મોરબી જિલ્લામાં 2 દિવસમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાયા
Morbi News: મોરબી જિલ્લામાં ક્લિનિક અને દવાખાનાઓમાં તપાસ કરીને પોલીસે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં. ટંકારામાંથી એક અને હળવદમાંથી પાંચ બોગસ ડોક્ટરો ઝડપાયા હતાં. ગુરૂવારે મોરબી શહેર અને તાલુકામાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા હતા. છેલ્લા 2 દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ 9 બોગસ ડોક્ટર ઝડપાયા હતાં.
51,567 રૂપિયાની ટેબ્લેટ કબજે કરવામાં આવી
પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા બહાર આવ્યું હતું કે હળવદ તાલુકામાં અલગ અલગ ગામડામાં ગુજરાત સરકાર માન્ય લાઇસન્સ કે ડિગ્રી ધરાવ્યા વગર કેટલાક બોગસ લોકો ડોક્ટર બનીને પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલી એલોપેથી દવા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સંદીપ પટેલ, વાસુદેવ પટેલ, પરિમલ બાલા, પંચાનન ધરામી અને અનુજ ધરામીને પકડી પાડવામાં આવ્યા હતાં. તેમની પાસેથી અલગ અલગ કંપનીની 51,567 રૂપિયાની ટેબ્લેટ કબજે કરવામાં આવી હતી.
આ પણ વાંચો:મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને
ટંકારા તાલુકા પોલીસે બાતમી આધારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનુ ખોલીને પ્રેક્ટિસ કરતા જે. કે. ભીમાણીને ત્યાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર એલોપેથિક દવા આપીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું. દર્દીની સારવાર કરી રહેલા જે.કે. ભીમાણી પાસે કોઈપણ ડિગ્રી ન હોવા છતાં પણ તે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ ઉપરથી ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો મળીને 1,36,486ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.