એકસ્ટ્રા અફેર

થરુરની વાત સાચી, ભારતે હમાસને આતંકવાદી જાહેર કરવું જરૂરી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પેલેસ્ટાઈનના સમર્થનનો ઠરાવ પસાર કરાયો તેની મોંકાણ પતી નથી ત્યાં હવે કૉંગ્રેસના સાંસદ શશિ થરુરે હમાસ અંગે કરેલા નિવેદને નવો બખેડો ઊભો કર્યો છે. ઈઝરાયલ પરના હમાસના હુમલાને પગલે ટીવી ચેનલો પર અત્યારે આ મુદ્દો છવાયેલો છે ને તેમની જ ચોવટ ચાલી રહી છે. શશિ થરુર કૉંગ્રેસી સાંસદ હોવા ઉપરાંત ભૂતપૂર્વ રાજદ્વારી પણ છે તેથી તેમને પણ આ ચર્ચાઓમાં ભાગ લેવા બોલાવાય છે.

થરુરે આવી જ ચર્ચા દરમિયાન કહેલું કે, આતંકવાદી સંગઠન હોવાનું લેબલ બહુ સંવેદનશીલ મુદ્દો છે અને આપણે સતર્ક રહેવાની જરૂર છે. આ મુદ્દે બીજા દેશો શું કહે છે તેને અનુસરવાની જરૂર નથી. ઈઝરાયલ અને અમેરિકા હમાસને આતંકવાદી સંગઠન માને છે પણ ભારતે પણ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ.

થરુરના આ નિવેદનને કારણે બબાલ મચી ગઈ. સોશિયલ મીડિયા પર લોકો થરુરના માથે માછલાં ધોવા માંડ્યાં ને ભારતમાં ઈઝરાયલના રાજદૂત રહી ચૂકેલા ડેનિયલ કોરમેને સુદ્ધાં આઘાતની લાગણી વ્યક્ત કરી. કોરમેન થરુરને ઓળખે છે તેથી સીધા તેમને સંબોધીને લખ્યું છે કે, થરુર તમારી વાત સાંભળીને મને આઘાત લાગ્યો છે. હમાસ મારાં લોકો સામે દાયકાઓથી આતંક ફેલાવે છે, પેલેસ્ટાઈનની સત્તાધીશોને પડકાર ફેંકે છે ને આ અઠવાડિયે તો એક હજાર કરતાં વધારે નિર્દોષ લોકોની કત્લેઆમ કરી નાંખી.

કોરમેનના આક્રોશના પગલે થરુરે ચોખવટ કરવી પડી કે, મારા શબ્દોને વિકૃત સ્વરૂપ આપીને બનાવાયેલી હેડલાઈન્સથી ગેરમાર્ગે દોરવાઈ જશો નહીં. આ કપરા સમયમાં તમારા માટે અને ઈઝરાયલમાં રહેલા બીજા દોસ્તો માટે પણ મને સાહનુભૂતિ છે. હું તમારી સૌની સલામતીની આશા અને પ્રાર્થના કરું છું. હમાસ આતંકવાદી કૃત્યો કરે છે તેમાં કોઈ શંકા નથી પણ મારા કહેવાનો મતલબ એટલો જ હતો કે ભારતે સત્તાવાર રીતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જરૂરી છે.

થરુરની સ્પષ્ટતા પછી પણ સોશિયલ મીડિયા પર તો થરુરરની મેથી મારવાનો કાર્યક્રમ ચાલુ જ છે. મુસ્લિમોને રાજી કરવા કૉંગ્રેસ મુસ્લિમ આતંકવાદી સંગઠનોને ટેકો આપી રહી છે એ પ્રકારની કોમેન્ટ્સને મારો ચાલી રહ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમાસના હુમલાને પગલે ઈઝરાયલને ટેકો આપ્યો છે ત્યારે કૉંગ્રેસ આતંકવાદીઓના પડખે છે, કૉંગ્રેસીઓ આતંકવાદીઓની તરફેણ કરે એ પ્રકારની કોમેન્ટ્સથી સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યું છે.

