ફી બાકી હોવાથી સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દીધા, વાલીઓએ રોષ ઠાલવ્યો
બેંગલુરુ: વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોંધીદાટ ફી ઉઘરાવતી શાળાઓની મનમાનીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. એવામાં બેંગલુરુની એક શાળાએ કથિત રીતે શિક્ષણ જગતને કલંક લગાવે તેવું કૃત્ય (Bengaluru School) કર્યું હતું. અહેવાલ મુજબ શાળાના સંચાલકોએ ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી એક અંધારા રૂમમાં બંધ કરી દીધા હતાં. જેને કારણે બાળકોના માનસિક પીડા પહોંચી હતી. રોષે ભરાયેલા વાલીઓએ શાળમાં દેખાવો કર્યા હતાં, અને સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
શાળાની મનમાની:
કથિત રીતે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને એવી પણચેતવણી આપી છે કે જો તેઓ ફરિયાદ નોંધાવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. અહેવાલો અનુસાર, આ એક માત્ર કેસ નથી. શહેરની કેટલીક ખાનગી શાળાઓ કથિત રીતે ફી ભરવામાં વિલંબ કરવા અને ગેરવર્તણૂકની સજા આપવા વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દે છે. અમુક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓને ફી ન ચૂકવવા બદલ વર્ગના કલાકો દરમિયાન અંધારાવાળી લાઇબ્રેરીમાં બંધ કરી દેવામાં આવ્યા હતાં.
શાળાઓ સામે ફરિયાદ:
આવા બનાવો સામે શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા અને સંરક્ષણ વિભાગને ઔપચારિક ફરિયાદો કરવામાં આવી છે. વાલીઓ આવી શાળાઓના લાઇસન્સ રદ કરવા અને તેમને બ્લેકલિસ્ટ કરવા સહિત ઝડપી કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. વાલીઓ દલીલ કરી રહ્યા છે કે આવા શિક્ષાત્મક પગલાં તેમના બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ દૂર થઇ, વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
શાળાઓ સામે કાર્યવાહી થશે:
શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓને બાકી ફી અંગે વિદ્યાર્થીઓને હેરાન કરવા સામે ચેતવણી આપી છે. આવી સજા આપવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક પ્રદર્શનને નુકસાન થઈ શકે છે. વિભાગે સંપૂર્ણ તપાસની ખાતરી આપીને માતાપિતાને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવી ઘટનાઓની જાણ કરવા કહ્યું છે. વિભાગે એમ પણ જણાવ્યું કે જો આરોપો સાચા સાબિત થશે, તો શાળાઓની પરમિટ રદ કરવામાં આવશે, અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.