‘કેરળ સ્ટોરી’ સામે ‘જવાન’-‘પઠાન’ ફીકી પડે
શાહરુખની ફિલ્મોનો ગલ્લો ભલે ચાર આંકડાનો હોય, પણ કમાણીની ટકાવારીમાં કિંગ ખાનની આ ફિલ્મો નાના બજેટની પણ અદભુત વળતર આપનારા ચિત્રપટ સામે પાણી ભરે
ફોકસ -હેમા શાસ્ત્રી
આમિર ખાનની ’ગજની’ (૨૦૦૮)થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ૧૦૦ કરોડના સપનાં જોતી થઈ અને બીજા પાંચેક વર્ષમાં તો ૧૦૦ કરોડ ફીકા લાગે એવું કલેક્શન હિન્દી ફિલ્મો (થ્રી ઈડિયટ્સ, પીકે, બજરંગી ભાઈજાન વગેરે) મેળવતી થઈ ગઈ અને પછી તો ૨૦૦, ૩૦૦, ૫૦૦ કરોડના કલેક્શનની (વિશ્ર્વભરના) કોઈ નવાઈ ન રહી. બોક્સ ઓફિસ કલેક્શનના મોટી ભરતીના દોરમાં હિન્દીમાં ડબ કરવામાં આવેલી તેલુગુ ફિલ્મ ‘બાહુબલી ૨: ધ કનકલુઝન’થી ફિલ્મ ઉદ્યોગ ૧૦૦૦ કરોડના કલેક્શનના સપનાં જોતો થઈ ગયો. શાહરૂખ ખાનની ‘પઠાન’ અને ’ ‘જવાન’ વિશ્ર્વભરમાં ૧૦૦૦ કરોડથી વધારે ગલ્લો મેળવવાની પરંપરા ‘ગદર’ પણ જોડાઈ. અલબત્ત આંકડાને કઈ રીતે જોવામાં આવે છે એ મહત્ત્વનું છે. કોઈપણ બિઝનેસમાં વળતર એની સફળતાનો એક માપદંડ ગણાય છે. આજના વેલ્થ મેનેજમેન્ટના સમયમાં રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખાતું પરિબળ જેને ગુજરાતી વેપારીની ભાષામાં ‘કેટલા ટકા છૂટ્યા’ કહેવાય છે એ હિસાબે ગણતરી માંડીએ તો ‘પઠાન’ અને ‘જવાન’ એ બંને ફિલ્મ સની દેઓલની ‘ગદર ૨’ અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની ‘ધ કેરળ સ્ટોરી’ સામે વામણી લાગે. જરા ફોડ પાડી વાત કરીએ.
આ વર્ષે ધનવર્ષા થઈ હોય એવી પહેલી ફિલ્મ હતી શાહરુખની ‘પઠાન’. યશરાજના આ ચિત્રપટે ભારતની બોક્સ ઓફિસમાં ૫૪૩ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. અલબત્ત એ વાતની નોંધ લેવી જોઈએ કે ફિલ્મનું બજેટ હતું ૨૫૦ કરોડ. એટલે રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ થયું ૨૯૩ કરોડ એટલે કે ૧૧૭ ટકા. ગુજરાતી વેપારીની ભાષામાં કહીએ તો ૧૦૦ રૂપિયાના રોકાણ સામે ૧૧૭ રૂપિયાનું વળતર. કિંગ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ તો કમાણીમાં ‘પઠાન’ કરતા આગળ નીકળી ગઈ છે અને ૧૦ ઓક્ટોબર સુધીમાં ૬૨૬ કરોડ ગલ્લામાં આવી ગયા છે. જોકે, એનું બજેટ હતું ૩૦૦ કરોડ અને ગણતરી કરતા રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ થયું ૩૨૬ કરોડ એટલે કે ૧૦૮ ટકા. હવે આ વર્ષની બીજી બે સફળ ફિલ્મ ‘ગદર ૨’ અને ‘કેરળ સ્ટોરી’ની હકીકત જાણીએ. ૭૫ કરોડના બજેટમાં બનેલી સની દેઓલની ફિલ્મ ૫૨૫ કરોડનું કલેક્શન કરી શકી હતી. જોકે, એનું બજેટ હતું માત્ર ૭૫ કરોડ. એટલે રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ થયું ૪૫૦ કરોડ અને રોકાણને હિસાબે ૬૦૦ ટકા. વિવાદ અને ટીકાનું કેન્દ્ર બનેલી ‘ધ કેરળ સ્ટોરી’ માત્ર ૩૦ કરોડના બજેટમાં તૈયાર થઈ હતી અને વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીને કારણે બોક્સ ઓફિસ પર ખૂબ સારી સફળતા મેળવી ૨૩૮ કરોડનું કલેક્શન મેળવી શકી હતી. કોઈ પણ વેપારી ઝૂમી ઊઠે એવું ૬૯૩ ટકાનું વળતર – રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હવે તમે જ કહો, વળતરના હિસાબે ‘કેરળ સ્ટોરી’ સામે ‘પઠાન’ – ‘જવાન’ની કમાણી ફીકી જ પડે ને. આ ચારેય ફિલ્મના વળતરની ગણતરી માત્ર ભારતમાં થયેલા કલેક્શનને આધારે જ કરવામાં આવી છે, કારણ કે ‘પઠાન’ અને ‘જવાન’ વિદેશમાં રિલીઝ કરી તગડો વકરો કરવામાં આવ્યો છે જ્યારે ‘ગદર ૨’ અને ‘કેરળ સ્ટોરી’ વિદેશમાં સીમિત રિલીઝ ધરાવે છે.
