સરહદોની સુરક્ષા અને નક્સલવાદ સામેની લડાઇમાં સીમા સુરક્ષા દળે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીઃ અમિત શાહ…
સિલીગુડી (પશ્ચિમ બંગાળ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને બિહાર અને ઝારખંડમાં નક્સલવાદ સામેની લડાઈમાં તેના યોગદાન માટે આજે સશસ્ત્ર સીમા બળ (એસએસબી)ની પ્રશંસા કરી હતી.
અમિત શાહે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એસએસબીના 61મા સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે સશસ્ત્ર સીમા બળે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથેની આપણી સરહદોને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની સતર્કતા અને ઉપસ્થિતિને સિલીગુડી કોરિડોર અને પૂર્વ ક્ષેત્રમાં સુરક્ષાની ભાવના સુનિશ્ચિત કરી છે.
ડાબેરી ઉગ્રવાદ સામે લડવામાં એસએસબીના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, “એસએસબીએ બિહાર અને ઝારખંડમાં નક્સલવાદને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. “અન્ય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ સાથેના તેમના સક્રીય સહયોગે છત્તીસગઢમાં નક્સલવાદી પ્રવૃત્તિઓને ઘણી હદ સુધી નબળી પાડી દીધી છે.
આ પણ વાંચો : ભારત પાસે 131 વર્ષ બાદ સ્વામી વિવેકાનંદના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો, જાણો વિગત
આ અવસરે શાહે સરહદ પર રાષ્ટ્ર વિરોધી તત્વોની ગતિવિધિઓ પર અંકુશ લગાવવા એસએસબીને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એસએસબીનો 61મો સ્થાપના દિવસ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેના આપણા સમર્પણની પુષ્ટી કરવાનો દિવસ છે.
એસએસબીના જવાનોએ રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપવા અને ગેરકાયદેસર ગતિવિધિઓ પર અંકુશ લગાવવામાં ઉત્તમ કામ કર્યું છે. શાહે સાંસ્કૃતિક એકીકરણને પ્રોત્સાહન આપવા માટે એસએસબીની પણ પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે એસએસબીએ ભારતના સરહદી ગામોની સંસ્કૃતિ, ભાષા અને વારસાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. આ પહેલ દેશ અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે.