કચ્છમાં ઠંડીમાં વધારો થવાની આગાહી: નલિયામાં ૬.૪, ભુજમાં ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ભુજઃ જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ પર સ્થિર થઈ ગયો છે. ગાત્રો થીજવી દેતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં શુક્રવારે લઘુતમ ૬.૪ ડિગ્રી સેલ્સિયસ જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ૧૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર-પૂર્વ દિશાએથી પ્રતિકલાકે ૧૩ કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનોએ લોકો પર સિતમ વરસાવ્યો છે. ઠંડીએ ભર બપોરે પણ લોકોને ઘરમાં રહેવા મજબુર કર્યા છે.
ગાંધીધામ-કંડલામાં ઠંડીનું જોર આંશિક વધઘટ સાથે યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે શુક્રવારે લઘુતમ તાપમાન ૧૩ અને કંડલા પોર્ટ ખાતે ૧૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ કાશ્મીર,લેહ-લદાખ, ઉત્તરાખંડમાં થઇ રહેલી ભારે હિમ વર્ષાને કારણે સતત વધી રહેલી ઠંડીની અસર હેઠળ બપોરે પણ ઠંડક અનુભવાઈ હતી અને લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટાઈને રહેવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો:કચ્છનું નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીનો ધીમો પગપેસારો
ભુજ,નલિયા સહિતના મોટાભાગના સ્થળોએ સમીસાંજથી જ લોકો શેરી રસ્તાઓ પરથી ગાયબ થઇ ગયા છે. ઝાકળયુક્ત ઠારને કારણે શરદી-ઉધરસ અને તાવના દર્દીઓથી દવાખાનાઓ હાલ ઉભરાઈ રહ્યાં છે. સમગ્ર ઉત્તર ભારતમાં ચાલુ શિયાળામાં જાણે હિમયુગ બેઠો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે તેવામાં હવામાન ખાતાએ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.