અગરબત્તી સળગાવવા બાબતે થયેલા વિવાદમાં મરાઠી પરિવાર પર હુમલો, આરોપી થયો સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ
કલ્યાણ: કલ્યાણમાં એક મરાઠી પરિવારનું અપમાન કરીને તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં મુજોર એમટીડીસીના અધિકારી અખિલેશ શુક્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગુરુવારે કલ્યાણના યોગીધામ વિસ્તારમાં નજીવી બાબતે વિવાદ થયા બાદ દેશમુખ પરિવારને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના પડઘા છેક વિધાનસભામાં પણ પડ્યા છે. મહારાષ્ટ્રમાં રહીને, મરાઠી લોકો સાથે દાદાગીરી, દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો એ ઘટનાની અસર શિયાળુ સત્રમાં જોવા મળી હતી.
ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ મરાઠી વ્યક્તિને માર મારવાની ઘટના બાદ મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું હતું.
વિધાનસભામાં આ મામલે ભારે ઉહાપોહ થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ ઘટનાના આરોપી અખિલેશ શુક્લા અને તેની પત્નીએ પીડિતો સાથે દલીલ કરી અને તેમની વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. શુક્લા એમટીડીસીના કર્મચારી છે. આ ઘટના બાદ કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ વૃદ્ધ મહિલાઓની સંભાળ લેશે અને મરાઠી લોકો સાથે અન્યાય થવા દેશે નહીં. પોલીસે અખિલેશ શુક્લા સામે ગુનો નોંધ્યો છે અને તેને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…અસંતુષ્ટ વિધાનસભ્યોને એકનાથ શિંદેની શ્રદ્ધા અને સબુરીની સલાહ…
હાઉસિંગ સોસાયટીમાં માંસાહારી લોકોને ઘર ન આપવાની ફરિયાદ અંગે ફડણવીસે કહ્યું હતું કે, બંધારણે દરેક વ્યક્તિને શું ખાવું છે તે પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. ખાનપાનની આદતોના આધારે કોઈને ઘર આપવાનો ઈન્કાર કરવાનો કોઈને અધિકાર નથી. આવા ભેદભાવને સાંખી લેવામાં આવશે નહીં અને આવી ફરિયાદો આવશે ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવશે.