ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ આ તારીખ પહેલા કરાવી લેજો રજિસ્ટ્રેશન, નહીંતર થશે 5 લાખ સુધીનો દંડ
ગાંધીનગરઃ ગુજરાતની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તા. ૧૨મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સ એ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અત્યાર સુધીમાં તા. 20 ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ રાજ્યની 7989 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં 2816 સરકારી, 5173 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
50થી ઓછા બેડ ધરાવતી કેટલી હોસ્પિટલ્સે કરાવ્યું રજિસ્ટ્રેશન
જેમાં 6536 એલોપેથી, 543 આયુષ હોસ્પ્ટિલ્સ, 910 હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે. ૫૦ થી ઓછી પથારી ધરાવતી 7607 અને ૫૦ થી વધુ પથારી ધરાવતી 326 હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે. જે હેતુથી જ રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે.
આ પણ વાંચો: ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન તશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે. આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
રજિસ્ટ્રેશન નહીં કરાવનારને કેટલો થશે દંડ
આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ કે કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની તેમજ સંસ્થાને સીલ મારવા સુધીની જોગવાઇ છે.