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમનામાંથી ઘણાની સ્થિતિ નાજૂક હોવાથી મૃત્યાંક વધવાની સંભાવના છે. જયપુર અગ્નિકાંડમાં સુપ્રીમ કોર્ટે અહેવાલ માગ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે અનુક્રમે 2 અને 5 લાખના વળતરની જાહેરાત કરી છે
મૃતદેહોની ઓળખ અઘરી
જયપુરમાં થયેલા ટેન્કર બ્લાસ્ટમાં મોટાભાગના લોકો 80 ટકા કરતા વધારે દાઝી ગયા હતા. હાલમાં અહીની હૉસ્પિટલ અને શબઘરમાં ભયાનક દૃશ્યો સર્જાયા છે. 6 મૃતદેહની ઓળખ સ્વજનો પણ કરી શકે તેમ નથી. થેલીમાં સમાઈ જાય તેવી હાલત મૃતદેહોની છે.
પોતાને કામે જઈ રહેલી કૉન્સ્ટેબલ અનીતા મીણાના પતિએ પત્નીને માત્ર પગમાં પહેરેલી વીટીથી ઓલખી હતી. પતિ પોતાની પત્નીનો ચહેરો જ જોઈ શક્યો ન હતો. પતિ માનવા તૈયાર નથી અને સતત રડ્યા કરે છે. અનિતાને બે નાના સંતાન છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મૃતદેહો પોટલીમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી ઘણાની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરવી પડશે.
લોકો અગનજ્વાળાઓ સાથે અહીંતહી દોડતા હતા
આ ઘટનાના એક સાક્ષીએ જણાવ્યું હતું કેઅચાનક બ્લાસ્ટ થયો હતો અને તેનો અવાજ એટલો તો પ્રચંડ હતો કે કાનમાં થોડા સમય માટે બહેરાશ આવી ગઈ હતી. લોકોએ આગના ગોળા બની ગયા હતા અને ચીસો પાડતા આમ તેમ દોડતા હતા, પરંતુ તેમને મદદ માટે દોડવાનું પણ અમારે માટે શક્ય ન હતું. જયપુરના ભાંકરોટા વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં 15 જેટલા ઘાયલો 50 ટકાથી વધુ દાઝી ગયા છે. 41થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા છે. આસપાસના મકાનોને વ્યાપક નુકસાન થયું છે.