ભરૂચ બાળકી દુષ્કર્મ મામલે કોંગ્રેસે સરકારને ઘેરી; કહ્યું “રાજ્યમાં કાયદાઓ ડર નથી”
વડોદરા: ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકી જીવન-મરણ વચ્ચેનો જંગ ખેલી રહી છે. ઝઘડિયા તાલુકાના એક ગામમાં બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટનામાં હાલ બાળકીની સારવાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ બાળકીની મુલાકાત લીધી હતી અને તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના ઝઘડીયા તાલુકાના એક ગામમાં બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મ બાદ બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી અને હાલ ત્યાં જ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ બાદ ગુજરાતના રાજકારણમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. આજે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ હોસ્પિટલની મુલાકાત લઈ બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના
મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ આ મામલે રાજનીતિ નહીં કરવાની વાત કરી હતી. આ સમયે તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દસ વર્ષની માસુમ સાથે દુષ્કર્મ કર્યું છે. માસુમ દિકરી પર હેવાનિયત કરવાનો વિચાર પણ કેવી રીતે આવે, દીકરી હજી વેન્ટિલેટર ઉપર છે. આપણે પ્રાર્થના કરીએ કે, દીકરી વહેલી તકે સ્વસ્થ થઈ જાય. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત ભરૂચ સહિત અનેક જગ્યાએ માસુમ દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. સમાજને ઝંઝોળી નાખે અને હચમચાવી નાખે તેવી ઘટના બની રહી છે.
આપણ વાંચો: ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? Suratમાં સગીરા પર દુષ્કર્મની ઘટના
ગૃહ રાજ્ય મંત્રી બ્રાન્ડીંગમાં વ્યસ્ત -અમિત ચાવડા
અમિત ચાવડાએ સરકાર અને પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદાનો ડર રહ્યો નથી. સમાજમાં એક બાદ એક આવી ઘટનાઓ બને અને બળાત્કારીઓને કોઈપણ ડર નથી તેવું વાતાવરણ ગુજરાતમાં ઊભું થયું છે. ગુજરાતમાં ગુનેગારો અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવો જોઈએ. દિલ્હીમાં નિર્ભયાકાંડ જેવો બનાવ ભરૂચની દીકરી સાથે બન્યો છે. ગરીબ પરિવાર છે એટલે કોઈ ધ્યાન આપી રહ્યું નથી. આવી ઘટનાથી સરકારનું હૃદય કંપવું જોઈએ. પરિવાર પરપ્રાંતીય છે સરકારને મત મળે તેવી આશા નહીં દેખાઈ રહી હોય એટલે હજી સુધી દીકરીના પરિવારને મળવા કોઈ આવ્યા નથી. દીકરીને જોવા નથી આવ્યું. દીકરી અને પરિવારની ગુજરાત સરકારને કોઈ ચિંતા નથી. ગૃહ રાજ્ય મંત્રી બ્રાન્ડીંગમાં વ્યસ્ત છે.