ટ્રુડો કેબિનેટમાં કરી શકે છે ફેરબદલ, લિબરલ પાર્ટીના બેકબેન્ચર્સને આપી શકે છે તક
કેનેડાની ટ્રુડો સરકાર સામે ગંભીર સંકટ ઊભું થયું છે. તેમના પોતાના દળના નેતાઓ જ ટ્રુડોનો વિરોધ કરી રહ્યા છે અને એવું લાગે છે કે ટ્રુડો સરકાર પડી જશે. દરમિયાન સરકાર પડવાની અટકળો વચ્ચે જાણવા મળ્યું છે કે કેનેડાના વડા પ્રધાન તેમની સરકાર પડતી બચાવવા માટે કવાયત કરી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો શુક્રવારે (20 ડિસેમ્બર) ના રોજ તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કરી શકે છે. જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટીમાંથી કેટલાક ઓછા જાણીતા એવા બેકબેન્ચર્સને મંત્રી પદ પર પ્રમોટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે ઘણા વર્તમાન મંત્રીઓના પોર્ટફોલિયો પણ બદલવામાં આવી શકે છે. ટ્રુડો સરકારના પૂર્વ નાણામંત્રીના રાજીનામા બાદ ખળભળાટ મચી ગયો છે. કેનેડાના પૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામુ આપી દીધું છે અને સરકાર ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. લિબરલ સરકારમાં ખળભળાટનો માહોલ છે. ઘણા વર્તમાન પ્રધાનો વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની નીતિઓથી નિરાશ છે, જ્યારે ઘણા નેતાઓએ એમ પણ કહ્યું છે કે હાલમાં દેશમાં ચૂંટણી માટે વાતાવરણ અનુકૂળ નથી, તેથી તેઓ અત્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ થાય એમ ઇચ્છતા નથી.
સૌથી મહત્વની વાત એ છે કે લિબરલ પાર્ટીને બહારથી સમર્થન આપતી NDP આ કેબિનેટ રિશફલને કેવી રીતે લેશે? કારણ કે NDP ચીફ જગમીત સિંહે તો એક નિવેદનમાં કહી જ દીધું છે કે હવે ટ્રુડોને જવું પડશે. તેથી જો NDPને રિશફલને પસંદ ના આવે અને તેઓ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચે તો ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી જશે. જો કે, કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ ઓક્ટોબર 2025માં યોજાવાની છે.
જસ્ટિન ટ્રુડોની સરકાર હાલમાં અનેક પડકારોથી ઘેરાયેલી છે ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર લાંબા સમયથી ચારે બાજુથી પડકારોથી ઘેરાયેલી છે. એક તરફ ભારત સાથે કેનેડાના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવી ગયા છે અને લરકાર સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોને કેનેડાની સરહદ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ડ્રગ્સની સમસ્યાને કારણે ટેક્સ વધારવાની ચેતવણી આપી છે.
Also Read – પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર વાત કરી
આ મુદ્દાને ઉકેલવા માટે, જસ્ટિન ટ્રુડોએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણી વખત મુલાકાત કરી છે. ટ્રમ્પ તો અનેક વાર કેનેડાને અમેરિકાના એક રાજ્ય તરીકે જોડાઇ જવા માટે નિવેદનો કરી ચૂક્યા છે. કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકારના શાસનમાં ભારે ગરબડ ચાલી રહી છે. ટ્રુડોની ખુરશી ડગમગી રહી છે. જો ટ્રુડોની સરકારને બહારથી સમર્થન આપતી એનડીપી પોતાનું સમર્થન પાછું ખેંચી લેશે તો દેશમાં 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાય તે પહેલા જ જસ્ટિન ટ્રુડોની સરકાર લઘુમતીમાં આવી જશે.