આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પ્રધાનોના શપથગ્રહણ પછી ખાતાની ફાળવણી ક્યાં અટકી?

શિંદેને કારણે નહીં, અજિત પવારને કારણે ફાળવણી અટકી હોવાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં મહાયુતિ સત્તામાં આવ્યાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પ્રધાનોને ખાતાની વહેંચણી થઈ નથી. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળશે અને ટૂંક સમયમાં કેબિનેટની રચના કરવામાં આવશે અને સરકાર ખાતાઓની ફાળવણી પછી કામ કરવાનું શરૂ કરશે, પરંતુ વાસ્તવમાં સરકાર બનાવવામાં બે અઠવાડિયાનો સમય લાગ્યો.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર કૉંગ્રેસને ટુંક સમયમાં નવો અધ્યક્ષ મળશે: નાના પટોલે…

10 દિવસે કેબિનેટનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો તેને પાંચ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી ખાતાનું વિતરણ થયું નથી. તેથી, મુખ્ય પ્રધાન સિવાય બાકીના બધા જ બિન-ખાતાના પ્રધાનો છે, જેથી સરકારનું બધું કામકાજ ઠપ છે.

પાંચમી ડિસેમ્બરે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહ બાદ 15 ડિસેમ્બરે 39 વિધાનસભ્યોએ શપથ લીધા ત્યારથી ખાતા ફાળવણીની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ પણ ખાતાની ફાળવણી થઈ નથી. અગાઉની સરકારમાં ભાજપ, શિવસેના, એનસીપીના મોટાભાગના ખાતા અકબંધ રહેશે એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હોવા છતાં જે રીતે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને હવે અટકળો વધી રહી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે એ હવે નક્કી માનવામાં આવે છે. મહેસૂલ ખાતું પણ ભાજપ પાસે જ રહેશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નગર વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવશે. આ સિવાય તેમને જાહેર બાંધકામ વિભાગ આપવામાં આવી શકે. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને નાણાંની સાથે કૃષિ અને અન્ય મંત્રાલયોે આપવામાં આવશે એવું કહેવાય છે.

અજિત પવાર અગાઉની સરકારમાં નાણાં પ્રધાન અને પુણેના પાલકપ્રધાનપદે હતા, પરંતુ હવે ભાજપે અજિત પવારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે બંને પ્રધાનપદ મળશે નહીં. પુણેનું પાલક પ્રધાનપદ અથવા નાણાં ખાતું છોડવું પડશે.

એવું જાણવા મળ્યું છે કે ખાતાની ફાળવણીમાં વિલંબને કારણે અજિત પવાર નારાજ છે. અજિત પવાર નાણામંત્રી પદ માટે આગ્રહ રાખી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પુણેનું પાલક પ્રધાનપદ પણ ઈચ્છે છે. ભાજપે અજિત પવારને સ્પષ્ટ કહ્યું છે કે આમાંથી એક જ વિકલ્પ પસંદ કરો.

ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલ પુણેના પાલક પ્રધાનપદ માટે ઉત્સુક છે. પુણે જિલ્લો ભાજપ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તેને પશ્ચિમ મહારાષ્ટ્રનો દરવાજો માનવામાં આવે છે, એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું.

ખાતાની વહેંચણી માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે, અજિત પવાર વચ્ચે બેઠકોનાં સત્ર ચાલી રહ્યાં છે. એક-બે દિવસમાં તેની જાહેરાત થાય તેવી શક્યતા છે. કેબિનેટ વિસ્તરણ પછી જોવા મળેલી નારાજગીને ધ્યાનમાં રાખીને અત્યારે સાવચેતીથી આગળ વધવામાં આવી રહ્યું છે.

વિધાનસભાનું અધિવેશન ચાલુ હોવાથી મોટા ભાગના નવા પ્રધાનોના ટેકેદારો-સમર્થકો નાગપુરમાં હાજર છે ત્યારે ખાતાની ફાળવણી જાહેર કરીને તેમની નારાજગી વહોરી લેવાનું યોગ્ય લાગતું નથી. આથી જ હવે વિધાનસભાના ચોમાસુ સત્રના અંત પછી મુંબઈમાં ખાતાઓની વહેંચણીની જાહેરાત કરવાનો ઈરાદો છે.

આ પણ વાંચો : મરાઠી પરિવાર પર હુમલો કરવા બદલ દંપતી સામે એફઆઈઆર, પુરુષ આરોપી સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ: મુખ્ય પ્રધાન

જો તેમ થશે તો અસંતુષ્ટ લોકોને પ્રતિક્રિયા આપવા માટે વધુ સમય મળશે નહીં, સત્તામાં રહેલા ત્રણેય અગ્રણી નેતાઓનો આવો જ મત છે. આથી હવે ખાતાની વહેંચણી રવિવારે કે સોમવારે મુંબઈમાં થઈ શકે એવી શક્યતા જણાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button