ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા પોલીસ સક્રિયઃ સુરતમાંથી કન્ટેનર ઝડપાયું
અમદાવાદઃ ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાં જ જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે રાજ્યમાં પોલીસ સક્રિય થઈ ગઈ છે. રાજ્યમાં ઉત્તરાયણ પહેલાં જ ચાઈનીઝ દોરીના કારણે અમદાવાદ, મહેસાણા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં.
ઉતરાયણ પહેલા સુરત પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એક શખ્સને દબોચી લીધો હતો. બાતમીના આધારે પોલીસે અનિલકુમાર શંકરલાલ મીણાને ત્યાં દરોડા પાડ્યા હતા અને ચાઈનીઝ દોરીનું કેન્ટરન ઝડપી પાડ્યું હતું. આ દોરીની કિંમત 11 લાખથી વધુની થાય છે. ડીંડોલી સાઈ પોઇન્ટ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા અનિલકુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે. આમ પોલીસે કુલ દોરીના કન્ટેનર સહિત 21 લાખથી વધુની મત્તા જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાંથી 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મેમણ શોપિંગ સેન્ટરમાંથી વડોદરા પોલીસે પ્રતિબંધિત ચાઇનિઝ દોરીના 480 બોક્ષ સહિત 2.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દુકાનમાં હાજર ઇસમ હફીઝ અલીમહમદ મેમણ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર ઇસમ રહીમ ગોલાવાલા વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં મુંબઈના નકલી ડૉક્ટરે વૃદ્ધની સર્જરી કરીને 6 લાખ પડાવ્યા, આ રીતે ફૂટ્યો ભાંડો
અમદાવાદ પોલીસે ઈ કોમર્સ વેબસાઇટને નોટિસ આપી
અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરીને ઓનલાઈન મળતી ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા ઈ કોમર્સ વેબસાઈટોને નોટિસ આપી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડીને ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. જુહાપુરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચી રહેલા 2 યુવકની 74 ટેલર જપ્ત કરીને પોલીસે ધરપકડ કરી હતી. આ બંને ચાઈનીઝ દોરીનું છૂટકમાં વેચાણ કરવા માટે લાવ્યા હતા. આ બંને જણાં જેની પાસેથી દોરી વેચવા માટે લાવ્યા હતા તે વેપારીને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.
ચાઈનીઝ દોરી પશુ પક્ષીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત દોરી નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ છે.