થરુરની કોમેન્ટ્સના મુદ્દે ઊભો થયેલો બખેડો ભારતમાં લોકોનું બૌદ્ધિક સ્તર ક્યા પ્રકારનું છે એ દર્શાવે છે. થરુરે જે કંઈ કહ્યું એ સો ટકા સત્ય છે. હમાસ આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે એ સાબિત કરવા માટે કોઈ પુરાવાની જરુર નથી પણ ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી એ હકીકત છે. હમાસ આતંકવાદી સંગઠન છે એવું આપણે કહીએ છીએ ને આખી દુનિયા કહે છે કેમ કે એ આતંકવાદ ફેલાવે છે પણ ભારતે તેને આતંકવાદી સંગઠન જાહેર નથી જ કર્યું. અમેરિકા, ઈઝરાયલ, યુકે, ઑસ્ટ્રેલિયા સહિતના દેશો હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે તેથી આખી દુનિયા તેમને આતંકવાદી સંગઠન કહે છે, મીડિયા પણ હમાસનો ઉલ્લેખ આતંકવાદી સંગઠન તરીકે કરે છે પણ ભારત દ્વારા હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરાયું નથી એ હકીકત છે.

હમાસ જેવા નિર્દોષ લોકોની હત્યા કરતાં સંગઠનોની કોઈ સંજોગોમાં તરફેણ ના થઈ શકે પણ વિદેશી બાબતોમાં સાવચેતીભર્યું વલણ જરૂરી હોય છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલાને મુદ્દે ઈઝરાયેલની પડખે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો ત્યારે એ સાવચેતી દાખવી જ છે. મોદીએ કહેલું કે, ભારતની સંવેદનાઓ અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

ભારતે સત્તાવાર રીતે ઈઝરાયલને ટેકો આપીને હમાસનાં કૃત્યોની ઝાટકણી કાઢી છે પણ મોદીના કે વિદેશ મંત્રાલયના નિવેદનમાં પણ હમાસનો ઉલ્લેખ આતંકવાદી સંગઠન તરીકે નથી કરાયો. થરુરે એ જ વાત કરી છે ને ભારત સરકાર હમાસને આતંકવાદી સંગઠન નથી કહેતું એ વલણને પોતાનો ટેકો હોવાનું જાહેર કર્યું છે. હવે આ દેશની સરકારના સત્તાવાર વલણને ટેકો આપવો પણ ગુનો થઈ ગયો?

ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી એ માટેનાં પોતાનાં કારણો છે ને આ કારણો ભારતનાં હિતો સાથે જોડાયેલાં છે. સૌથી પહેલું તો એ કે, હમાસ ભારતમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતું નથી. હમાસ પેલેસ્ટાઈનની મુક્તિ માટે લડે છે અને એ માટે ઈઝરાયલમાં આતંકવાદ ફેલાવે છે પણ હજુ સુધી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં હમાસની સંડોવણીની વાત સુદ્ધા નથી આવી.

હમાસ પેલેસ્ટાઈનની રાજકીય પ્રક્રિયામાં ભાગ લે છે , પેલેસ્ટાઈનના એક હિસ્સા એવા ગાઝા સ્ટ્રીપ પર તેનો કબજો છે, તેની સરકાર છે. આ કબજો ગેરકાયદેસર રીતે કરાયેલો હોવાનું ઈઝરાયલ અને અમેરિકા સહિતના દેશો માને છે તેથી હમાસને આતંકવાદી સંગઠન માને છે પણ આ મામલો ઈઝરાયલનો પોતાનો છે. ભારતનો નથી તેથી ભારત આ બધી કડાકૂટથી દૂર છે.

બીજું એ કે, સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો હમાસને પડખે છે. સાઉદી અરેબિયાએ તો ઈઝરાયલ પરના હુમલા પછી પણ હમાસને ખુલ્લો ટેકો આપ્યો છે. હમાસની લડતમાં પોતે સાથે હોવાનું જાહેર કર્યું છે. સાઉદી, કતાર વગેરે હમાસના સમર્થક દેશો સાથે ભારતના ગાઢ સંબંધો છે. ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે એટલે ખુલ્લેઆમ ઈઝરાયલનું સમર્થન કર્યું કહેવાય. તેના કારણે સાઉદી સહિતના દેશો બગડે તો ભારતમાં હિતો જોખમાય. આ કારણે ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી.

પહેલાંની કૉંગ્રેસ સરકારનું પણ આ વલણ હતું ને મોદી સરકારનું પણ એ જ વલણ છે. આ વલણ સાચું છે ને ભારતના હિતો સાચવનારું છે તેથી તેને વળગી રહેવામાં ખોટું નથી. જેમને લાગતું હોય કે, હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ તેમણે આ વાત મોદી સરકારના કાન સુધી પહોંચાડવી જોઈએ, થરુરની મેથી મારવાનો મતલબ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button