નેશનલ

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. 89 વર્ષની વયે તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના વડા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ચૌટાલાને સવારે 11.30 વાગ્યે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તે પહેલા જ તેમનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. પ્રારંભિક માહિતી અનુસાર ચૌટાલાનું ગુરુગ્રામમાં તેમના પોતાના ઘરે કાર્ડિયાક અરેસ્ટ બાદ નિધન થયું હતું.

તેઓ ભારતના છઠ્ઠઆ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર હતા. ચૌધરી દેવીલાલ તાઉ હરિયાણા અને દેશના રાજકારણમાં ઘણા પ્રખ્યાત હતા. દેવીલાલના 5 સંતાનોમાંના ચાર પુત્રોમાંના એક ઓમપ્રકાશ ચૌટાલા હતા. તેમના બાકીના પુત્રોના નામ પ્રતાપ ચૌટાલા, રણજીત સિંહ અને જગદીશ ચૌટાલા છે. જ્યારે દેવીલાલ ડેપ્યુટી પીએમ બન્યા ત્યારે મોટા પુત્ર ઓમપ્રકાશ ચૌટાલાએ તેમનો રાજકીય વારસો સંભાળ્યો હતો અને હરિયાણાના મુખ્ય પ્રધાન બન્યા હતા. ઓમ પ્રકાશ 1989 થી 1991 સુધી મુખ્ય પ્રધાન હતા. તેઓ 1991માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 1999માં ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણામાં ભાજપની મદદથી સરકાર બનાવી હતી. 2005 સુધીમાં તેઓ હરિયાણાના સીએમ બન્યા. દેવીલાલનું 2001માં અવસાન થયું હતું. ઓમ પ્રકાશ ચાર વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે.

ઓમપ્રકાશ ચૌટાલા તેમના પિતાના જેલવાસને કારણે તેમનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા ન હતા. તેઓ હંમેશા તેનો અફસોસ કરતા હતા. ઓમ પ્રકાશ ચૌટાલાએ આખરે 87 વર્ષની ઉંમરે 10મી અને 12મીની પરીક્ષાઓ ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી હતી. એમ તો ચૌટાલાએ 2019માં 10મા ધોરણની પરીક્ષા આપી હતી, પરંતુ કેટલાક કારણોસર તેઓ અંગ્રેજીનું પેપર આપી શક્યા નહોતા. અંગ્રેજી વિષયનું પરિણામ ન આવવાને કારણે હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડે તેમનું 12માનું પરિણામ પણ અટકાવી દીધું હતું. તેમણે ઓગસ્ટ 2021માં 10મું અંગ્રેજીનું પેપર આપ્યું હતું, જેમાં તેમણે 88% માર્ક્સ મેળવ્યા હતા. ચૌટાલાએ 87 વર્ષની વયે 10મું અને 12મું ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું.

Also Read – Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજયસભામાં પણ હંગામો

ઓમ પ્રકાશ ચૌટાલાના લગ્ન સ્નેહ લતા સાથે થયા હતા. ઓગસ્ટ 2019માં તેમની પત્નીનું અવસાન થયું હતું. ઓમપ્રકાશ ચૌટાલાને બે પુત્રો છે. અજય અને અભય ચૌટાલા. અજય અને અભય ચૌટાલાને બે-બે પુત્રો છે. અજય ચૌટાલાના પુત્રોના નામ દુષ્યંત અને દિગ્વિજય ચૌટાલા છે. બંને રાજકારણમાં છે. તે જ સમયે, અભય ચૌટાલાના પુત્રોના નામ કર્ણ અને અર્જુન ચૌટાલા છે. તેઓ બંને પણ રાજકારણમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button