હવે તો ફિલ્મની કમાણીમાં વિદશી વકરાને પણ જોડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં ભારતીય ફિલ્મોના કલેક્શનમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. નોર્થ અમેરિકા, મધ્ય પૂર્વના દેશો, સાઉથ ઈસ્ટ એશિયા (થાઈલેન્ડ. સિંગાપોર, મલેશિયા વગેરે) તેમજ ચીનમાં આપણી ફિલ્મોને નવા પ્રેક્ષકો થકી નવું માર્કેટ મળ્યું છે. જોકે, આમાં મજાની વાત એ છે કે વળતરની દ્રષ્ટિએ બાવીસ વર્ષ પહેલા રિલીઝ થયેલી એક હિન્દી ફિલ્મે રોકાણ સામે વિદેશમાં કરેલા વકરાની ટકાવારીની તોલે આજની તોતિંગ કમાણી કરતી ફિલ્મો પણ ઝાંખી લાગે. એ નોંધવું રહ્યું કે મિથુન ચક્રવર્તીની ‘ડિસ્કો ડાન્સર’ (૧૯૮૪) વિદેશમાં ૧૦૦ કરોડની સફળતાથી જરા માટે વંચિત (૯૪ કરોડ) રહી ગઈ હતી. મીરા નાયરની ‘મોન્સૂન વેડિંગ’ વિદેશમાં ૧૦૦ કરોડની સિદ્ધિ મેળવનાર પહેલી ફિલ્મ હતી. શેખર કપૂરે ફિલ્મની આરતી ઉતારતા લખ્યું હતું કે ’માત્ર પાંચ કરોડના બજેટમાં બનેલી મીરા નાયરની ફિલ્મ વિદેશમાં ૩૧ મિલિયન ડૉલર (૨૦૦૧ની ગણતરીએ ૧૪૮ કરોડ રૂપિયા)નો વકરો કર્યો હતો. ટકાવારી થઈ અધધધ ૨૯૬૦. એક રૂપિયાના રોકાણ સામે લગભગ ૩૦૦૦ રૂપિયાની કમાણી. કોઈ પણ વેપારીના મોઢામાંથી લાળ ટપકી પડે એવું આ રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ છે. અલબત્ત એક વાત સ્વીકારવી જોઈએ કે મીરા નાયરની ફિલ્મ ભારત – યુએસએનું સહિયારું નિર્માણ હતું અને એનું વિતરણ યુએસએ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેને કારણે અન્ય ભારતીય ફિલ્મોની સરખામણીએ ‘મોન્સૂન વેડિંગ’ યુએસએ અને કેનેડામાં વધુ સ્થળે રિલીઝ થઈ શકી હતી. ત્યારબાદ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયન એવોર્ડ અને અન્ય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળવાથી વિદેશમાં ફિલ્મ માટે ડિમાન્ડ વધી ગઈ હતી.
‘મોન્સૂન વેડિંગ’નું મેજિક: એકવીસમી સદીનો સૂરજ નવી આશા – અરમાન અને નવી અપેક્ષા સાથે ઉગ્યો હતો. ૨૦૦૧માં ‘લગાન’, ‘ગદર એક પ્રેમકથા’, ‘દિલ ચાહતા હૈ’,
‘કભી ખુશી કભી ગમ’ જેવી એકબીજાથી સાવ જુદી પડતી, પણ દર્શકોનો બહોળો આવકાર મેળવનારી ફિલ્મો રિલીઝ
થઈ હતી. ‘સલામ બોમ્બે’ (૧૯૮૮) બનાવનારા મીરા નાયરની ‘મોન્સૂન વેડિંગ’ પણ એ જ વર્ષે રિલીઝ થઈ હતી. રાજશ્રી ફિલ્મ્સના સૂરજ બડજાત્યાએ દર્શકોને લગ્નની ધામધૂમ અને પારિવારિક પરંપરાવાળી ફિલ્મોની મજા લેવાની ટેવ પાડી દીધી હતી. મીરા નાયરની ફિલ્મના નામમાં ભલે લગ્નનો ઉલ્લેખ હતો, પણ એ ટિપિકલ વેડિંગ સ્ટોરી નથી. લગ્નની ઉજવણી છે અને એથી વધુ મહત્ત્વની વાત એ છે કે એમાં સંબંધોના તાણાવાણા અને પરિવારનાં રહસ્યોનો પણ પર્દાફાશ થાય છે. વેડિંગ પ્લાનરથી માંડી પરિવારનો પ્રત્યેક સભ્ય પ્રેક્ષકને જાણીતો લાગે છે. વેડિંગની ફિલ્મમાં બાળકોના યૌન શોષણ અને બાળકો પ્રત્યે કામુકતાની માનસિકતા પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.